મુંબઈ: વર્ષ 2026ની શરૂઆત હિન્દી સિનેમા માટે અત્યંત આશાસ્પદ રહી છે. રણવીર સિંહની 'ધુરંધર' ની સફળતા બાદ હવે સમગ્ર ઇન્ડસ્ટ્રીની નજર પ્રજાસત્તાક પર્વ પર રિલીઝ થનારી સની દેઓલની મલ્ટિસ્ટારર ફિલ્મ 'બોર્ડર 2' પર ટકેલી છે. આ ફિલ્મ પ્રત્યે ચાહકોમાં એટલો ક્રેઝ છે કે એડવાન્સ બુકિંગ શરૂ થતાની સાથે જ ટિકિટ બારી પર પડાપડી જોવા મળી રહી છે. ટ્રેડ એક્સપર્ટ્સના મતે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણીના નવા રેકોર્ડ બનાવી શકે છે.
'બોર્ડર 2' માટે એડવાન્સ બુકિંગ આજે એટલે કે 19 જાન્યુઆરીથી શરૂ કરી દેવામાં આવ્યું છે. શરૂઆતી આંકડાઓ મુજબ, ફિલ્મે પહેલા જ દિવસે અંદાજે 1.94 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કરી લીધું છે. દેશભરની 5200 થી વધુ સ્ક્રીન્સ પર અત્યાર સુધીમાં અંદાજે 56 હજાર ટિકિટો વેચાઈ ચુકી છે. ખાસ કરીને PVR, INOX અને સિનેપોલિસ જેવી નેશનલ ચેન્સમાં જ 28 હજારથી વધુ ટિકિટોનું બુકિંગ થઈ ગયું છે, જે દર્શાવે છે કે અનુરાગ સિંહના નિર્દેશનમાં બનેલી આ વોર ડ્રામા ફિલ્મ જોવા પ્રેક્ષકો આતુર છે.
રસપ્રદ વાત એ છે કે 'બોર્ડર 2' સની દેઓલની અગાઉની હિટ ફિલ્મ 'જાટ' ના રેકોર્ડને તોડવાની ખૂબ જ નજીક છે. 'જાટ' ફિલ્મે ઓપનિંગ ડે માટે 2.59 કરોડની એડવાન્સ બુકિંગ નોંધાવી હતી, જ્યારે 'બોર્ડર 2' ને આ આંકડો પાર કરવા માટે હવે માત્ર મામૂલી ઉછાળાની જરૂર છે. વર્તમાન ટ્રેન્ડને જોતા એવું લાગી રહ્યું છે કે આજે સાંજ સુધીમાં જ આ રેકોર્ડ તૂટી જશે. હાલમાં મેદાન ખાલી હોવાથી અને કોઈ મોટી ફિલ્મ સાથે ટક્કર ન હોવાથી 'બોર્ડર 2' ને તેનો સીધો ફાયદો મળી રહ્યો છે.
માત્ર સની દેઓલની ફિલ્મો જ નહીં, પણ 'બોર્ડર 2' એ અક્ષય કુમારની 'કેસરી ચેપ્ટર 2' ના એડવાન્સ બુકિંગ (1.84 કરોડ) ને પણ પાછળ છોડી દીધો છે. ટૂંક સમયમાં જ આ ફિલ્મ અજય દેવગનની 'સન ઓફ સરદાર 2' અને ટાઈગર શ્રોફની 'બાગી 4' ના રેકોર્ડ્સ તોડે તેવી શક્યતા છે. જો આ જ સ્પિડ જળવાઈ રહેશે, તો ગણતંત્ર દિવસના વીકેન્ડ પર આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુનામી લાવી શકે છે. વર્ષ 2026ના પ્રારંભે આ ફિલ્મ બોલીવુડ માટે ગોલ્ડન સાબિત થઈ શકે છે.