Tue Jan 20 2026

Logo

White Logo

આરોગ્ય પ્લસઃ વ્યસન ધીરે : ધીરે સજામાં પલટાતી મજા?

3 hours from now
Author: Mumbai Samachar Team
Video

સંકલન: સ્મૃતિ શાહ મહેતા

પૃથ્વી પર રહેલી કોઇ પણ વ્યક્તિને પૂછવામાં આવે કે, એ જે કાંઇ પણ કરે છે તે શા માટે કરે છે? તો તેનો એક જ ઉત્તર મળશે કે, તે સુખી અને શાંતિમય જીવન જીવવા માટે જ બધું કરે છે. જીવ-પ્રાણીમાત્રને દુ:ખ પસંદ નથી. જીવનમાં આવતા નાના એવા દુ:ખને પણ અથાગ પ્રયત્નોથી દૂર કરવા આપણે મથીએ છીએ...

શું જીવનની આ જ વાસ્તવિકતા છે? શું આપણે ખરેખર આવું જ માનીએ છીએ? શું દારૂ, સિગારેટ, ગુટકા વગેરેનાં વ્યસનોના દુ:ખથી અજાણ છીએ? તો પણ આપણે શા માટે સામે ચાલીને નરકનાં દુ:ખ જેવાં આ વ્યસનોના ગુલામ થઇએ છીએ?

શું તમે જાણો છો કે આજે વિશ્ર્વમાં દર 6 સેક્ધડે 1 વ્યક્તિ તમાકુના વ્યસનથી મૃત્યુ પામે છે. તેમાં પણ ભારતમાં દર 2 મિનિટે 3 વ્યક્તિનું સિગારેટના વ્યસનથી મોત થાય છે. વિશ્ર્વમાં થતાં મૃત્યુમાંથી 6 ટકા લોકો દારૂના વ્યસનથી મૃત્યુ પામે છે.

શરીરમાં થતાં અન્ય રોગ કેવળ આપણી ભૂલના કારણે થતાં નથી, એ પણ એક વાસ્તવિકતા છે; પરંતુ દારૂ, સિગારેટ કે તમાકુને કારણે શરીરમાં થતાં કોઇ પણ રોગના જવાબદાર 100 એ 100 ટકા આપણે જ છીએ. આ વ્યસનોની ભયંકરતા આટલી બધી છે.

શું આપ જાણો છો?

* વિશ્વમાં પ્રાય : રોજ 14 હજાર લોકો ધ્રૂમ્રપાનના વ્યસનથી મરે છે.
* ધૂમ્રપાનથી થતા મૃત્યુની સંખ્યા આપઘાત કરતાં 30 ગણી વધુ છે, અને દુનિયામાં થતા ખૂન કરતાં 54 ગણી વધુ છે.

* વિશ્વમાં થતાં કેન્સરના મૃત્યુમાં પ્રાય : 30થી વધુ ટકા ફાળો તમાકુનો છે.

* વિશ્વમાં દર વર્ષે તમાકુના વ્યસનને કારણે આશરે 60 લાખ લોકો મોતને ભેટે છે.

* તમાકુને કારણે દર વર્ષે અંદાજે 20 હજાર લોકોને પગ કપાવવો પડે છે.

* ભારતમાં રોજ આશરે 5435 નવાં બાળકો અને ગુજરાતમાં અંદાજે 244 નવાં બાળકો ધ્રૂમ્રપાન કરતાં શીખે છે.

* વિશ્વમાં દર વર્ષે લગભગ 33 લાખ લોકો દારૂના વ્યસનથી મૃત્યુ પામે છે.

* ઇ.સ. 2030માં તમાકુને લીધે થતા મૃત્યુની સંખ્યા એઇડ્સ અને ટી.બી. કરતાં વધારે હશે.

વ્યસનથી મુક્ત થવાના આ છે કેટલાક સરળ ઉપાય:

1) ‘મારે વ્યસન છોડવું જ છે.’ એવી મક્કમતા કરવી. વ્યસન રાખવાથી અને છોડવાથી થતાં ફાયદા-નુકસાનોની એક યાદી બનાવી રાખવી.
વ્યસન છોડવાની ઇચ્છા આપણી પોતાની હોવી જોઇએ. કેમ કે, અન્ય લોકોના કહેવાથી કરેલો વ્યસનનો ત્યાગ માત્ર થોડા દિવસ પૂરતો જ ટકે.
મનમાં એવું દૃઢ કરી લેવું જોઇએ કે, ‘વ્યસન એ માત્ર ગુલામી, બરબાદી અને દુ:ખ જ છે.’

2) વ્યસન છોડવા વિશેની માન્યતા બદલવી. વ્યસન છોડવું તેને બોજ કે દુ:ખ ન માનીએ, પરંતુ ‘એક પરમ શત્રુનો ત્યાગ કરું છું’ તેવું સમજીએ.

3) વ્યસન છોડવાની કોઇ પણ એક તારીખ નક્કી કરી લેવી.
ઘણા વ્યસની વ્યસન છોડવાનું નક્કી કરે છે, પરંતુ ચોક્કસ સમય નિર્ધારિત ન હોવાથી તેને પોતાનું મન રમાડયા કરે છે કે, ‘આજ-કાલમાં વ્યસન છોડી દઇશ.’ પરંતુ આવા લોકો કયારેય વ્યસન છોડી શકતા નથી.

4) શ્રીહરિની મદદ લેવા માટે રોજ પ્રાર્થના કરવી. એ અવશ્ય આપણને મદદ કરીને વહેલી તકે વ્યસનમુક્ત કરશે.
5) આપણે શા માટે વ્યસનો છોડવા છે?  તેના મુખ્ય ત્રણેક કારણ શોધી, આપણને દેખાય તેવી જગ્યાએ મોટા અક્ષરે લખી રાખવું; જેથી તે વારંવાર યાદ આપ્યા કરે.

6) વ્યસન છોડવાની ઇચ્છા પરિવારજનો તથા સહચર મિત્રોને જણાવવી. કેમ કે જો વ્યસન છોડવાની ઇચ્છાની જાણ માત્ર પોતા પૂરતી જ રાખીશું, તો મન આપણને ગમે ત્યારે છેતરશે. તેથી સહચરોને જાણ કરવાથી તેઓ યોગ્ય સમયે ખૂબ જ મદદ કરી શકશે.

7) વ્યસન છોડવાની પ્રક્રિયા દરમ્યાન એક-બે નજીકના, જે આપણી હરેક ક્રિયા કે વિચારથી વાકેફ રહી શકે અને જરૂર પડે તો ઊલટ તપાસ કરીને પણ મદદ કરી શકે, તેવા નિર્વ્યસની સ્નેહીજનો સાથે સંપૂર્ણ નિખાલસ રહેવું.

8) આત્મવિશ્વાસ કેળવ્યા વિના એકસાથે વ્યસન છોડવાની કોશિશ ન કરવી.
વ્યસની જયારે એકસાથે સંપૂર્ણ વ્યસન છોડવા ઇચ્છે છે, ત્યારે તે ઘણીવાર હારી જાય છે. આમ અનેક હાર પછી તે નાહિંમત થઇ જાય છે અને ‘મારાથી હવે વ્યસન નહીં છૂટે’ એવું સ્વીકારી લે છે. માટે ધીરે-ધીરે વ્યસન ઘટાડતા જવું.

9) હિંમતપૂર્વક પોતાના વ્યસની મિત્રોનો સંગ છોડી દેવો. કારણ કે વ્યસની મિત્રો ગમે તે સમયે વ્યસનનો આગ્રહ કરી શકે છે. જેમાં લોભાઇ જવાની પૂરેપૂરી શકયતા છે.

10) જો કદાચ કોઇ વ્યસન માટે આગ્રહ કરે તો તેને શરમ રાખ્યા વિના હિંમતપૂર્વક ચોખ્ખી ‘ના’ પાડી દેવાની ટેવ પાડવી.