સુરતઃ ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સંગઠનને વધુ મજબૂત અને વેગવંતુ બનાવવાના ભાગરૂપે પ્રદેશ સંગઠનના નવા માળખાની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલે પક્ષાના બંધારણીય માળખા મુજબ પ્રદેશ કારોબારી સભ્યોની નિમણૂક કરી હતી. આ નવી ટીમમાં રાજ્યભરમાંથી અનુભવી અને યુવા ચહેરાઓને સમન્વય સાધવામાં આવ્યો હતો. ભાજપ કારોબારીમાં દક્ષિણ ગુજરાતનો દબદબો જોવા મળ્યો હતો. જેમાં વજુભાઈ વાળા, નીતિન પટેલ, ગોરધન ઝડફિયા, દિલીપ સંઘાણી, પ્રદીપસિંહ જાડેજા, વલ્લભ કાકડીયા જેવા સિનિયર નેતાનો આમંત્રિત સભ્યોમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP જી દ્વારા આજે પ્રદેશ કારોબારી સભ્યશ્રીઓની નિમણૂક કરવામાં આવી.
— BJP Gujarat (@BJP4Gujarat) January 19, 2026
સૌ પ્રદેશ કારોબારી સભ્યશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ. pic.twitter.com/uWmPbtaWH1
દક્ષિણ ગુજરાતમાંથી કોને કોને મળ્યું સ્થાન
પાર્ટીના બંધારણ અનુસાર પ્રદેશ પ્રમુખ અને હોદ્દેદારો સહિત કુલ 106 સભ્યોની પ્રદેશ કારોબારી રચવામાં આવી હતી. કારોબારીમાં સુરતના ત્રણ પૂર્વ મેયર સહિત આઠ સિનિયર સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશ, નિરંજન ઝાંઝમેરા, હેમાલી બોઘાવાલા, ડો. જગદીશ પટેલ, દામજી માવાણી, વિનય શુક્લા, રાજુ પ્રિયદર્શી અને કરશન ગોંડલીયાને સ્થાન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત નવસારીથી માધુભાઈ કથીરિયા, અમિતા પટેલ અને શિતલબેન સોની, સુરત જીલ્લામાંથી અર્જુન ચૌધરી, ભરૂચમાંથી મારૂતિસિંહ અટોદરિયાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત રાજકોટ ભાનુ બાબરીયા અને ધનસુખ ભંડેરીને કારોબારીમાં સમાવાયા છે. જ્યારે કર્ણાવતી (અમદાવાદ) માંથી યુવા નેતા ડૉ. ઋત્વિજ પટેલ, પૂર્વ મેયર ગૌતમ શાહ અને બિજલ પટેલ જેવા અનુભવી ચહેરાઓને સ્થાન મળ્યું છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાતમાંથી જયરાજસિંહ પરમાર અને નીતિન પટેલ, જ્યારે મધ્ય-દક્ષિણ ગુજરાતમાંથી નિમીષા સુથાર અને હર્ષદ વસાવા જેવા અગ્રણીઓને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. ગાંધીનગરથી દુષ્યંત પંડ્યા અને અનિતા પરમારને પણ મહત્વની જવાબદારી સોંપાઈ હતી. પક્ષે આ નવી ટીમ દ્વારા આગામી રાજકીય પડકારો અને ચૂંટણીલક્ષી રણનીતિને ધ્યાનમાં રાખીને લંગઠનને ચુસ્ત બનાવવાનો સંકેત આપ્યો હતો.