સ્થાનિકમાં ચાંદી વધુ રૂ. 12,085 ઊછળી, સોનામાં રૂ. 2353ની તેજી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ગ્રીનલેન્ડ અંગે ચાલી રહેલા વિવાદ સંદર્ભે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે યુરોપિયન દેશો પર વધારાની ટૅરિફ લાદવાની ધમકી ઉચ્ચારતા આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદી સહિતની કિંમતી ધાતુઓમાં સલામતી માટેની માગ ખૂલતાં ભાવ નવી ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચ્યાના પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 12,085 ઊછળી આવ્યા હતા, જ્યારે સોનામાં 10 ગ્રામદીઠ રૂ. 2344થી 2353ની તેજી જોવા મળી હતી.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે 999 ટચ ચાંદીના વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 12,085ના ઉછાળા સાથે રૂ. 2,93,975ની સપાટીએ પહોંચ્યા હતા. જોકે, તેજીના વંટોળમાં ઔદ્યોગિક વપરાશકારોની ખપપૂરતી લેવાલી હતી, જ્યારે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શાંત હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. વધુમાં આજે વિશ્વ બજાર પાછળ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના વેરારહિત ધોરણે ભાવ 10 ગ્રામદીઠ રૂ. 2344 વધીને રૂ. 1,43,370 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 2353 વધીને રૂ. 1,43,946ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ ઊંચી સપાટીએથી રોકાણલક્ષી છૂટીછવાઈ માગને બાદ કરતાં સ્ટોકિસ્ટો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હતી.
ગત શનિવારે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે જ્યાં સુધી યુરોપિયન દેશો ડેન્માર્કના ટાપુ ગ્રીનલેન્ડની ખરીદીને મંજૂરી નહીં આપે ત્યાં સુધી વિરોધ કરનારા દેશો પરની ટૅરિફમાં વધારો કરવામાં આવશે, એવું જણાવ્યું હોવાથી આજે લંડન ખાતે સોના અને ચાંદીમાં સલામતી માટેની માગમાં વધારો થતાં ભાવ સર્વોચ્ચ સપાટી સુધી પહોંચ્યા હોવાનું એક્સએસ ડૉટ કૉમના વિશ્લેષક લિન્હ ટ્રાને જણાવ્યું હતું. આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 1.5 ટકા વધીને આૈંસદીઠ 4662.85 ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ 1.6 ટકા વધીને 4668 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 3.7 ટકાની તેજી સાથે આૈંસદીઠ 93.24 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે ટ્રમ્પની ધમકીને પગલે આજે વૈશ્વિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ રહ્યું હતું અને રોકાણકારોની સલામતી માટેની માગ સોનું, ચાંદી, જાપાનીઝ યૅન અને સ્વિસ ફ્રાન્ક તરફ વળી હોવાનું લિન્હે જણાવતા ઉમેર્યું હતું કે આર્થિક અનિશ્ચિતતા અને નીચા વ્યાજદરના સંજોગોમાં સોના ચાંદી જેવી કિંમતી ધાતુઓમાં રોકાણકારોની લેવાલી રહેતી હોય છે. આથી જ આ વર્ષમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં આઠ ટકાનો અને ચાંદીના ભાવમાં 30 ટકા જેટલો ઉછાળો નોંધાઈ ગયો છે.
દરમિયાન ગત શુક્રવારે ફેડરલ રિઝર્વનાં વાઈસ ચેરમેન મિશેલ બૉમેને જણાવ્યું હતું કે રોજગાર ક્ષેત્રે જોવા મળી રહેલી નરમાઈને ધ્યાનમાં લેતા ફેડરલ રિઝર્વે જરૂર પડ્યે વ્યાજદરમાં કપાત માટે સજ્જ રહેવું જોઈએ.