Mon Jan 19 2026

Logo

White Logo

પાંચ લાખ ટન ઘઉંના લોટ અને ઘઉંની : બનાવટોની નિકાસને મંજૂરી

8 hours ago
Author: Ramesh Gohil
Video

નવી દિલ્હીઃ સરકારે પાંચ લાખ ટન ઘઉંના લોટ અને ઘઉંની અન્ય બનાવટોની નિકાસને મંજૂરી આપી હોવાનું એક નોટિફિકેશનમાં જણાવ્યું છે. 
નોંધનીય બાબત એ છે કે ભારત ઘઉંનો મુખ્ય ઉત્પાદક દેશ છે અને કેન્દ્ર સરકારે વર્ષ 2022માં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યાર બાદ અંદાજે ત્રણ વર્ષ કરતાં વધુ સમયગાળા પશ્ચાત્‌‍ આંશિક રીતે પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો હતો. 
ઘઉંના લોટ અને ઘઉંની અન્ય બનાવટોની નિકાસ પર પ્રતિબંધ રહેશે. તેમ છતાં હાલની નીતિ અને શરતો ઉપરાંત પાંચ લાખ ટન ઘઉંના લોટ અને ઘઉંની અન્ય બનાવટોની નિકાસને મંજૂરી આપવામાં આવી હોવાનું ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી)એ ગત 16મી જાન્યુઆરીના રોજ એક નોટિફિકેશન જારી કરીને જણાવ્યું છે. 

જોકે, જે નિકાસ કરવા ઇચ્છુકે ડીજીએફટીને અરજી કરીને નિકાસ માટે અરજી કરવાની રહેશે. તેમ જ અરજી માટેનો પહેલો સેટ આગામી 21મી જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી સુધી ડીજીએફટી દ્વારા મગાવવામાં આવ્યો છે અને ત્યાર બાદ અરજદારોએ મંજૂર કરવામાં આવેલી નિકાસની મર્યાદા સુધી પ્રત્યેક મહિનાના છેલ્લા 10 દિવસ દરમિયાન અરજી કરવાની રહેશે અને એક્સપોર્ટ ઑથોરાઈઝેશન જારી થયાના છ મહિના સુધી માન્ય રહેશે, એમ ડીજીએફટીએ જણાવ્યું હતું. 

નોટિફિકેશનમાં જણાવ્યાનુસાર માન્યતા પ્રાપ્ત ઈમ્પોર્ટ-એક્સપોર્ટ કોડ (આઈઈસી) ધરાવતી અને એફએસએસએઆઈ (ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ, ઑથોરિટી ઑફ ઈન્ડિયાનું લાઈસન્સ ધરાવતી ફ્લોર મિલો/પ્રોસેસિંગ એકમો તેમ જ ઘઉંનો લોટ અને તેનાં સંબંધિત ઉત્પાદનો બનાવવા માટે ઉત્પાદક-નિકાસકાર તરીકે કાર્યરત હોય તેઓ નિકાસ કરવાની પરવાનગી માટે અરજી કરી શકે છે.  

આ ઉપરાંત એક્સપોર્ટ પ્રોસેસિંગ એકમો અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન, મર્ચન્ટ એક્સપોર્ટરો જે આઈસી અને એફએસએસએઆઈ લાઈસન્સ ધરાવતા હોય તેમ જેઓ ઘઉંનો લોટ અને અન્ય બનાવટોના ઉત્પાદકો મિલો સાથે કરારબદ્ધ અથવા તો માન્યતાપ્રાપ્ત જોડાણ ધરાવતા હોય તેવા પુરવઠાકારો આ નિકાસ માટે અરજી કરી શકે છે. 

જોકે, નિકાસ માટેના જથ્થા અંગેનો નિર્ણય સ્પેશિયલ એક્ઝિમ ફેસિલિટેશન કમિટી લેશે, અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ઘઉં એ દેશનો મુખ્ય રવી પાક છે જેનું વાવેતર ઑક્ટોબર-નવેમ્બર  મહિનાથી શરૂ થતું હોય છે. જોકે, રવી મોસમમાં ઘઉં ઉપરાંત જાડા ધાન્ય, ચણા અને મસૂરી જેવા અન્ય કઠોળનું પણ વાવેતર થતું હોય છે.