Mon Jan 19 2026

Logo

White Logo

રહેમાનને સપોર્ટ કરવું પરેશ રાવલને પડ્યું મોંઘું, : સોશિયલ મીડિયા પર લોકોએ અભિનેતાને કર્યા ટ્રોલ

10 hours ago
Author: mumbai samachar teem
Video

મુંબઈ: ઓસ્કર વિજેતા મ્યુઝિક ડાયરેક્ટર એ આર રહેમાન અત્યારે પોતાના સંગીતને કારણે નહીં પરંતુ સોશિયલ મીડિયા પર આપેલા એક વિવાદાસ્પદ નિવેદનને કારણે ચર્ચાના ચકડોળે ચડ્યા છે. મનોરંજન જગતમાં અવારનવાર પોતાના મંતવ્યો વ્યક્ત કરતા રહેમાનના તાજેતરના નિવેદને મોટો વિવાદ ઊભો કર્યો છે. રહેમાને ઉદ્યોગમાં થતા ભેદભાવ અને વિકી કૌશલની ફિલ્મ ‘છાવા’ વિશે જે ટિપ્પણી કરી છે, તેનાથી સોશિયલ મીડિયા પર બે ભાગ પડી ગયા હોય તેવું જણાય છે.

મ્યુઝિક ડાયરેક્ટર એ આર રહેમાને ઉદ્યોગમાં સાંપ્રદાયિક ભેદભાવની વાત કરી હતી અને ફિલ્મ ‘છાવા’ ને વહેંચનારી (ડિવાઈસિવ) ગણાવી હતી. નવાઈની વાત એ છે કે આ ફિલ્મમાં સંગીત પોતે રહેમાને જ આપ્યું છે. છત્રપતિ સંભાજી મહારાજ પર આધારિત આ ફિલ્મ વિશેના તેમના શબ્દો લોકોને પસંદ આવ્યા નથી. જોકે, ભારે વિરોધ અને ટીકાઓ વચ્ચે રહેમાને સોશિયલ મીડિયા પર એક સ્પષ્ટતા કરતો વીડિયો પણ જાહેર કર્યો છે, પરંતુ તેનાથી વિવાદ શાંત થવાને બદલે વધુ વકર્યો હોય તેમ લાગે છે.

જ્યારે જાવેદ અખ્તર અને સિંગર શાન જેવા દિગ્ગજોએ રહેમાનના નિવેદન સામે અસંમતિ દર્શાવી છે, ત્યારે બોલિવૂડના જાણીતા અભિનેતા પરેશ રાવલ સિંગરના સમર્થનમાં આવ્યા છે. પરેશ રાવલે રહેમાનના સ્ટેટમેન્ટ વીડિયો પર કોમેન્ટ કરતા લખ્યું કે, “અમે તમને પ્રેમ કરીએ છીએ સર, તમે અમારું ગૌરવ છો.” અભિનેતાએ આ સાથે હાર્ટ અને હાથ જોડતા ઇમોજી પણ મૂક્યા હતા. પરંતુ, પરેશ રાવલની આ વાત નેટીઝન્સને ગમી નથી અને લોકોએ હવે અભિનેતાને જ આડે હાથ લેવાનું શરૂ કરી દીધું છે.

રહેમાનને ‘દેશનું ગૌરવ’ કહેવા બદલ પરેશ રાવલ પર યુઝર્સ ભડક્યા છે. સોશિયલ મીડિયા પર લોકો કોમેન્ટ કરીને કહી રહ્યા છે કે જે વ્યક્તિ છત્રપતિ સંભાજી મહારાજ જેવા વીરના બલિદાન પર બનેલી ફિલ્મને વિભાજનકારી કહે તે દેશનું ગૌરવ ન હોઈ શકે. એક યુઝરે લખ્યું કે, “તમે તમારા વિશે વાત કરો, તે અમારું ગૌરવ નથી.” જ્યારે અન્ય એક યુઝરે અભિનેતાને સલાહ આપી કે આવા વિવાદાસ્પદ નિવેદન આપનાર વ્યક્તિનું સમર્થન કરવું યોગ્ય નથી. હાલમાં બંને કલાકારો સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગનો સામનો કરી રહ્યા છે.