હેમંત વાળા
સનાતની સંસ્કૃતિમાં ‘માયા’ની અવધારણા અદ્ભુત છે. આત્માની ધારણા થકી જેમ આધ્યાત્મના ઘણા પ્રશ્નોનો જવાબ મળી રહે છે તેમ માયાની અવધારણા માટે પણ કહી શકાય. ઘણી બાબતો એવી હોય છે કે જેની અવધારણા વિના ચિંતન, વિચારશીલતા ક્યાંક અટકી પડે. આ પ્રકારનો અવરોધ વિચાર પ્રક્રિયાને અટકાવી દે. એક સમય એવો આવે કે કોઈ નવી સંભાવના વિશે વિચારવાની, નવાં ‘શબ્દ’ની આવશ્યકતા રહે, જેને કારણે વિચારની પ્રક્રિયામાં આવેલી અડચણ દૂર થાય.
સામાન્ય રીતે આવી અવધારણા બહુપ્રતિભાલક્ષી-બહુઆયામી હોય અને તેથી તેની સમજૂતી મર્યાદિત શબ્દોથી આપી ન શકાય. આ પ્રકારની અવધારણામાં જટિલ, અસ્પષ્ટ લાગે તેવી અને બહુપરિમાણીય પરિસ્થિતિનો સમાવેશ થાય તે સ્વાભાવિક છે. આવા સમયે એક ‘શબ્દ’ સ્થાપિત કરવામાં આવે જે આ બધાં પ્રશ્નોના નિવારણ સમાન હોય.
આવી જ એક ઘટના એટલે આધ્યાત્મના ક્ષેત્રમાં ‘માયા’નું નિર્ધારણ. ક્યારેક માયાને અવિદ્યા રૂપે, ક્યારેક ભ્રમ રૂપે, ક્યારેક ‘અન્યથા’ અવાસ્તવિકતા રૂપે, ક્યારેક કલ્પનાના વિસ્તાર રૂપે, ક્યારેક અજ્ઞાનતાની સાક્ષી રૂપે તો ક્યારેક પ્રપંચ રૂપે દર્શાવવામાં આવે છે.
માયા શબ્દના અર્થમાં, એક દૃષ્ટિકોણ મુજબ, ‘મા’ એટલે મર્યાદિત હોય તેવી પરિસ્થિતિનું માપન અને યા એટલે એ અસ્તિત્વ જે શક્તિ સ્વરૂપે તેની પ્રતીત કરાવે. માયા એટલે જે મર્યાદિત છે, જે અનિત્ય છે, જે સત્યથી વિપરીત છે, જે ભ્રમણા છે, તે પ્રકારની ઘટનાની સમજ-શક્તિ.
બીજા અર્થમાં કહીએ તો જે સનાતન, નિત્ય, અમર્યાદિત, પરમ સત્ય સ્વરૂપ બ્રહ્મ નથી, તે માયાનું સ્વરૂપ છે. અનિત્યતા, આવરણ, ભ્રમ, અજ્ઞાન, માનસિક પરિકલ્પના, અજ્ઞાન, વિપરીતતા, પ્રપંચ, અંધકાર, અવિદ્યા, વિકલ્પનાત્મક સંકલ્પ જેવાં વિશેષણથી માયાને સમજવાનો પ્રયત્ન થઈ શકે. જોકે માયાની સમજ એટલી સરળ નથી, કારણ કે સ્વયં માયા-જાળમાં ફસાયેલ વ્યક્તિ માટે માયાની સમજ અતિ મુશ્કેલ બની રહે. જે ‘બંધક’ છે તે સંપૂર્ણતામાં બંધન તથા તેનાં કારણ વિશે તાગ ન મેળવી શકે.
સાંખ્યદર્શનમાં માયા શબ્દનો સીધો પ્રયોગ જોવાં નથી મળતો. અહીં જે પુરુષ અને પ્રકૃતિનાં દ્વૈત સિદ્ધાંતની વાત છે એમાં પ્રકૃતિને માયા સાથે સરખાવી શકાય. આ પ્રકૃતિને કારણે જગત અને તેનાં વિવિધ પરિમાણો સ્થાપિત થયાં છે. અહીં જગતને ભ્રાંતિ તરીકે નહીં પરંતુ વાસ્તવિક માનવામાં આવે છે, પરંતુ અહીં આ વાસ્તવિક જગતને પણ માયા સમાન બંધન ગણવામાં આવે છે. પુરુષ અને પ્રકૃતિનો ભેદ જાણવાની અસમર્થતા એટલે જ અવિદ્યા કે માયાનો પ્રભાવ.
પતંજલિ યોગસૂત્ર અનુસાર પણ જગત માયા નથી, પરંતુ ક્લેશ, દ્વેષ, અજ્ઞાન, અપવિત્રતા, મોહ, સ્મૃતિ, વાસના, અહંકાર, કર્તૃત્વ તથા અજ્ઞાન જેવા ભાવથી આચ્છાદિત રહેતી વાસ્તવિકતા છે. અહીં અવિદ્યાને જગતના ભ્રમનું મૂળ કહેવામાં આવ્યું છે. અહીં જણાવાયું છે કે નિત્યને અનિત્ય, અશુદ્ધને શુદ્ધ, દુ:ખને સુખ તથા અનાત્મને આત્મા સમજવું એટલે જ અવિદ્યા, એ જ માયા, એ જ ભ્રમ.
ન્યાય દર્શનમાં દોરડામાં ભાસિત થતાં સર્પને અન્યથા-ખ્યાતિ કે અન્યથા-જ્ઞાનને ભ્રમ કહી શકાય. વૈશેષિક દર્શનમાં ભૂતકાળની સ્મૃતિથી ઉપજેલ કલ્પનાને વિપર્યય અથવા ભ્રમ કહી શકાય. મીમાંસા દર્શન મુખ્યત્વે ધર્મ, યજ્ઞ-હવન અને ક્રિયાકાંડ કેન્દ્રિત હોવાથી તેમની ધારણા પ્રમાણે જગત સત્ય છે. અહીં માયાની કલ્પના નથી પરંતુ કોઈક કોઈક અદૃશ્ય-કારણની વાત અહીં પણ ધ્યાનમાં આવે છે. વેદાંત દર્શનમાં માયાનો સ્પષ્ટ, ગહન તેમજ અર્થપૂર્ણ ઉલ્લેખ જોવાં મળે છે.
અહીં બ્રહ્મની અજ્ઞાનશક્તિને માયા ગણાય છે. આ માયા અનિર્વચનીય છે અને તેની ન તો સત્યમાં કે ન તો અસત્યમાં ગણના સંભવ હોય છે. એકંદરે એમ કહી શકાય કે મનના આવરણ રૂપ ‘માયા’નો ઉલ્લેખ વેદાંતમાં સ્પષ્ટ રીતે જોવાં મળે છે, અન્ય સ્થાને તેને અવિદ્યા, ભ્રમ, અન્યથા-ખ્યાતિ, પ્રકૃતિની ક્રિયા વગેરે રૂપે સ્થાપિત કરાય છે.
માયાને જે નામ આપવામાં આવે કે માયાનું જે સ્વરૂપ સ્વીકારવામાં આવે, અંતે તો તે મનનો વિસ્તાર છે, મનની પ્રકૃતિનું પરિણામ છે, મનનો વ્યભિચાર છે. મનના આ વિસ્તારને કારણે જગત સત્ય વર્તાય છે, અનિત્યમાં નિત્યની પ્રતીતિ થાય છે, અવિદ્યા અને અજ્ઞાન અર્થપૂર્ણ જણાય છે, જે દુ:ખદાયી છે તે રસિક જણાય છે, ‘હું અને મારું’નો ભાવ પ્રબળ થતો જાય છે અને વ્યક્તિ કામનાગ્રસ્ત થઈ ઇચ્છિત પામવા પુરુષાર્થ કરે છે. આ બધી બાબતો અંતે તો બંધનનું નિમિત્ત બને છે. આ પરિસ્થિતિમાં વ્યક્તિ પોતાના સ્વ-સ્વરૂપને આત્મ-સ્વરૂપને ભૂલીને નાશવંત બાબતોને જ પોતાનું અસ્તિત્વ સમજી બેસે છે. આ બધો મનનો ખેલ છે, મનનો વિસ્તાર છે.
મન એ માયાનું મુખ્ય સાધન પણ છે અને આધાર પણ છે. માયાની આવરણ-શક્તિ મન પર અજ્ઞાનનો પડદો પાથરી દે છે. વિક્ષેપિત મનને પછી સત્ય દેખાતું નથી. યથાર્થ જ્ઞાન દ્વારા મનને શુદ્ધ કરવાથી, અભ્યાસ અને વૈરાગ્યથી, આકર્ષણ અને પ્રલોભનોથી મુક્ત રહેવાથી, સંયમ અને વિવેકથી, ગુણાતીત કે સ્થિતપ્રજ્ઞતાની સ્થિતિમાં રહેવાથી, સાધના તથા ધ્યાન યોગ દ્વારા સત્યને પ્રાપ્ત કરવાથી, સાક્ષીભાવ જાળવી રાખી અસંગી બનવાથી, માત્ર પરમ-સત્ય તેમ જ પરમ-આનંદ વિશેનું જ ચિંતન કરવાથી, નિત્ય-અનિત્યનો તથા શ્રેય-પ્રેયનો તફાવત સમજવાથી, ઇન્દ્રિયોને બહિર્ગામી થતી રોકી અંતરનો પ્રવાસ શરૂ કરવાથી તથા ઉત્કૃષ્ટ ભક્તિ દ્વારા ઈશ્વરની શરણાગતિ સ્વીકારવાથી માયાને અવધારણાનો છેદ ઊડી શકે અને બ્રહ્મ જ એકમાત્ર પરમસત્ય છે તેવી અનુભૂતિ થઈ શકે.
મનની સ્થિરતા જરૂરી છે. મનના વ્યાપને નિયંત્રણ કરવું પડે. મન પર બુદ્ધિની લગામ આવશ્યક છે. મનનાં પ્રત્યેક તરંગ શાંત થાય તે ઇચ્છનીય છે. મન અંતે મનમાં જ લય પામે તે માટેનાં પુરુષાર્થનો પ્રારંભ કરવો પડે. મનને બંધનનું મુખ્ય કારણ સમજી ક્રમશ: તેનો વિસ્તાર ઘટાડી તેને ક્ષીણ કરવાની આવશ્યકતા છે.