Mon Jan 19 2026

Logo

White Logo

ભારત વિરુદ્ધ ન્યૂ ઝીલૅન્ડ વન-ડે સિરીઝ 2026 : ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડ સામે ભારતનું ફરી નાક કપાયુંઃ કિવીઓએ રચ્યો ઇતિહાસ

1 day ago
Author: Ajay Motiwala
Video

PTI


ટીમ ઇન્ડિયાના ખરાબ ઓપનિંગે દાટ વાળ્યોઃ કિંગ કોહલીની લડત પણ ન જિતાડી શકી

ઇન્દોરઃ માઇકલ બ્રેસવેલના સુકાનમાં ન્યૂ ઝીલૅન્ડની ટીમે અહીં રવિવારે ભારતની ધરતી પર પોતાના દેશ માટે નવો ઇતિહાસ રચ્યો હતો. ભારતમાં કિવીઓ પહેલી જ વખત વન-ડે સિરીઝ જીત્યા છે. 2024ના અંતે કિવીઓએ ટીમ ઇન્ડિયાને ભારત (India)માં જ ટેસ્ટ-શ્રેણી (ODI series)માં 3-0થી પરાજિત કરી હતી અને હવે પહેલી વાર વન-ડે સિરીઝ 2-1થી જીતી લીધી છે. ભારતીયો 338 રનના તોતિંગ લક્ષ્યાંક નીચે જ દબાઈ ગયા એવું દાવની શરૂઆતમાં લાગતું હતું, પરંતુ વિરાટ કોહલી (124 રન, 108 બૉલ, 174 મિનિટ, ત્રણ સિક્સર, દસ ફોર) ખૂબ લડવા છતાં તેને કોઈએ છેક સુધી સાથ ન આપ્યો અને છેવટે ખુદ હતાશ અને થાકી ગયેલો વિરાટ વિકેટ ગુમાવી બેઠો હતો. તેની એ નવમી વિકેટ પડ્યા બાદ એ જ ઓવરમાં કુલદીપ યાદવ પણ આઉટ થઈ જતાં કિવીઓનું સેલિબે્રશન શરૂ થઈ ગયું હતું. કિવીઓના 8/337ના સ્કોર સામે ભારત 46 ઓવરમાં 296 રનના સ્કોર પર ઑલઆઉટ થતાં ન્યૂ ઝીલૅન્ડે 41 રનથી શાનદાર વિજય મેળવ્યો હતો.

ઇન્દોરમાં ભારત પહેલી વાર પરાજિત

ઇન્દોરમાં ભારત અગાઉ તમામ સાત વન-ડે જીત્યું હતું અને પહેલી જ વખત અહીં ટીમ ઇન્ડિયાએ પરાજય જોવો પડ્યો. એક તો ભારતે ખરાબ ઓપનિંગ કર્યું હતું અને જોતજોતામાં સ્થિતિ વધુ વણસી ગઈ હતી. રોહિત શર્મા માત્ર 11 રન અને કૅપ્ટન શુભમન ગિલ 23 રનના પોતાના સ્કોર પર આઉટ થઈ ગયા એમ છતાં કોહલીએ એક છેડો સાચવી રાખ્યો હતો. જોકે શ્રેયસ ઐયર (ત્રણ રન) અને કે. એલ. રાહુલ (એક રન) પણ સસ્તામાં પૅવિલિયન ભેગા થઈ જતાં હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી. 71 રનમાં ભારતની ચાર વિકેટ પડી ચૂકી હતી.

છપ્પનની છાતીવાળા કોહલીની 54મી સેન્ચુરી

લડાયક શક્તિવાળો વિરાટ કોહલી વન-ડે ક્રિકેટમાં સૌથી મોટો સદીકર્તા છે. તેણે રવિવારે વિક્રમી 54મી સદી ફટકારી હતી, પણ કમનસીબે આ સદી મૅચ-વિનિંગ (સિરીઝ-વિનિંગ) નહોતી નીવડી. કોહલીને નીતીશ કુમાર રેડ્ડી (53 રન, 57 બૉલ, 54 મિનિટ, બે સિક્સર, બે ફોર) અને ત્યાર બાદ હર્ષિત રાણા (બાવન રન, 43 બૉલ, 50 મિનિટ, ચાર સિક્સર, ચાર ફોર)ના પણ યોગદાનો ટીમને મળ્યા હતા. કોહલીને તેમનો વારાફરતી સાથ મળ્યો હતો એમ છતાં તેઓ કોહલી સાથે મળીને ટીમના સ્કોરને 300 રનની નજીક પહોંચાડવામાં નિષ્ફળ રહ્યા હતા. રવીન્દ્ર જાડેજા (12 રન) પણ લડત નહોતો આપી શક્યો.

બે સદી અને ડબલ સેન્ચુરીની ભાગીદારી

એ પહેલાં, ભારત સામેની ત્રીજી અને નિર્ણાયક વન-ડેમાં 50 ઓવરમાં આઠ વિકેટે 337 રન કરીને ભારતને 338 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો જેને લીધે ભારતે સિરીઝથી બચવું થોડું મુશ્કેલ થઈ ગયું હતું. કિવીઓની ટીમના એવરગ્રીન પ્લેયર અને ભારત માટે હંમેશાં માથાનો દુખાવો બની રહેતા ડેરિલ મિચલે (137 રન, 131 બૉલ, 198 મિનિટ, ત્રણ સિક્સર, પંદર ફોર) અને ગ્લેન ફિલિપ્સ (106 રન, 88 બૉલ, 139 મિનિટ, ત્રણ સિક્સર, નવ ફોર) સદી ફટકારીને ટીમ ઇન્ડિયા સામે મોટો પડકાર ફેંક્યો હતો.

અર્શદીપ સિંહ (10-1-63-3) અને હર્ષિત રાણા (10-0-84-3)એ ઇનિંગ્સની શરૂઆતમાં કિવીઓની ટીમને ઉપરાઉપરી ઝટકા આપ્યા હતા છતાં મિચલ-ફિલિપ્સની જોડીએ ચોથી વિકેટ માટે 219 રનની ભાગીદારી કરીને પોતાની ટીમને મોટા ટોટલની દિશામાં આગળ વધારી હતી.

આ બે સિવાય બીજો કોઈ બૅટ્સમૅન 30 રનનો આંકડો પણ પાર નહોતો કરી શક્યો. સિરીઝની બીજી મૅચના હીરો ડેરિલ મિચલે મગજ શાંત રાખીને તેમ જ ભારતીય બોલર્સ પર વર્ચસ્વ જમાવી રાખીને રનમશીન આગળ વધાર્યું હતું, જ્યારે સામા છેડેથી ગ્લેન ફિલિપ્સે દમદાર ઇનિંગ્સથી તેને સારો સાથ આપ્યો હતો.

એક તબક્કે ભારતીય ટીમનો મૅચ પર કાબૂ હતો, કારણકે કિવીઓએ 58 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે મિચલ-ફિલિપ્સની જોડીએ મૅચમાં સ્પર્ધાત્મક ખૂબ વધારી દીધી હતી.

એ પહેલાં, કૅપ્ટન શુભમન ગિલે આ નિર્ણાયક વન-ડેમાં ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી એની ફળશ્રુતિ તરત જ જોવા મળી. ન્યૂ ઝીલૅન્ડે પહેલા સાત બૉલમાં બે વિકેટ ગુમાવી દીધી હતી.

અર્શદીપ બોલિંગમાં ફાવ્યો, પણ બૅટ્સમેનોએ નિરાશ કર્યા

લેફ્ટ-આર્મ પેસ બોલર અર્શદીપ સિંહને પ્રસિદ્ધ ક્રિષ્નાને બદલે પ્લેઇંગ-ઇલેવનમાં લેવામાં આવ્યો એ નિર્ણય અર્શદીપે સાચો ઠરાવ્યો હતો, કારણકે તેણે ચોથા બૉલમાં કુલ પાંચ રનના સ્કોર પર હેન્રી નિકલ્સને ક્લીન બોલ્ડ કર્યો હતો. નિકલ્સનો એ પહેલો જ બૉલ હતો. એ ઓવરના છેલ્લા બે બૉલ નખાયા ત્યાં તો નવી ઓવરના પહેલા જ બૉલમાં ડેવૉન કૉન્વેએ પણ વિકેટ ગુમાવી દીધી હતી. તેને હર્ષિત રાણાએ રોહિત શર્માના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. કૉન્વેની વિકેટ વખતે પણ કુલ સ્કોર પાંચ રન હતો. સૌથી ડેન્જરસ બૅટ્સમૅન ડેરિલ મિચલ અને વિલ યંગે બાજી સંભાળી લીધી હતી અને છઠ્ઠી ઓવરને અંતે ટીમનો સ્કોર 2/27 ઉપર પહોંચ્યો હતો. વિલ યંગે પોતાના 30મા રને હર્ષિત રાણાના બૉલમાં જાડેજાના હાથમાં કૅચ આપી દીધો ત્યાર બાદ ભારતીય ટીમે લાંબા સમય સુધી મિચલ-ફિલિપ્સનો ધમાકેદાર શૉ જોવો પડ્યો હતો. મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવને એક-એક વિકેટ મળી હતી, પરંતુ નીતીશ કુમાર રેડ્ડીને 53 રન અને જાડેજાને 41 રનના ખર્ચ છતાં વિકેટ નહોતી મળી શકી.