Tue Jan 20 2026

Logo

White Logo

શું ટ્રમ્પની નજર કાશ્મીર પર છે? : બોર્ડ ઓફ પીસમાં સામેલ થવા કેમ અચકાઈ રહ્યું છે ભારત

4 hours from now
Author: MayurKumar Patel
Video

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને કોઈને કોઈ કારણોસર સમાચારમાં રહે છે. મોટાભાગે તેઓ ટેરિફની ધમકી આપતા હોય છે. આ દરમિયાન ગાઝાને લઈ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી પ્રસ્તાવિત બોર્ડ ઓફ પીસમાં સામેલ થવા પર ભારતે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. સરકારમાં હાલ રાજકીય, કૂટનીતિક અને વ્યૂહાત્મક બાબતો પર ચર્ચા ચાલી રહી છે. સૂત્રો અનુસાર આ પ્રસ્તાવ અનેક સંવેદનશીલ મુદ્દા સાથે જોડાયેલો છે. તેથી અંતિમ નિર્ણય પર પહોંચતા પહેલા સાવધાની રાખવામાં આવી રહી છે.

ભારતીય અધિકારીઓએ સ્વીકાર્યું કે, ભારતને આ વૈશ્વિક પહેલમાં સામેલ થવાનું ઔપચારિક આમંત્રણ મળ્યું છે. જોકે આમંત્રણ મળવું અને તેમાં સામેલ થવું બંને અલગ વાત છે. ભારતની વિદેશ નીતિ લાંબા સમયથી સંતુલન અને વ્યૂહાત્મક સ્વાયત્તતા પર આધારિત છે. જેને ધ્યાનમાં રાખીને આ પ્રસ્તાવની સમીક્ષા કરવામાં આવી રહી છે.

સૂત્રો અનુસાર ભારતનું પારંપરિક વલણ હજુ પણ ઈઝરાયલ-પેલેસ્ટાઈન સંઘર્ષનો કાયમી ઉકેલ માત્ર બે રાષ્ટ્ર સિદ્ધાંત દ્વારા જ શક્ય હોવાનો છે. ભારત પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાની દિશામાં શાંતિની આગળ વધી શકાય તેવા દરેક પ્રયત્નનું સમર્થન કે છે. તેથી કોઈપણ બહુપક્ષીય મંચમાં સામેલ થતા પહેલા લાંબાગાળાની અસરો જાણવી જરૂરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં આશરે 60 દેશોના નેતાઓને પત્ર મોકલીને બોર્ડ ઓફ પીસની પરિકલ્પના શેર કરી છે.

ભારતની મુખ્ય ચિંતા પ્રસ્તાવિત બોર્ડનું ક્ષેત્ર ભવિષ્યમાં ગાઝાથી આગળ વધી શકે છે. કોઈપણ સ્તર પર મંચ કાશ્મીર જેવા સંવેદનશીલ અને આંતરિક મુદ્દાને પણ ચર્ચામાં લાવી શકે છે, જે ભારતને સ્વીકાર્ય નથી. આ સંદર્ભમા ટ્રમ્પના જુના દાવાની પણ ચર્ચા થઈ રહી છે. મે 2025માં તેણે ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા સૈન્ય સંઘર્ષને ખતમ કરાવવામાં મધ્યસ્થા કરી હોવાનો જશ ખાટ્યો હતો. ભારતે ત્યારે સ્પષ્ટ કર્યું હતું કે, સંઘર્ષ વિરામ બંને દેશોના અધિકારી વચ્ચે સીધી વાતચીતનું પરિણામ હતું. કોઈ ત્રીજા પક્ષે તેમાં મધ્યસ્થતા કરી નહોતી.

આ દરમિયાન ફ્રાંસે પણ આ પ્રસ્તાવને લઈ સતર્ક વલણ દર્શાવ્યું છે. રાષ્ટ્રપતિ કાર્યાલય મુજબ, પેરિસ હાલ આ બોર્ડમાં સામેલ થવાના પક્ષમાં નથી. ફ્રાંસ સહયોગી દેશો સાથે મળીને ભવિષ્યમાં આની થનારી અસરો વિશે ચર્ચા કરી રહ્યું છે. ફ્રાંસનું માનવું છે કે પ્રસ્તાવિત મુદ્દો માત્ર ગાઝા પૂરતો જ મર્યાદીત નથી. તે સંયુક્ત રાષ્ટ્રના વર્તમાન સિદ્ધાંતો સાથે પણ ટકરાઈ શકે છે. યુરોપીય યુનિયન, રશિયા, બેલારુસ અને થાઈલેન્ડ જેવા દેશોએ પણ આ બોર્ડમાં સામેલ થવા નિમંત્રણ મળ્યું હોવાની પુષ્ટિ કરી છે. જ્યારે કેનેડાના વડા પ્રધાને કહ્યું કે, આ પ્રસ્તાવનો સૈદ્ધાંતિક સ્વીકાર કરી લેવાયો છે પણ અંતિમ રૂપ આપવાનું બાકી છે.