Mon Jan 19 2026

Logo

White Logo

મુંબઈ પર મૅરથનનો જાદુ ફરી વળ્યોઃ : 69,000-પ્લસ સ્પર્ધકોને લાખોની મેદનીએ ચિયર-અપ કર્યા

1 day ago
Author: Ajay Motiwala
Video

21મી ટાટા મુંબઈ મૅરથનમાં ગુજરાતી સ્પર્ધકો છવાઈ ગયાઃ ફિટનેસ ફર્સ્ટ અને સ્વાસ્થ્યની સાચવણીનો સંદેશ ફેલાયો

મુંબઈઃ ટાટા મુંબઈ મૅરથન (TMM) માત્ર રેસ નહીં, પણ એક એવી ઐતિહાસિક વાર્ષિક દોડ છે જેમાં ભાગ લેનારાઓ ફિટનેસ તથા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો કોઈને કોઈ સંદેશ ફેલાવતા જ હોય છે. રવિવારની 21મી સીઝનમાં પહેલી વાર 69,000થી પણ વધુ સ્પર્ધકોએ ભાગ લીધો અને એમાં ફુલ મૅરથન (MARATHON) તથા હાફ મૅરથનની તીવ્ર સ્પર્ધાત્મકતા વચ્ચે હંમેશની જેમ ડ્રીમ-રનની લોકપ્રિયતા સૌથી વધુ હતી જેમાં હાઇએસ્ટ 27,400થી વધુ સ્પર્ધકો સામેલ હતા.

એશિયાની આ સૌથી મોટી અને સૌથી પૉપ્યુલર મૅરથનમાં પુરુષો, મહિલાઓ તેમ જ આબાલવૃદ્ધો, દિવ્યાંગો, ભૂતપૂર્વ સૈનિકો, સેલિબ્રિટીઝ, વિદેશી નાગરિકોની અભૂતપૂર્વ હાજરીએ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)ની આસપાસના વિસ્તારોને તેમ જ નજીકના આઝાદ મેદાનને સક્રિય અને ચેતનવંતા બનાવી દીધા હતા. આ બધામાં ગુજરાતી સ્પર્ધકોનું જાણે કિડિયારું ઊભરાયું હતું.

ભિન્ન ગેટઅપ, મેક-અપ અને વેશભૂષાએ વાતાવરણને સંગીન બનાવી દીધું હતું. શિયાળાના રવિવારની પરોઢિયેથી સ્પર્ધકોને જોવા આવેલા હજારો લોકોની મેદનીએ સમગ્ર માહોલને ચાર ચાંદ લગાવી દીધા હતા. ટૂંકમાં, સૌ કોઈએ મોજ-મસ્તી કરવાની સાથે કોઈને કોઈ ઉમદા હેતુ સિદ્ધ કર્યો હતો તેમ જ સમાજને બહુમૂલ્ય મૅસેજ આપ્યો હતો.

--------------------
વડીલ 70 વર્ષના છે, 40 વર્ષથી એકેય દવા નથી લીધી

મહેન્દ્ર પટેલ, પરેલ
` પાંચ વર્ષથી ટાટા મુંબઈ મૅરથનમાં દોડું છું અને એ પણ ખુલ્લા પગે. પાનીમાં ચાંદાં પડી ગયાં છે, પણ મૅરથનનો ક્રેઝ લેશમાત્ર ઓછો નથી થયો. મૅરથનમાં ભાગ લેતાં લેતાં ગરબા ગાઇને લોકોને આનંદિત અને મંત્રમુગ્ધ કરી દઉં છું. 70 વર્ષનો છું અને છેલ્લા 40 વર્ષથી મારે એકેય દવા નથી લેવી પડી. કારણ એ છે કે મને કોઈ વ્યસન નથી અને ડાયાબિટીઝ સહિતની કોઈ બીમારી પણ નથી. દરરોજ એક ટાઇમ જમું છું છતાં યુવાનોને શરમાવું એવો ઍક્ટિવ છું. અહીં સિનિયર સિટિઝન્સ મૅરથનમાં તો થોડું ખાઈને જ દોડવું જોઈએ એવું મને ઘણાએ કહ્યું, પરંતુ હું માત્ર પાણી પીને આવ્યો છું અને જુઓ કેવો સ્વસ્થ છું. મારે કોઈ જ દવા નથી લેવી પડતી, પણ હું લોકોને આયુર્વેદિક ઔષધ જરૂર વેચું છું. સ્વસ્થ રહો, મસ્ત રહો.'

--------------------
ઝેન-જી માટે બે મંત્રઃ સત્ય અને અહિંસા

ઉપેન્દ્ર ઠાણાવાળા, ગિરગામ
` મુંબઈ મૅરથન શરૂ થઈ ત્યારથી (21 વર્ષથી) મહાત્મા ગાંધીજીના જ ગેટઅપમાં હું આવું છું. શરૂઆતમાં હું ડ્રીન રનમાં દોડતો હતો, પણ થોડાં વર્ષોથી સિનિયર સિટિઝન્સ કૅટેગરીમાં ભાગ લઉં છું. હું દરેક મૅરથનમાં ઉઘાડા પગે ભાગ લઉં છું. હું જાતે જ તૈયાર થાઉં છું અને દર વખતે અનેકનો આદર મેળવું છું. આ ગેટઅપ પાછળનું સૌથી મોટું કારણ એ છે કે હું ઇચ્છું છું કે લોકો ગાંધીજીના સિદ્ધાંતોનું અનુકરણ કરતા શીખે. ઝેન-જી માટે પણ એ જ બે જાણીતા સિદ્ધાંત છે, સત્ય અને અહિંસા. ગાંધીજીના સિદ્ધાંતો અને મૂલ્યોને લોકો પોતાના જીવનમાં ઉતારતા શીખે એનો સંદેશ આપવાનો હંમેશાં મારો ઇરાદો હોય છે. એમાં હું 0.01 ટકા પણ સફળ થાઉં તો એને હું મારું સૌભાગ્ય ગણીશ. મેં અનુભવ્યું છે કે ભારત કરતાં વિદેશોમાં લોકો ગાંધીજીને વધુ માન આપે છે. મેં ભૂતકાળમાં મનીષા સાવલા સાથે ` નમો ગુર્જરી નમો સ્તુતે' નાટકમાં કામ કર્યું હતું અને એ નાટક ખૂબ લોકપ્રિય થયું હતું.'

--------------------
100થી વધુ મૅરથન દોડ્યો છું, ડાન્સની પણ ઝલક આપતો રહું છું

નરેશ તાલિયા, સુરત
` હું 78 વર્ષનો છું, પણ મૅરથનમાં દોડવાનો ક્રેઝ મારામાંથી જરાય ઓછો નથી થયો. મોજ કરું છું અને સ્વાસ્થ્ય જાળવી રાખું છું. મને એકેય બીમારી નથી. કોઈ દવા પણ નથી લેવી પડતી. થોડાં વર્ષો પહેલાં ઘૂંટણમાં દુખાવો શરૂ થયો હતો છતાં મૅરથનમાં દોડવાનું મેં નથી છોડ્યું. કુલ 100થી પણ વધુ મૅરથનમાં દોડ્યો છું અને એમાં ગુજરાતનાં અનેક શહેરો તેમ જ દિલ્હી તથા ચંડીગઢ પણ સામેલ છે. મૅરથન દોડ્યો હોઉં એવા ગુજરાતનાં શહેરો ગણાવું...સુરત, કોસંબા, અંકલેશ્વર, વડોદરા, અમદાવાદ, નવસારી, વલસાડ, વાપી, નારગોલ. આ ઉપરાંત રાજકોટ, મીઠાપુર અને જામનગરમાં હું 21 કિલોમીટરની મૅરથનમાં દોડ્યો છું અને ફિનિશ કરી છે. 1984થી 2026 સુધીમાં હું ખૂબ દોડ્યો છું. કોલ્હાપુર (મહારાષ્ટ્ર) સહિત 16 રાજ્યોની મૅરથનમાં દોડી ચૂક્યો છું. મૅરથનમાં ભાગ લીધા પછી હું સંગીતના તાલે ખૂબ નાચું છું અને મૅરથનમાં આવતા લોકોનું મનોરંજન કરું છું. સુરતમાં હું ઘેર-ઘેર જિમ્નેશ્યમની તાલીમ આપવા જાઉં છું અને યોગની પ્રૅક્ટિસ પણ કરાવું છું.'

--------------------
હરિત સમૃદ્ધિનો પ્રસાર, બાળકોના કલ્યાણનો સંદેશ

જીતુ રાઠોડ, લોઅર પરેલ
` અમે ઘણાં વર્ષોથી ટાટા ગ્રૂપનું પ્રતિનિધિત્વ મુંબઈ મૅરથનમાં કરીએ છીએ અને એમાં ખાસ કરીને આપણી હરિત સમૃદ્ધિ સાથે સાંકળીને સ્વસ્થ ભવિષ્યનો સંદેશ અહીં મૅરથનમાં ઉપસ્થિત લોકોને આપીએ છીએ તેમ જ મીડિયા મારફત અસંખ્ય લોકો સુધી પહોંચાડીએ છીએ. જરૂરતમંદ બાળકો તથા દિવ્યાંગોની સારસંભાળ અને તેમના જીવનમાં પરિવર્તન લાવવા શું કરવું તેમ જ તેમના કલ્યાણ માટે કેવા કાર્યો કરવા એનો મૅસેજ પણ લોકોને હું અને મારા સાથીઓ આપતા રહીએ છીએ.

--------------------
નાનપણમાં રનર્સને ચિયર-અપ કરતો, મૅરથને જ પ્રોફેશનલ બનાવ્યો

રોહન શાહ, પેડર રોડ
` હું છ-સાત વર્ષનો હતો ત્યારે મારા કઝિને મને પેડર રોડ પરથી મુંબઈ મૅરથન જોવાની ફરજ પાડી હતી. એ પહેલાં મને આ મૅરથન વિશે કંઈ જ જાણ નહોતી. ભિન્ન વય-જૂથના લોકો જેઓ અલગ પ્રકારની રહેણીકરણી ધરાવતા હોય તેમને સાથે મળીને દોડતા જોવાનું મને ખૂબ જ ગમ્યું હતું. મેં આપણે ત્યાં આવી સહિયારી દોડ ક્યારેય કલ્પી પણ નહોતી. અમે ત્યારે રનર્સને પાણીની બૉટલ અને ચૉકલેટ વહેંચતા હતા. આ બધું હું મારા ઘરથી પાંચ જ મિનિટના અંતરે (મારા ઘરઆંગણે જ કહો તો પણ ખોટું નથી) લોકોને આ રીતે ચિયર-અપ કરવાનો આનંદ લેતો હતો. મારા ઉપરાંત આસપાસના બીજા લોકો મારી જેમ આ સેવા આપતા હતા. ખાસ વાત એ છે કે મુંબઈ મૅરથને મને ખેલકૂદ સંબંધિત અથાક મહેનતની ભાવના, શિસ્તબદ્ધતા અને પ્રતિબદ્ધતા શીખવી અને હવે હું ટાટા મુંબઈ મૅરથનની જ પબ્લિક રિલેશન્સ (પી. આર.) ટીમનો મેમ્બર છું. ઍથ્લીટોનો આદર કરવાની આવી પ્રવૃત્તિએ મારા જીવનમાં પરિવર્તન લાવી દીધું હતું.

--------------------
ઘૂંટણમાં દુખાવા છતાં સતત પાંચમી ફુલ મૅરથન પૂરી કરી!

-ભરત કાપડિયા (મુંબઈ)
` આ મારી લાગલગાટ પાંચમી ફુલ મૅરથન હતી. ઘૂંટણમાં દુખાવો હોવા છતાં હું 42 કિલોમીટરની આ સૌથી લાંબી રેસ દોડ્યો અને પૂરી કરી. ઈશ્વરની કૃપા વિના આ સંભવ જ નહોતું. ચાહકોની શુભેચ્છા પણ કામ કરી ગઈ. હું આ સફળતા માટે સર્વેનો આભાર માનું છું.'

--------------------
વાગડ સમાજની રિદ્ધિએ સતત 32મી મૅરથન પૂર્ણ કરી

-રિદ્ધિ ઉર્મિલા ચંપક ગડા (ગિરગામ)
ટાટા મુંબઈ મૅરથનમાં 34 વર્ષીય રિદ્ધિ ઉર્મિલા ચંપક ગડા નામની અઘોઈ ગામની યુવતી છેલ્લા 19 વર્ષથી સક્રિય રીતે ભાગ લે છે. તે દર વર્ષે ચેમ્પિયન વિથ ડિસેબિલિટી કેટેગરીમાં પોતાના વાગડ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. તેણે 86 ટકા દિવ્યાંગતા સાથે કુલ મળીને સતત 32મી મૅરથન વ્હીલચેર સાથે પૂર્ણ કરી છે. આ વર્ષે તેણે 1.3 કિમીનું અંતર 13 મિનિટમાં વ્હીલચેર પર બેસીને પૂરું કર્યું હતું.

--------------------
` ગો ગ્રીન'ની થીમ, વૃક્ષ રોપવાની સલાહ

-મિતેન સત્રા (ગ્રાન્ટ રોડ)
મુંબઈ મૅરથનમાં મિતેન સત્રા તેમના પત્ની મિત્તલ અને તેમના ટ્વિન્સ બાળકો અક્ષ્ય અને લક્ષ્ય છેલ્લાં 16 વર્ષથી અલગ અલગ થીમ સાથે ડ્રીમ રનમાં ભાગ લે છે. આ વર્ષે તેમના બહેન ખ્યાતિ નંદા અને તેમના બાળકો સ્મિત તથા તનિષાએ પણ ભાગ લીધો હતો. આ વખતે તેમની થીમ `ગો ગ્રીન' હતી જેમાં પર્યાવરણને બચાવવા માટે ઝાડ રોપવા તેમ જ ઝાડ ન કાપવાના સંદેશ આપ્યા હતા.

--------------------
ફુલ મૅરથનથી આત્મવિશ્વાસ ખૂબ વધ્યો

- ધર્મેશ કાંતિલાલ સાવલા, ભીંસરા (કચ્છ)    
કચ્છના ભીંસરા ગામના 50 વર્ષીય બિઝનેસમેન ધર્મેશ કાંતિલાલ સાવલાએ ટાટા મુંબઈ મૅરથન 2026માં ફુલ મૅરથન (42.195 કિમી) 5 કલાક 25 મિનિટમાં પૂર્ણ કરી. છેલ્લાં છ વર્ષથી પ્રોફેશનલ ટ્રેઇનિંગ લેતા ધર્મેશે છેલ્લા 4 મહિનામાં સખ્ત તૈયારી કરી હતી. પરિવાર-મિત્રોના સમર્થનથી માઈન્ડ-બોડી-સૉલનું સંતુલન સાધ્યું. આ તેમની ત્રીજી મૅરથન હતી. નેચરલ ઘરેલુ ખોરાક પર આધારિત, પ્રોટીન સપ્લિમેન્ટ વગર તેઓ નિયમિત રનિંગ કરે છે. આ મૅરથનમાં 30 કિમી પછીના અસલી પડકારમાં તેમણે માનસિક નિયંત્રણથી રેસ ફિનિશ કરી હતી જેનાથી તેમનો આત્મવિશ્વાસ વધી ગયો તેમ જ નિર્ણયશક્તિમાં પણ વધારો થયો.

--------------------
દર વર્ષે દિવ્યાંગો છેક તામિલનાડુથી આવે મુંબઈ મૅરથનમાં ભાગ લેવા

તમિળનાડુના અઇકુડી ગામથી 10થી વધુ દિવ્યાંગો દર વર્ષે ટાટા મુંબઈ મૅરથનમાં ભાગ લેવા આવે છે. આ તમામ દિવ્યાંગો માટે વ્હીલચેર સૌથી મોટું જીવનસાથી છે. અમર સેવા સંગમ નામની સંસ્થા સાથે જોડાયેલા કલઈ મણીના મતે દિવ્યાંગજનોની ક્ષમતા, તેમના સ્વાસ્થ્યની સારસંભાળ તેમ જ તેમના માન-સન્માન વિશે લોકોમાં જાગૃતિ લાવવાના સંદેશ સાથે અમે મુંબઈ આવીએ છીએ. દીપક લાલ નામના દિવ્યાંગના મતે તેઓ અને તેમના સાથીઓ તમિળનાડુમાં અલગ અલગ પ્રકારની નોકરી કરે છે તેમ જ સમય મળે ત્યારે બાસ્કેટબૉલ તથા ક્રિકેટ સહિતની રમતોમાં પણ ભાગ લે છે.
--------------------
નક્સલવાદીના સુરંગ-બ્લાસ્ટમાં પગ ગુમાવ્યો, પણ મૅરથનમાં દોડવાની હિંમત ન ગુમાવી

મહારાષ્ટ્રમાં ઔરંગાબાદના છત્રપતિ સંભાજીનગર વિસ્તારમાંથી આવેલા અને નાઇબ સુબેદારની પદવી ધરાવી ચૂકેલા ભૂતપૂર્વ સૈનિક રમેશ સાવલેએ કહ્યું, ` 2020માં સિક્કિમમાં મેં નક્સલવાદીઓએ ગોઠવેલી સુરંગના ધડાકામાં પગ ગુમાવ્યો હતો. જોકે સમય જતાં મેં હિંમત એકઠી કરીને મુંબઈ મૅરથનમાં દોડવાની યોજના બનાવી અને આ વખતે પહેલી જ વખત ભાગ લેવા આવ્યો છું. મેં દિવ્યાંગોની કૅટેગરીમાં ભાગ લીધો અને શારીરિક રીતે અક્ષમ હોવા છતાં લક્ષ્ય કેવી રીતે સિદ્ધ કરાય એનો સંદેશ લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરી છે.

--------------------
વંદે માતરમના 150 વર્ષની જયંતી નિમિત્તે પશ્ચિમ રેલવેના 150 મેમ્બર મુંબઈ મૅરથનમાં

પશ્ચિમ રેલવેના જનરલ મૅનેજર વિવેકકુમાર ગુપ્તા તેમ જ વેસ્ટર્ન રેલવેના વરિષ્ઠ અધિકારીઓએ ટાટા મુંબઈ મૅરથનમાં ભાગ લીધો હતો. 50 મેમ્બર્સે ફુલ યુનિફોર્મમાં સજ્જ થઈને રેલવે પ્રવાસીઓ માટેના સલામતી તથા સમાજ સંબંધિત અન્ય સંદેશાનો દમદાર પ્રસાર કર્યો હતો. મૅરથન દરમ્યાન કુલ મળીને 150 સભ્યોએ ફિટનેસ તથા શિસ્તબદ્ધતાનો પણ જાગૃતિ સંદેશ આપ્યો હતો. અધિકારીઓમાં ટિકિટ ચેકિંગ સ્ટાફ, ટ્રેન મૅનેજર, કોચિંગ ડેપો સ્ટાફ તથા ટ્રૅકમેનનો સમાવેશ હતો. તેમણે ` રન ફૉર રેલ સેફ્ટી', ` રિસ્પેક્ટ ધ ટ્રૅક્સ' તેમ જ ` ટ્રૅકથી દૂર રહો, જીવંત રહો' અને ` મુંબઈ કી લાઇફલાઇન', ` વેસ્ટર્ન રેલવે કેર્સ' જેવા સ્લોગન સાથે સંદેશ ફેલાવ્યો હતો.

--------------------
અમેરિકન નાગરિક સહિત સાત સંત મૅરથનમાં દોડ્યા

દક્ષિણ ભારતનાં રાજ્યોમાં પ્રચલિત ઇશા ફાઉન્ડેશનના પૂર્ણમશા નામના મૂળ અમેરિકી નાગરિક સહિતના સાત સંતોએ ખાસ તમિળનાડુથી મુંબઈનો પ્રવાસ કરીને ટાટા મુંબઈ મૅરથનમાં ભાગ લીધો હતો. ચાર સંતોએ ફુલ મૅરથન પૂરી કરી હતી, જ્યારે ત્રણ મહિલા સાધ્વીઓએ ડ્રીન રનમાં ભાગ લીધો હતો. આ સંસ્થા તમિળનાડુના ગ્રામ્ય વિસ્તારોના ગરીબ તથા અનાથ બાળકોને શિક્ષણ પૂરું પાડે છે.
--------------------
વણકર સમાજની મહિલા પ્રતિનિધિઓ એક જ રંગના ડ્રેસમાં

મુંબઈમાં રહેતી વણકર સમાજની વિવિધ ભાષી મહિલા પ્રતિનિધિઓએ એકસરખા રંગની સાડીમાં સજ્જ થઈને મુંબઈ મૅરથનની ડ્રીમ રનમાં ભાગ લીધો હતો. આ તેમની ત્રીજી મુંબઈ મૅરથન હતી.