Mon Jan 19 2026

Logo

White Logo

દિલ્હી હાઈ એલર્ટ : હજી નથી મળ્યો 300 કિલો વિસ્ફોટક! 26 જાન્યુઆરીને લઈ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર

8 hours ago
Author: Vimal Prajapati
Video

નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસથી પહેલાં દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. દિલ્હીને અત્યારે એક અભેદ કિલ્લાને જેમ સુરક્ષિત કરવામાં આવી રહી છે. કારણ કે લાલ કિલ્લા બોમ્બ બ્લાસ્ટ બાદ આ ષડયંત્ર સાથે જોડાયેલા 300 કિલોગ્રામ એમોનિયમ નાઇટ્રેટ વિસ્ફોટક હજુ પણ લાપતા છે. તપાસ એજન્સીઓને આશંકા છે કે આ વિસ્ફોટક દિલ્હી કે એનસીઆરમાં છુપાયેલો હોઈ શકે છે. એટલું નહીં પરંતુ બાંગ્લાદેશી અને ખાલિસ્તાની આતંકીઓ સાથે જોડાયેલા હોવાની આશંકાએ રાષ્ટ્રીય સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. આ તમામ સ્થિતિને ધ્યાને રાખતા સુરક્ષા એજન્સીઓ અત્યારે હાઈ એલર્ટ પર છે. 

આખરે 300 કિલો વિસ્ફોટક ક્યાં છુપાયલો હશે?

વધારે વિગતે વાત કરવામાં આવે તો, દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કાર બ્લાસ્ટની થયો તેની તપાસમાં મોટો ખુલાસો થયો છે. કુલ 3200 કિલો વિસ્ફોટકમાંથી 2900 કિલો વિવિધ સ્થળોએથી જપ્ત થયા છે, પરંતુ 300 કિલો હજુ લાપતા છે. 26 જાન્યુઆરીએ પરેડ યોજાવાની છે, જેથી આ દરમિયાન કોઈ અઘટિત ઘટના ના ઘટે તે માટે સુરક્ષા વધારવામાં આવી છે. અત્યારે સુરક્ષા એજન્સીઓ 300 કિલો વિસ્ફોટકને શોધવા માટે તપાસ કરી રહી છે, એજન્સીઓની પહેલી પ્રાયોરિટી પણ આ જ છે, તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

શું દિલ્હીમાં કાર બ્લાસ્ટ થયો તે એક પ્રકારની ધમકી હતી?

સુરક્ષા અધિકારીઓનું કહેવું છે કહે છે કે  દિલ્હીમાં કાર બ્લાસ્ટ થયો તે એક પ્રકારની ધમકી માની શકાય. જેથી આ ધમકીને અવગણી શકાય નહીં. બની શકે કે આતંકવાદીઓની આ માત્ર એક રિહર્સલ હોય! આ આતંકીઓ 200થી વધુ હાઈ-ઇન્ટેન્સિટી IED બનાવી દિલ્હી, ગુરુગ્રામ અને ફરીદાબાદમાં વિસ્ફોટ કરવાનું આયોજન કરી રહ્યાં હતાં. પરંતુ તેમના પ્લાનને સુરક્ષા એજન્સીઓ નિષ્ફળ બનાવી દીધો હતો. પરંતુ હજી પરિસ્થિતિને સામાન્ય ગણી શકાય નહીં. 

દિલ્હી કાર બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક છે

અત્રે નોંધનીય છે કે, દિલ્હી કાર બ્લાસ્ટ મોડ્યુલ એ પાકિસ્તાન આધારિત જૈશ-એ-મોહમ્મદ (JeM) અને લશ્કર-એ-તૈબા (LeT) સાથે જોડાયેલો હોવાની આશંકા છે. વિસ્ફોટક ખાતર કંપનીમાંથી ચોરી કરીને સરહદ પાર લાવવામાં આવ્યો હતો. આતંકવાદીઓનો મુખ્ય ઉદ્દેશ્ય ભીડભાડ અને ધાર્મિક સ્થળોને લક્ષ્ય બનાવી સાંપ્રદાયિક અશાંતિ ભડકાવવાનો હતો. સૌથી મહત્વની વાત એ છે કે આ ‘વ્હાઈટ કોલર આતંકવાદ’માં ડૉક્ટરો અને મૌલવીઓ પણ સામેલ હતા, જેથી સુરક્ષા એજન્સીઓ વધારે ચિંતિત છે. 

આ વિસ્તારોમાં પણ સુરક્ષા એજન્સીઓએ સુરક્ષા વધારી

મળતી જાણકારી પ્રમાણે મોબાઇલ ફોન ડેટા, લોકેશન હિસ્ટ્રી અને રિકોનિસન્સ પુરાવાએ પુષ્ટિ આપી છે કે આતંકવાદીઓ મુઝમ્મિલ ગનાઈ અને ઉમર મોહમ્મદ નબીએ ગયા વર્ષે જાન્યુઆરીમાં લાલ કિલ્લા, તેની આસપાસના વિસ્તારો અને સંભવિત પરેડ રૂટનું ઘણી વખત રિકોનિસન્સ કર્યું હતું. જેથી સુરક્ષા એજન્સીઓનું મૂલ્યાંકન હતું કે આતંકવાદી કાવતરું કોઈ એક સ્થાન પૂરતું મર્યાદિત નહોતું. લાલ કિલ્લો, ઇન્ડિયા ગેટ, રેલ્વે સ્ટેશન, મોલ અને ભીડભાડવાળા વિસ્તારો સંભવિત લક્ષ્યો હતા, જેથી આ વિસ્તારની પણ સુરક્ષા વધારી દેવામાં આવી હતી. 

29 જાન્યુઆરી સુધી કર્તવ્ય પાથ ખાસ હાઇ એલર્ટ પર

ખાસ કરીને 26 જાન્યુઆરી 2026ના ગણતંત્ર દિવસ પર દિલ્હીમાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. લાપતા વિસ્ફોટકને કારણે રાજધાની અને ઉત્તર ભારતમાં સુરક્ષા એજન્સીઓ વધારે સતર્ક થઈ ગઈ છે. તપાસ ઝડપી બનાવીને આતંકી નેટવર્કને તોડવાનો પ્રયાસ ચાલુ છે. રાષ્ટ્રીય સુરક્ષા માટે આ મામલો ચિંતાજનક છે. તારીખ 22 થી 29 જાન્યુઆરી સુધી કર્તવ્ય પથ અને આસપાસના વિસ્તારોમાં ખાસ હાઇ એલર્ટ રહેશે તેવું પણ જાણવા મળ્યું છે.