સુભાષ ઠાકર
ઓરિજિનલને બાદ કરતાં બીજા ત્રણ દેવદાસ. કે એલ. સાઈગલ, દિલીપકુમાર, શાહરુખ ખાન....આ ત્રણે દેવદાસ થ્રી-ઇન-વન બની ચંબુના શરીરમાં પ્રવેશી ચુક્યા હતા. ‘કમબખ્ત નશે કે લિયે પીતા હૈ ...યે તો મેરી જુવાની ભુલાને કે લિયે પીતા હું.’ પછી મંદિર પહોંચી આક્રોશ ઠાલવવા લાગ્યો: ‘હે પ્રભુ, મેં તારું શું બગાડ્યું છે કે તું મારો ભવ બગાડવા બેઠો છે.
આ 84 લાખ ફેરામાં તું ક્યા નંબરના ફેરાની સજા આપી રહ્યો છે કે મારા જીવનની દીવાલ પરથી ફાસ્ટ લોકલની જેમ 38-38 વર્ષોના કેલેન્ડર ગડથોલિયાં ખાઈ ગયા પણ કોઈ ગગીએ એના હૃદયના દ્વાર પર ‘ભલે પધાર્યા’નું બોર્ડ માર્યું જ નહિ. મારા મિત્રોના ત્યાં બે-ત્રણ વાર પારણું બંધાઈ ચુક્યું, પણ કોઈ ગગીએ મારા માટે હૃદયનું બારણું ખોલ્યું જ નઈ. પ્રભુ, કેટલાકના ત્યાં તો વિધવા-વિધુર બનવાના પ્રસંગ પણ ઉજવાઈ ગયા.
અરે, કેટલાકને નસીબમાં બીજવર બનવાનો મોકો મળ્યો, પણ મારા જીવનમાં એકવાર પણ.. છટ...ધિક્કાર છે આવા જીવતરને...ભાઈ પ્રભુ, ટેલ મી-કે મારાથી ગયેલા કેસમાં તું બધાને કઈ કમાણી ઉપર રાજા-રાણી-એક્કો આપે છે ને મારા નસીબની બાજીમાં દુરી તીરી અઠ્ઠો.., સાલુ ક્યારેય જીતાય જ નઈ, ભક્તો ભલે તને ‘દયાનો સાગર’ કહેતા હોય, પણ મારા માટે તું દયાનું ખાબોચિયું પણ નથી,
ભલે તું નોધારોનો આધાર કહેવાતો પણ મારા જીવનમાં મને કોઈ આધાર આપે એવું પાત્ર નઈ આપવાનું? જો ભાઈ પરભુ, તારી ભૂલ તો છે જ કે તે હૃદય આપ્યું પણ એમાં લાગણીઓ શું કામ મૂકી? ને મુક્યા તો મારે ક્યાં સુધી ‘અકેલે હૈ ચલે આઓ જહાં હો’ ગાઈને વગર વાંકે જિંદગી પૂરી કરવાની? ક્યાં સુધી આ નારીજગતમાં બધીઓને મા, બહેન, દીકરી સમજી મન મનાવ્યા કરવાનું? ક્યાં સુધી ભાઈબીજો કે રક્ષાબંધન ઉજવ્યા કરવાની? જવા દે પ્રભુ, મેં તો હજી સુધી મારા દિલ પર પથ્થર મુક્યો છે પણ તું તો ખુદ પથ્થર છે.’
આટલો આક્રોશ ઠાલવી શાંતિથી બોલ્યો: ‘સોરી પ્રભુ, મારાથી આવું ન ખીજાવાય પણ ક્યાં સુધી હું આવો ઘોર અન્યાય સહન કરું? ક્યાં સુધી ચુપ રહુ? શું મારે ઘરડા આશિક તરીકે જ આ જગ છોડવું પડશે?’
ચંબુ આમ પ્રભુ સામે હૈયાવરાળ ઠાલવી મારી પાસે આવ્યો:
‘ઠાકરિયા, મંદિરમાં પ્રભુને કીધું ‘પ્રભુ હું પણ એક માણસ છું મને જીવનમાં સપનાં સાકાર કરવાના કોડ નઈ જાગતા હોય પણ એ મારી સામે નથી જોતો કે નથી મારું સાંભળતો એવા ઈશ્વરને શું ધોઈ પીવાનો?’
‘એક મિનિટ ચંબુ, તું ક્યા મંદિરમાં પ્રાર્થના કરવા ગયેલો?’ મેં પૂછ્યું
‘કાંદિવલીના હનુમાન મંદિરે...’
‘માર્યો ત્યાં જ મોટો લોચો માર્યો તારાથી મંદિર સાચુ પકડાયું, પણ બકા ભગવાન ખોટા પકડાયા...હનુમાનજીએ પ્રભુ રામની સીતા પાછી લાવી આપી એ કબૂલ પણ પોતે તો વાઈફ વસાવી જ નહોતી. તારું ગોઠવાય પછી કોઈ રાવણ ઉપાડી જાય તો આ મંદિરમાં જવાય. બાકી પહેલીવાર ખાતુ ખોલાવવા માટે આ બેંક આઈ મીન આ મંદિર ખોટુ છે.
હું એક આઈડિયા આપું? તું કોઈ રાધા- કૃષ્ણના મંદિરમાં જા, કૃષ્ણ કદાચ સાંભળશે. કોઈને પોતાની કેમ કરી લેવી એ અદ્ભુત આવડત તેમનામાં હતી, તું એક માગીશ ને અનેક ધરી દેશે અરે તું ખોબો માગીશ ને એ દરિયો દઈ દેશે. અને થોડી ધીરજ પણ રાખવાની એમ ઉતાવળે આંબા ન પાકે...’ ‘તો હું કાચા આંબાથી ચલાવી લઈશ સાલું...હું અહીં આખો ને આખો પાકતો જઉં છું એ નથી દેખાતું?’ ચંબુ ભડક્યો
‘યુ નો? રસ્તામાં કોઈનો વરઘોડો જોઉં છું ત્યારે મને મારી સ્મશાનયાત્રા જતી હોય એવો ભાસ થાય છે. આ દુખ કંઈ ઓછું નથી એ તો રામબાણ વાગ્યા હોય એ જાણે. અરે, હમણાં અથાગ પરિશ્રમ પછી માંડ માંડ પેલા ચંપકલાલની ચંપા સાથે મિલન કમ મીટિંગ ગોઠવાઈ મને થયું હવે નસીબ આડેથી પાંદડુ જ નઈ પણ આખુ વૃક્ષ ખસી રહ્યું છે. હવે તો જીવનના બાગમાં સુગંધ જ સુગંધ પણ...’
‘પણ શું?’ મેં પૂછ્યું
‘અરે, અમારા વિચારોની આપ લે પછી પૂછ્યું હું ફાઈનલ સમજું?’
પણ ત્યાં તો ચંપાએ બોમ્બ ફોડ્યો ને બોલી ‘અંકલ, તમારી બધી વાત મુદ્દાની ને સાચી પણ તમારા દીકરાને જોયા વગર હું તમને ફાઈનલ હા ન કહી શકું?’
‘ઠાકરિયા, અંકલ સાંભળીને આપઘાત કરવાનું મન થાય એવો આઘાત લાગ્યો, ધરતી મારગ આપે તો સમાઈ જવાનું મન થયું પણ હું કઈ સીતા નથી કે ધરતી મને મારગ આપે ને ધરતી પણ કેટકેટલા લોકોને આવા મારગ આપે ને ધરતીને તો આ રોજનું થયું, મારા સપનાં ચકનાચુર થયા એટલે ચંપકલાલના ઘરમાં જ મને પંખા પર લટકી જવાનું મન થયું પણ પછી થયું કે પંખો કોકનો, ઘર કોકનું, ઘરના માણસો કોકના પણ જીવ તો આપણોને?
એમ જીવ જેવી અમૂલ્ય ચીજ કોઈના ઘરમાં આપી ન દેવાય... નકામું સાલું આપઘાત પછી આપણે તો ન હોઈએ પણ ચંપકલાલ ને ચંપા પર ખૂનનો આરોપ લાગી જાય એટલે ત્યાં મારો જીવ ન ચાલ્યો. રહીસહી આશા પર પણ પાણી ફરી વળ્યું ઠાકરિયા. લોકો ભલે કહેતા હોય કે દરેકની જોડી સ્વર્ગમાં જ નક્કી કરેલી જ હોય છે. આ પૃથ્વી ઉપર તો માત્ર આપણે ઉજવણી કરીએ છીએ પણ મને લાગે છે કે મારી તો જોડી ને ઉજવણી બન્ને સ્વર્ગમાં જ કરવી પડશે.’
શું કહો છો?