Tue Jan 20 2026

Logo

White Logo

ટ્રમ્પને ચડ્યું નોબેલનું 'ભૂત': નોર્વેના PMને મોકલ્યો ધમકીભર્યો મેસેજ : કહ્યું 8 યુદ્ધો રોક્યા છતાં નોબેલ કેમ ન આપ્યો?

Washington DC   4 hours from now
Author: Devayat Khatana
Video

વોશિંગ્ટન:  અમરીકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને નોબલ પ્રાઇઝનું ભૂત વળગ્યું છે. વિશ્વ આખામાં યુદ્ધ કે વિવાદ પોતે રોકાવ્યાનો જશ ખાટયા બાદ પણ એવોર્ડ ન મળતા તેમણે નારાજગી વ્યકત કરી હતી. ટ્રમ્પે નારાજગી વ્યક્ત કરતાં નૉર્વેના વડા પ્રધાન જોનાસ ગાહર સ્ટોરને  એક મેસેજ મોકલ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે નોબલ પ્રાઇઝ ન મળવાને કારણ હવે તે શાંતિ માટે વિચારવા બંધાયેલા નથી અને અમેરિકાના હિતોને પ્રાથમિકતા આપશે. 

નોર્વેના વડાપ્રધાન સ્ટોરેએ ખુલાસો કર્યો છે કે ટ્રમ્પે તેમને મોકલેલા મેસેજમાં લખ્યું છે કે, તમારા દેશે મને 8 યુદ્ધો રોકવા છતાં નોબેલ શાંતિ પુરસ્કાર ન આપ્યો, તેથી હવે હું માત્ર શાંતિના દ્રષ્ટિકોણથી વિચારવા મજબૂર નથી." ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે હવે તેઓ અમેરિકા માટે જે યોગ્ય હશે તે જ કરશે. આ મેસેજના જવાબમાં નોર્વેના વડાપ્રધાને સ્પષ્ટતા કરી હતી કે નોબેલ પુરસ્કારનો નિર્ણય નોર્વેની સરકાર નહીં પરંતુ એક સ્વતંત્ર સમિતિ લે છે, જે બાબત તેઓ ટ્રમ્પને અનેકવાર સમજાવી ચુક્યા છે.

ટ્રમ્પે પોતાના મેસેજમાં ગ્રીનલેન્ડ પર અમેરિકાના નિયંત્રણની માંગ ફરી દોહરાવી છે. તેમણે ડેનમાર્કના ગ્રીનલેન્ડ પરના ઐતિહાસિક દાવા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, સદીઓ પહેલા એક હોડી ત્યાં ઉતરી જવાથી ડેનમાર્કનો માલિકી હક સાબિત થતો નથી. ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો યુરોપિયન દેશો ગ્રીનલેન્ડ અમેરિકાને વેચવા માટે સહમત નહીં થાય, તો તેઓ યુકે અને યુરોપિયન યુનિયનના દેશો પર 10 ટકા સુધીનો ટેરિફ લાદી શકે છે. ટ્રમ્પના મતે, ગ્રીનલેન્ડ પર અમેરિકાનું સંપૂર્ણ નિયંત્રણ દુનિયાની સુરક્ષા માટે અનિવાર્ય છે.

નોર્વે અને ફિનલેન્ડે ટ્રમ્પના આ વલણનો સખત વિરોધ કર્યો છે. નોર્વેના વડાપ્રધાને સ્પષ્ટ કર્યું છે કે ગ્રીનલેન્ડ એ ડેનમાર્ક સામ્રાજ્યનો અભિન્ન હિસ્સો છે અને નોર્વે તેમાં ડેનમાર્કની સાથે છે. આ વિવાદ ત્યારે વકર્યો જ્યારે નોર્વે અને ફિનલેન્ડે અમેરિકા દ્વારા પ્રસ્તાવિત ટેરિફ વધારાનો વિરોધ કર્યો હતો. આર્ક્ટિક ક્ષેત્રમાં સ્થિરતા જાળવવા માટે નાટો (NATO) એ જવાબદારીપૂર્વક કામ કરવું જોઈએ તેવું નોર્વેનું માનવું છે, જ્યારે ટ્રમ્પના આ આક્રમક વલણે વૈશ્વિક રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે.