Tue Jan 20 2026

Logo

White Logo

ફોક્સઃ એક સમયે માંદાની માવજત : માટે ફેમિલી પ્રેક્ટિસ સંપૂર્ણ હતી

3 hours from now
Author: Mumbai Samachar Team
Video

 ડૉ. અશોક કોઠારી

એક સમયે ફેમિલી ડૉકટરોનો જમાનો હતો. જેમ મુંબઈની ગલીએ ગલીએ ઈરાની રેસ્ટૉરંટ હતી તેમ એમ.બી.બી.એસ. દાકતરોના દવાખાના હતા. એક રૂમમાં આગળ કાચના કાઉન્ટરમાં કમ્પાઉંડર બેસતો. દાકતરો દરદીને તપાસીને દવા લખતા. કમ્પાઉંડર તે જોઈને દવા આપતો હતો. કાચની બાટલીઓ ઉપર કાપાવાળો કાગળ ચોંટાડેલો રહેતો તે પ્રમાણે મીક્સચર અપાતું.

જ્યારે બાટલીઓમાં મીક્સચર અપાતાં

લગભગ પચાસ વરસ પહેલાં લાલ ચળકતું કાર્મિનેટિવ મીક્સચર, તાવ માટે ડાયાફોરટિક મીક્સચર વગેરે દવાખાનામાં બનાવીને આપવામાં આવતું. દરેકની આગવી સોડમ અને કડવાશ પણ કાર્મિનેટિવમાં મીઠાસ હતી. તેવી જ રીતે મીક્સચર અપાતું. મલમ પણ દવાખાનામાં કમ્પાઉંડર બનાવતો હતો. તે સમયે મોટાભાગનાં દાકતરો દવાખાનામાં ટાંકા લેતા હતા. ઘા ઉપર ટિંકચર બેન્ઝાઈન કે એક્રીફલેવીન લગાવતા હતા. નાના ભૂલકાઓ નાકમાં કે કાનમાં રબ્બર પેન્સિલનો ટુકડાં ખોસતા તે કાઢી આપતા હતા.
 
આંખમાં કચરો પડ્યો હોય તો ઈંજેકશનની સોયની અણીથી કાઢી આપતા હતા. કાનમાં કચરો કે મેલ (વૅક્ષ) હોય તો સિરિંજ કે પીચકારીની મદદથી કાઢતા હતા. બીજે ક્યાંય જવાની જરૂર નહોતી પડતી. ફેમિલી ડૉકટર બધા દરદોનો ઈલાજ કરતા હતા. ગળું દુ:ખતું હોય તો મેન્ડેલ પેઈંટ સળીની મદદથી ચોપડતા હતા. બાંદરામાં હું ડૉ. રઝાક લાહેજીના મદદનીશ તરીકે કામ કરતો હતો. તેઓ સ્ક્રોટમમાં પાણી ભરાઈ ગયું હોય તો ટ્રોકાર અને કેન્યુલાની મદદથી કાઢતા હતા. 

તે જમાનામાં એક સમયે વાપરીને ફેંકી દેવાતા પ્લાસ્ટિકનાં ઈંજેકશન (સિરિંજ) આવ્યા ન હતાં. દાકટરો કાચની સિરિંજોને સ્ટર્લાઈઝરમાં કે તપેલીમાં ઉકાળતા હતા. ઘણાં દવાખાનાઓમાં સ્ટર્લાઝનાં નાનકડાં મશીન રહેતા હતાં. ત્યાર પછી જાતજાતની દવાઓ આવી અને સારવાર પદ્ધતિ બદલાઈ ગઈ હતી. એપીસી, સલ્ફાની ગોળીઓ, ટેટ્રાસાઈક્લીન વગેરેએ પગરણ માંડ્યા. મેં જ્યારે પચાસ વર્ષ પહેલાં પ્રેક્ટિસ શરૂ કરી ત્યારે પેનેસિલિન, ટેટ્રાસાઈકલનાં ઈંજેકશનો અને પેટમાં દુ:ખતું હોય ત્યારે બેરાલગાનનાં ઈંજેકશન આપતા હતા. શ્વાસ ચઢે ત્યારે એમિનોફાઈલીન નસમાં આપતાં હતાં. 

ટીબી માટે મહિનાઓ સુધી સ્ટ્રેપ્ટૉમાઈસીનનાં ઈંજેકશન આપતાં હતાં. પેનિસિલીનનાં ઈંજેકશન આપતાં રીએકશન કે પ્રતિક્રિયાથી ઘણા ડૉકટરો ડરતા હતા, પરંતુ તે જમાનામાં ગુપ્તરોગો માટે એજ સચોટ ઉપાય હતો. કમાટીપુરા અને ગોળદેવળ પાસે દાકતરો ડર્યા વગર આ ઈંજેકશનો આપતા હતા. કોંડોમનો ઉપયોગ નહીંવત્ હોવાથી સીફલીસ, ગોનોરીયા વગેરે ગુપ્તરોગોનો સારો ફેલાવો હતો. 

નસમાં કેલ્શિયમનું ઈંજેકશન આપવાથી શરીરમાં ગરમી આવતી. દરદીઓ ખુશ થતા હતા. ધીમે ધીમે સારવાર પદ્ધતિ બદલાઈ ગઈ હતી. તે જમાનામાં વીસ ફેમિલી ડૉકટર અને સામે એક સ્પશિયાલિસ્ટ હતા. દરેક ફેમિલી ડૉકટર જુદે જુદે ઠેકાણે બે દવાખાના ચલાવતા હતા. ઘણીવાર સ્પેશિયાલિસ્ટને બતાવવું હોય તો ફેમિલી ડૉકટરને સાથે લઈ જતા હતા. કેટલીકવાર દરદી સાથે વિદેશમાં પણ જવાનું થતું હતું.

કુટુંબના આદરણીય મિત્ર

તે સમયે ફેમિલી ડૉકટર વિઝિટ માટે આવે તે મોટી વાત ગણાતી. ઘરનાં એક બે જણ સામે લેવા ગલીના નાકે કે દરવાજે ઊભા રહેતા. દાકતરની ચામડાની બેગ ઉપાડી પાછળ પાછળ ચાલતા હતા. ઘરના નાના મોટા સૌ ડૉકટર તેમની સામે જુએ અને સ્મિત આપે તેની રાહ જોતા હતા. ફેમિલી ડૉકટર સામે અંગત સંબંધ રાખવા સૌ આતુર રહેતા. જ્યારે ડૉકટર તપાસતા ત્યારે મોટાભાગનાં લોકોને રૂમની બહાર જવાનું કહેતા. 

જો ઈંજેકશન આપવાનું હોય તો સ્ટવ ઉપર તપેલીમાં કાચની સિરિંજને ઉકાળતાં. ઘરના નાના મોટા પ્રસંગે ફેમિલી ડૉકટરને ખાસ આમંત્રણ અપાતું. ફેમિલી ડૉકટર કુટુંબના મિત્ર જેવા ગણાતા. બીજી બાબતો માટે પણ તેમની સલાહ લેવાતી. કેટલાક જાણીતા ડૉકટરોને આજે પણ લોકો યાદ કરે છે.  દવાખાના ભરેલા રહેતા. ઘણા પારસી, ગોવન, મહારાષ્ટ્રિયન, ગુજરાતી ડૉકટરો હતા.

એ દુર્લભ થતા જાય છે

કેટલાક જૂના ડૉકટરો વધતી ઉંમર અને બીજા કારણોને લઈ નિવૃત્ત થયા છે. મોટાભાગે તેમના સંતાનો ફેમિલી પ્રેક્ટિસમાં પડવામાં રસ ધરાવતા નથી અને ધીમે ધીમે દવાખાનાં ઓછાં થતાં જાય છે. નવા ડૉકટરો પણ દવાખાનાની જગ્યા મોંઘી હોવાથી અને જીવન ખર્ચાળ હોવાથી - ખાનગી પ્રેક્ટિસમાં પડતા નથી અને આગળ ભણવાનું ચાલુ રાખે છે. કેટલેક ઠેકાણે ખાસ કરીને ઝૂંપડપટ્ટીમાં જાતજાતની અસલી નકલી પદવીઓ ધરાવતા દાકતરોની સંખ્યા વધી રહી છે. તેઓ ઈંજેકશન નસમાં બાટલા ચઢાવી વધુ રકમ લેતા હોય છે. એમ.બી.બી.એસ. ડૉકટરો આ બધાથી દૂર રહે છે.

ફેમિલી ડૉકટરોની ઘટતી સંખ્યા વચ્ચે પણ કેટલાક દાકતરો ઉમદા ઉદાહરણ પૂરા પાડે છે. બાંદ્રામાં લિકિંગ રોડ પાસે ડૉ. દિનેશ ગાંધી બાણું વરસની ઉંમરે પણ મેડિકલ પ્રેક્ટિસમાં રચ્યાપચ્યા રહે છે. વિઝિટ ઉપર જાય છે. જાતે મોટર ચલાવીને બધે જાય છે. મકાનોનાં પગથિયાં ચઢે છે. આધુનિક દવાદારૂ અને સારવાર પદ્ધતિ વિશે વધુ જ્ઞાન મેળવવા સક્રિય રહે છે. 

મનીપાલની કસ્તુરબા મેડિકલ કૉલેજની 1953ની પ્રથમ બેચના ડૉકટર છે. આવા કેટલાક ડૉકટરો આવી ઉમદા કારકિર્દી સતત ચાલુ રાખે છે. મુંબઈમાં એમ.બી.બી.એસ. ડૉકટરોનું 4000 ઉપર સદસ્ય ધરાવતું જી.પી.એસ. એસોસિયેશન છે. અત્યારે તેની વાર્ષિક ઉજવણી થઈ રહી છે.  અનેક અનુભવી ફેમિલી દાકતરો આ સંસ્થાને સબળ ટેકો આપી ધગશ સાથે આગળ વધાવી રહ્યા છે.