ડૉ. હર્ષા છાડવા
ભારતના ઉત્તરપૂર્વ ભાગમાં વસેલું રાજ્ય જ્યાં પ્રકૃતિએ પોતાનો પૂર્ણ વૈભવ અને વિવિધતા વેરાવેલી છે. કુદરતના બે સ્વરૂપ એક અનમોલ, આલ્હાદક સૌંદર્ય અને પૂરનું વિનાશકારી સ્વરૂપ. હરિયાળી, નદીયો, પહાડો, વન્યજીવ, દુર્લભ વનસ્પતિઓ અને અનોખી સંસ્કૃતિનો સંગમ. બારેમાસ હરિયાળું તેમ જ વહેતી નદીઓ જે મનોહારી છે. એવું ભારતનું આકર્ષક અને પડકારપૂર્ણ રાજ્ય આસામ છે.
વરસાદી મોસમમાં પૂરના ઉગ્ર સ્વરૂપ હોય છે. બહ્મપુત્રા નદીમાં પૂરના કારણે ઘણીય ક્ષતિ થાય છે છતાં પણ ત્યાંના લોકોએ પોતાની સંસ્કૃતિ અને કુદરતી વૈભવને સાચવી રાખ્યો છે. કુદરતી ભોજન એ ત્યાંની મોટી વિશેષતા છે. આસામ રાજ્યમાં રહેતા લોકો સરળ સૌમ્ય છે. તેઓ પ્રાકૃતિક રહેણીકરણી શૈલીથી રહે છે. એ નોંધવાલાયક છે. અહીંયા ઘણા પ્રકારની વનસ્પતિઓ છે જેની આંકણી ઔષધીય રૂપે પણ થાય છે.
ભારતીય રસોડામાં જેનો અત્યાધિક ઉપયોગ થાય છે તે છે કોથમીર. આસામમાં તેવું જ વપરાતું માન ધનીયા કે આસામી સીલાંટ્રો આની એક પ્રાકૃતિક મીઠાસ છે. ઔષધીય ગુણોથી ભરપૂર છે. સામાન્ય કોથમીર કરતાં અલગ છે. જેને આસામમાં પથ્થર ધનિયા કે લાઉધનિયા પણ કહે છે. ઘણીવાર મુંબઈમાં પણ જોવા મળે છે.
આસામી માન ધનિયા એન્ટીઓક્સિડેન્ટ વિટામિન-સી અને ખનિજની માત્રાથી ભરપૂર છે. પાચનક્રિયાને સુધારી ભૂખને વધારે છે. ગેસ સોજા જેવી પેટની સમસ્યાઓમાં રાહત આપે છે. બ્લડ સુગરને નિયંત્રિત કરે છે. ડાયાબિટીસ રોગીને આનો રસ લેવો ફાયદાકારક છે. વિટામિન-સી ત્વચાને નિખારે છે. કરચલી પડતી રોકે છે.
દાગ-ખીલ માટે આનો લેપ કરવાથી સમસ્યા દૂર થાય છે. એન્ટીઓક્સિડેન્ટના કારણે શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે. બેકટેરિયાના સંક્રમણથી બચાવે છે. આનું શાક, ચટણી, જ્યૂસ બનાવી લઈ શકાય છે. આનો જ્યૂસ કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખવા માટે ખૂબ જ મદદગાર છે.
વિયતનામી ધનિયા જે આસામમાં ખૂબ મોટો વપરાશ થાય છે. આના પાન લાંબા અને સાંકડા હોય છે તેના ચેસ્ટનટ રંગના નાના ધાણા હોય છે. આ તીવ્ર ગંધ અને થોડી તીખી હોય છે. વિટામિન સી મોટા પ્રમાણમાં છે. લગભગ બધાં જ વ્યંજનોમાં આનો ખૂબ મોટો ઉપયોગ થાય છે. આનું વૈજ્ઞાનિક નામ પર્સીકેરિયા ઓડોરેટા છે. આસામી પ્રકારના અથાણાંમાં આનો ઉપયોગ થાય છે.
કેડીલીફ આ પણ એક પ્રકારની કોથમીર છે. આની મીઠાસ સાકર કરતાં ત્રણસો ગણી છે. મીઠી તુલસી પણ કહેવાય છે. આનું વૈજ્ઞાનિક નામ સ્ટીર્વિયા રેખાઉડિયાના બર્ટોની છે. પ્રાકૃતિક રીતે મીઠી પણ બહુ ઓછી કેલરીવાળી છે. આનું હાલનું જે અધ્યન થયું છે તેમાં જણાયું કે એડીક્રાઈમ, મેટાબોલિક, પ્રતિરક્ષા અને હૃદયસંબંધી બીમારીઓના ઉપચાર કરવાનો ગુણ છે. કારણ આ સેલુલર સિગ્નલિંગ પ્રણાલી પર પ્રભાવ પાડે છે. આ એક અવિશ્ર્વસનીય રૂપમાં મીઠી જડીબૂટ્ટી છે.
પોનોઉનુવા જાક આ વનસ્પતિ જે પાચનને સુધારે તેથી આસામની બધી જ દાળ બનાવતી વખતે વપરાય છે. કોસુ જાક જેને ચરબી કે તારો કે પતે નામથી ઓળખાય છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. આને બાફીને ખવાય છે.
કાંચનાર આ એક પ્રસિદ્ધ જડીબૂટ્ટી છે જે બધા જ પ્રકારની ગાંઠો તોડવા માટે રામબાણ ઈલાજ છે. વજનને જલદીથી ઘટાડે છે જેથી આને કાંચનાર ગૂગળ કહે છે. આનું શાક બનાવી આસામમાં ખવાય છે.
આઉટંગા આને હાથીસેબ કહેવાય છે જેનો ઉપયોગ કરી અને અથાણું બનાવવા વપરાય છે. આ ત્યાં ખાસ ડાયાબિટીસ માટે વપરાય છે.
કુટકી આ એક ચિરસ્થાયી જડીબૂટ્ટી છે. જેની ઉપચારાત્મક શક્તિ માટે પ્રસિદ્ધ છે. જેમાં હેપેટોપ્રોટેક્ટિવ અને એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર છે. જે લીવર સમસ્યા માટે ખાસ કરીને કમળા માટે ખૂબ ઉપયોગી છે. હૃદયના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે.
ભૂતજલીકિયા આ દુનિયાની સૌથી તીખી મરચી છે. જે આસામમાં ખૂબ મોટાપાયે ઉપયોગી થાય છે. પાચન માટે વપરાય છે. જે સૌથી મોંઘી પણ છે. આની મેડીસીન વેલ્યૂ ખૂબ જ છે જેથી મેડીસીનમાં પણ વપરાય છે.
મિશમી ટીટા - આ એક આસામની જડીબૂટ્ટી છે. જેનો ઉપયોગ તાવ અને પેટની સમસ્યા માટે થાય છે. આ કડવી દવા જેવું છે.
આસામ એક પ્રાકૃતિક રાજ્ય છે. લગભગ ત્રણસોથી પણ અધિક જડીબૂટ્ટીઓ મળે છે. કાળા ચોખા (બ્લેક રાઈસ), બાંબૂ, એવાકાડો અને બીજા ઘણાય પ્રકારનાં સુંગધી ચોખા માટે તે પ્રસિદ્ધ છે.