Mon Jan 19 2026

Logo

White Logo

વિજય હઝારે ટ્રોફી વિદર્ભ વિજેતા : વિજય હઝારેમાં વિદર્ભ પહેલી વાર ચૅમ્પિયન, સૌરાષ્ટ્ર પરાજિત

1 day ago
Author: Ajay Motiwala
Video

બેંગલૂરુઃ વિદર્ભ (Vidarbha)ની ટીમ 2024-'25માં વિજય હઝારે ટ્રોફી વન-ડે ટૂર્નામેન્ટ નહોતી જીતી શકી, પણ રવિવારે અહીં સૌરાષ્ટ્ર (Saurashtra)ને 38 રનથી પરાજિત કરીને એ સિદ્ધિ મેળવી લીધી હતી.

ઓપનિંગ બૅટ્સમૅન અથર્વ ટેઇડ (128 રન, 115 બૉલ, ત્રણ સિક્સર, પંદર ફોર) અને મુખ્ય પેસ બોલર યશ ઠાકુર (50 રનમાં ચાર વિકેટ) આ યાદગાર અને ઐતિહાસિક જીતના બે શિલ્પી હતા.

વિદર્ભ વતી યશ રાઠોડનું પણ સારું યોગદાન હતું. તેણે 61 બૉલમાં બે સિક્સર અને બે ફોરની મદદથી 54 રન કર્યા હતા. વિદર્ભના 8/317ના જવાબમાં સૌરાષ્ટ્રએ વળતો જવાબ આપ્યો હતો, પરંતુ 38મી ઓવરમાં 205 રનના કુલ સ્કોર પર પ્રેરક માંકડ (88 રન, 92 બૉલ, દસ ફોર) સદી ચૂકી જતાં વિજયની આશા ખૂબ ઘટી ગઈ હતી. ચિરાગ જાનીના 64 રન એળે ગયા હતા. વિદર્ભ વતી યશ ઠાકુર ઉપરાંત નચિકેત ભુતે (ત્રણ વિકેટ) અને દર્શન નાલકંડે (બે વિકેટ)એ પણ સૌરાષ્ટ્રને વિજયથી વંચિત રાખવામાં મોટી ભૂમિકા ભજવી હતી.

49મી ઓવરમાં સૌરાષ્ટ્રનો દાવ 279 રનના સ્કોર પર પૂરો થઈ ગયો હતો અને વિદર્ભના ખેલાડીઓએ ઐતિહાસિક જીતનું જશન શરૂ કરી દીધું હતું.