Mon Jan 19 2026

Logo

White Logo

મુંબઈના મેયરપદની ફોર્મ્યુલા થાણેમાં પણ લાગુ કરો : ભાજપે મુંબઈમાં સત્તા વહેંચણી માટે મૂકી નવી શરત

7 hours ago
Author: vipulbv
Video

કલ્યાણ-ડોંબિવલી અને ઉલ્હાસનગર માટે પણ સમજૂતી સધાઈ હોવાનો ભાજપનો દાવો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈના મેયરપદ માટે અઢી અઢી વર્ષ વહેંચી લેવાની ફોર્મ્યુલા શિવસેના દ્વારા ભાજપને આપવામાં આવી છે અને તેની સામે ભાજપે થાણેમાં પણ આ જ ફોર્મ્યુલા લાગુ કરવાની માગણી કરી હોવાથી હવે એકનાથ શિંદેની સમસ્યામાં વધારો થયો છે. 

જેવી રીતે મુંબઈમાં ભાજપ એકનાથ શિંદેની શિવસેના કરતાં લગભગ ત્રણગણા વધારે નગરસેવકો ધરાવે છે તેવી જ રીતે થાણેમાં શિંદેસેના ભાજપના અઢીગણા વધારે નગરસેવકો ધરાવે છે, પરંતુ ફરક એ છે કે થાણેમાં શિંદે સેના સ્વબળે પોતાનો મેયર બેસાડી શકે છે. મુંબઈમાં ભાજપને મેયર બેસાડવા માટે શિંદેની જરૂર છે. 

આ બાબતને કારણે એકનાથ શિંદે ગુંચવાયા છે, કેમ કે મુંબઈમાં મેયરપદ મેળવવા માટે થાણેની સત્તામાં ભાજપને ફરજિયાત ભાગીદાર બનાવવા પડશે.  બીજી તરફ એવી ચર્ચાઓ થઈ રહી હતી કે 122 બેઠકની કલ્યાણ-ડોંબિવલીમાં શિંદે સેના પાસે ભાજપ કરતાં એક નગરસેવક ઓછો છે અને મેયર બેસાડવા માટે તેઓ ભાજપના 12 નગરસેવકોને ફોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે શિંદે સેના પાસે બાવન અને ભાજપ પાસે એકાવન નગરસેવક છે.

આવી સ્થિતિમાં મુંબઈની ફોર્મ્યુલા અપનાવવામાં આવે તો શ્રીકાંત શિંદેનો દબદબો ઘટી શકે છે. ઉલ્હાસનગરમાં પણ બંનેના લગભગ સરખેસરખા નગરસેવકો છે અને અહીં પણ મેયરપદની મુંબઈની ફોમ્યુલા લાગુ કરવામાં શિંદે સેના તૈયાર હોય એવી શક્યતા ઓછી જણાઈ રહી છે.  રાજ્યમાં પ્રવર્તી રહેલી અફવાઓને રદિયો આપતાં એકનાથ શિંદેએ કહ્યું હતું કે શિવસેના એવો કોઈ નિર્ણય લેશે નહીં જે લોકોના આદેશની વિરુદ્ધ જાય.

એવી અટકળો છે કે શિંદે શિવસેના માટે ઓછામાં ઓછા પહેલા અઢી વર્ષ માટે - બીએમસીના મેયરનું પદ મેળવવા માટે ઉત્સુક છે કારણ કે તે પાર્ટીના સ્થાપક સ્વર્ગસ્થ બાળ ઠાકરેનું જન્મશતાબ્દી વર્ષ છે. ‘શિવસેના અને ભાજપે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી ગઠબંધનમાં લડી હતી અને તેથી મહાયુતિના ઉમેદવાર મેયર બનશે. થાણે, કલ્યાણ-ડોંબિવલી, ઉલ્હાસનગર અને અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં પણ આ જ નિર્ણય લાગુ કરવામાં આવશે જ્યાં ગઠબંધન સંયુક્ત રીતે ચૂંટણી લડ્યું હતું,’ એમ શિંદેએ સોમવારે પત્રકારોને જણાવ્યું હતું.

તેમણે એમ પણ કહ્યું કે મુંબઈ કે મહારાષ્ટ્રમાં અન્યત્ર નવા રાજકીય સમીકરણો રચાઈ રહ્યા હોવાના અહેવાલોમાં કોઈ સત્ય નથી અને મહાયુતિ જ્યાં પણ ગઠબંધન સાથે મળીને ચૂંટણી લડશે ત્યાં મહાયુતિના મેયરનું નેતૃત્વ મેળવશે.બીજી તરફ ભાજપના ઉચ્ચ પદાધિકારીઓએ કહ્યું હતું કે શિંદે સેના દ્વારા મુંબઈમાં અમારી નબળાઈનો લાભ લઈને મેયરપદની માગણી કરવામાં આવી રહી છે, જે અયોગ્ય છે. આવી સ્થિતિમાં તેમને બાકીની મહાનગરપાલિકામાં બાંધી લેવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે, જેથી ભાજપને અન્ય મનપામાં સત્તામાં ભાગીદારી મળી શકે. આમેય જ્યાં સુધી ફડણવીસ દાવોસથી પાછા નહીં આવે ત્યાં સુધી મેયરપદનો નિર્ણય થવાની કોઈ શક્યતા જણાતી નથી.