Tue Jan 20 2026

Logo

White Logo

સ્વાસ્થ્ય સુધા : નમણો ચહેરો જોઈતો હોય તો બથુઆની ભાજીનું સેવન કરો!

3 hours from now
Author: Mumbaisamachar Team
Video

શ્રીલેખા યાજ્ઞિક

ઠંડીની મોસમમાં બથુઆની ભાજીને સુપરફૂડ તરીકે ઓળખવામાં આવે છે. બથુઆની લીલીછમ ભાજી સ્વાસ્થ્ય માટે અત્યંત પૌષ્ટિક તથા ફાયદાકારક ગણાય છે. તેમાં સ્વાસ્થ્યવર્ધક અનેક ફાયદા સમાયેલાં છે. શિયાળો શરૂ થાય તેની સાથે મુખ્યત્ત્વે મેથી, પાલક, તાંદળજો, સૂવાની ભાજી કે સરગવાની ભાજીનો ઉપયોગ ગુજરાતી ઘરોમાં વારંવાર થતો હોય છે. 

ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશમાં અત્યંત શોખથી ખવાતી બથુઆની ભાજીનો સમાવેશ અચૂક કરવો જોઈએ. બથુઆની ભાજીમાં ફાઈબર, આયર્ન, મેગ્નેશ્યિમની સાથે વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે ની માત્રા ભરપૂર પ્રમાણમાં હોય છે. તેનું સેવન શિયાળામાં કરવાથી ત્વચા નીખરી ઊઠે છે. કેમ કે તે શરીર માટે ઔષધી તરીકે કામ કરે છે. પાચન તંત્રને સુધારવાની સાથે ઍનિમિયા જેવી તકલીફથી રાહત અપાવે છે. તેથી જ તેને ઠંડીની મોસમના સૂપર ફૂડ તરીકે ઓળખવામાં આવે છે. શિયાળામાં બથુઆનું સેવન નિયમિતપણે કરવાથી શરીરને અગણિત લાભ મળી રહે છે. 
       
બથુઆના સેવનથી શરીરની પાચનક્રિયામાં મોટો સુધારો જોવા મળે છે. ગેસ, અપચો, આફરો ચડવા જેવી તકલીફથી રાહત મેળવી શકાય છે. ઠંડીની મોસમમાં બથુઆની ભાજીનું રાયતું કે તેના પરાઠા બનાવીને શોખથી સ્વાદ માણવામાં આવે છે. જો આપે હજી સુધી બથુઆની ભાજીનો સમાવેશ આહારમાં ના કર્યો હોય તો ઝડપથી ઠંડીના દિવસોમાં શરૂ કરવો જોઈએ. જેથી તાજી બથુઆની ભાજીના લાભ આપ મેળવી શકો.

બથુઆની ભાજીના સ્વાસ્થ્યવર્ધક લાભ 

એમિનો એસિડથી ભરપૂર : બથુઆની ભાજીમાં એમિનો એસિડનું પ્રમાણ ભરપૂર માત્રામાં સમાયેલું હોય છે. એવું કહેવાય છે કે એમિનો એસિડ સ્વાસ્થ્ય માટે અત્યંત આવશ્યક ગણાય છે. જે શરીરમાં કોશિકાના નિર્માણ, તેની માવજત તથા  પ્રોટીન બનાવવામાં મદદ કરે છે.  હાડકાં, ત્વચા, વાળ તથા નખની મજબૂતાઈ જાળવી રાખવામાં મદદ કરે છે. શરીરના વિવિધ અંગોને નિયંત્રિત કરવા માટે ઉપયોગી હાર્મોન તથા મગજનું કાર્ય સુચારૂ રીતે કરી શકાય તે માટે ઉપયોગી ન્યૂરોટ્રાન્સમિટર બનાવવામાં મદદ કરે છે. 

કૅલરીની માત્રા ઓછી : નિષ્ણાત ડાયેટિશયન વારંવાર જણાવતાં હોય છે કે સ્વાસ્થ્ય માટે સજાગ વ્યક્તિઓ કૅલરીની માત્રા પ્રમાણભાન રાખીને લેવાનું પસંદ કરતી હોય છે. તેથી જ આપ બથુઆનો સમાવેશ આહારમાં સરળતાથી કરી શકો છો. લીલા તાજા શાકભાજીમાં કૅલરી ઘણી ઓછી માત્રામાં સમાયેલી હોય છે. 100 ગ્રામ બથુઆમાં લગભગ 43 કૅલરીની માત્રા મળે છે. 

ફાઈબરથી ભરપૂર : ફાઈબરથી ભરપૂર આહાર લેવાનું ચલણ હવે વધવા લાગ્યું છે. તેનું મુખ્ય કારણ રેસેદાર વસ્તુનો આહારમાં સમાવેશ પાચનતંત્રની ક્રિયા સુધારવામાં મદદ કરે છે. વજનને નિયંત્રિત કરીને કૉલેસ્ટ્રોલ તથા બ્લડ શુગરની માત્રાને ઘટાડવામાં મદદ કરે છે. આંતરડામાં સ્વસ્થ બૅક્ટેરિયાને વધારવામાં મદદ કરે છે. જેને કારણે હૃદય રોગ તેમજ ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ ઘટે છે. રોગપ્રતિરોધક ક્ષમતા વધે છે. લીલાછમ તાજા બથુઆમાં ફાઈબરની માત્રા ભરપૂર હોય છે તેથી તેનું સેવન નિયમિત રીતે કરવાથી શરીરને ગંભીર બીમારીના જોખમથી બચાવી શકાય છે. 

માઈક્રોન્યૂટ્રિઅન્ટસ્થી ભરપૂર : બથુઆની ભાજીમાં કૅલ્શ્યિમ, પોટેશ્યિમ, મેગ્નેશ્યિમની સાથે વિટામિન એ, વિટામિન સી તથા વિટામિન બી-6ની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે. ઉપરોક્ત બધા જ પોષક તત્ત્વો શરીરની કાર્યપ્રણાલીને સુચારૂ રીતે ચલાવવામાં મદદ કરે છે. 

લિવર માટે ગુણકારી : બથુઆનું સેવન કરવાથી લિવર સંબંધિત સમસ્ચાથી બચી શકાય છે. બથુઆની ભાજીને બ્લડપ્યૂરીફાયર તરીકે ઓળખવામાં આવે છે. જે લિવરને ટોક્સિનથી બચાવીને તંદુરસ્તી બક્ષે છે. 

ત્વચા માટે સુપરપફૂડ : આયુર્વેદ અનુસાર બથુઆની તાસીર ઠંડી ગણાય છે. પકાવ્યા બાદ તે શરીરનું સમતોલન બનાવવામાં મદદ કરે છે. પિત્તદોષને શાંત કરવાની સાથે લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે. ત્વચા સંબંધિત સમસ્યા જેવી કે ખંજવાળ, સૂકી ત્વચા, કોઈ પ્રકારની ઍલર્જીને કારણે લાલ બની જતી હોય તો તેનો નિકાલ બથુઆની ભાજીના સેવનથી આપ મેળવી શકો છે. તેના નિયમિત સેવનથી ત્વચા ચંદ્રમા જેવી ચળકાટ મારતી બનવા લાગે છે.

ઍનિમિયાની તકલીફમાં ગુણકારી : બથુઆ આયર્નથી ભરપૂર ભાજી ગણાય છે. તેથી ઍનિમિયાની તકલીફ ધરાવતી વ્યક્તિ માટે અત્યંત લાભકારી ભાજી ગણાય છે. ભાજીનું સેવન કરવાથી શરીરમાં શક્તિનો સંચાર થવા લાગે છે. લોહીમાં હિમોગ્લોબીનની માત્રામાં વધારો થાય છે. જેને કારણે અકારણ થાક લાગવો કે સ્વભાવ ચીડચીડયો થવા જેવી સમસ્યાથી બચી શકાય છે. બથુઆની ભાજીમાં કૅલ્શ્યિમ પણ સમાયેલું હોય છે. જે હાડકાંને મજબૂતાઈ બક્ષવામાં મદદ કરે છે. ઠંડીની મોસમમાં હાડકાંમાં કળતર કે હાડકાં જકડાઈ જવાંની તકલીફ વધી જતી હોય છે. તેનાથી બચવું હોય તો બથુઆની ભાજીનું સેવન એક સારો પર્યાય ગણી શકાય. 

આંખોની રોશનીમાં સુધારો કરે છે : સતત મોબાઈલ, ટેલિવિઝન કે કૉમ્પ્યુટરની સામે બેસવાથી નાની વયમાં ચશ્માં આવેલાં  લગભગ 80 ટકા બાળકો ભારતમાં જોવા મળશે. જેનું કારણ તેમની દૃષ્ટિ નબળી પડી ગઈ હોય છે. આંખોની તંદુરસ્તી માટે ઝિંક યુક્ત આહાર આવશ્યક ગણાય છે. ઝિંકની ઉણપ આંખોના તેજ ઉપર નકારાત્મક પ્રભાવ પાડે છે. 

ઝિંક તથા આયર્ન આંખોની રોશની વધારવામાં ગુણકારી ગણાય છે. બથુઆની ભાજીમાં ઉપરોક્ત બંને ખનીજ સમાયેલાં છે. બથુઆની ભાજીનું સેવન સમગ્ર શરીરની તંદુરસ્તી જાળવી રાખવા માટે અત્યંત ગુણકારી ગણાય છે. જે પૂરક આહાર તથા ઔષધી તરીકે શરીર માટે કામ કરે છે. 

બથુઆનું સેવન કઈ રીતે કરી શકાય?

બથુઆની ભાજીનું સેવન અનેક રીતે કરી શકાય છે. બથુઆનો સૂપ, બથુઆનું શાક, બથુઆની ભાજીનું રાયતું, બથુઆના થેપલાં બનાવીને ખાઈ શકાય છે. ભાજીનું સેવન કરતાં પહેલાં તેને સારી રીતે સાફ કરવી જરૂરી છે. બાફ્યા બાદ તેનું સેવન કરવું હિતાવહ છે. બથુઆને અંગ્રેજીમાં વાઈલ્ડ સ્પિનેચ કે બૅકોન વીડ તરીકે ઓળખવામાં આવે છે. હિન્દીમાં બથુઆ કે ચિલ્લી શાક, સંસ્કૃતમાં વાસ્તૂક કે ક્ષારપત્ર, કોંકણીમાં ચકવિટ ક્ન્નડમાં ચક્રવિત્ત, ગુજરાતીમાં ટાંકો કે બથવો, પંજાબીમાં બાથુ કે લુનાક, મરાઠીમાં ચાકવત, બંગાળીમાં ચંદનબેથુ તરીકે ઓળખાય છે. બથુઆની ખેતી ભારતમાં હવે બધા જ રાજ્યોમાં થવા લાગી છે. બથુઆની ભાજીનો ઉપયોગ મોટા પ્રમાણમાં ઉત્તર ભારતમાં થતો જોવા મળે છે.     

બથુઆનું રાયતું 

સામગ્રી: 2 કપ બથુઆની ભાજી, 1 મોટો વાટકો દહીં, 1 નાની ચમચી શેકેલાં જીરાનો પાઉડર, અડધી ચમચી ખાંડ, સ્વાદાનુસાર સંચળ, સ્વાદાનુસાર મીઠું. વઘાર માટે : 1 ચમચી શુદ્ધ ઘી  1 નાની ચમચી જીરું, ચપટી હિંગ, 1 નંગ સૂકું લાલ મરચું વઘાર માટે, 1 નાની ચમચી કોથમીર સજાવટ માટે 

બનાવવાની રીત : સૌ પ્રથમ બથુઆની ભાજીના પાન ચૂંટીને અલગ કરી લેવાં. ભાજીની દાંડી કૂણી હોય તો રાખવી. ભાજીને બરાબર વહેતાં પાણીમાં ધોઈને સાફ કરી લેવી. એક તપેલીમાં 1 ગ્લાસ પાણી ગરમ કરવું. તેમાં બથુઆની ભાજી ઉમેરી દેવી. 3-4 મિનિટ બાદ ભાજીને ચારણીમાં કાઢી લેવી. તેને બરફના ઠંડા પાણીમાં મૂકવી. 2-3 મિનિટ બાદ તેને ચારણીમાં રાખીને ગાળી લેવું. જેનાથી ભાજીનો રંગ લીલોછમ રહેશે. ભાજીમાં 1 નંગ લીલું મરચું, 1 નાનો ટૂકડો આદું ભેળવીને ભાજીને મિક્સરમાં અધકચરી વાટી લેવી. 2 કપ દહીંને બરાબર ફેટી લેવું. તેમાં અધકચરી ભાજી ભેળવવી. સ્વાદાનુસાર મીઠું-સંચળ ભેળવવું. ખાંડ ભેળવવી. એક વઘારીયામાં ઘી ગરમ કરીને તેમાં જીરું તેમજ હિંગ, લાલ સૂકુાં મરચાંના ટૂકડાં નાખીને વઘાર તૈયાર કરવો. તૈયાર રાયતામાં ઉપરથી રેડવો. રાયતું થોડું ઠંડું કરીને પરાઠા કે ગરમાગરમ ફૂલકા સાથે પીરસવું.