(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આંતરરાષ્ટ્રીય સ્તરે આજે ડૉલર ઈન્ડેક્સ અને ક્રૂડતેલના ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હોવા છતાં વૈશ્વિક વેપારોમાં પુનઃ અનિશ્ચિતતાઓ સપાટી પર આવવાની સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત વેચવાલીનું દબાણ ઉપરાંત આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં પીછેહઠ જળવાઈ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો આગલા બંધ સામે એક તબક્કે 23 પૈસાના કડાકા સાથે એક મહિનામાં બીજી વખત 91ની સપાટી કુદાવી ગયો હતો. જોકે, સત્રના અંતે નવ પૈસા ઘટીને 91.87ના મથાળે બંધ રહ્યો હતો.
ગ્રીનલેન્ડ પર કબજો કરવાની અમેરિકાની યોજનાનો વિરોધ કરનાર દેશો સામે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ટૅરિફ લાદવાની ધમકી ઉચ્ચારતા આજે વૈશ્વિક વેપારની ચિંતા ફરી સપાટી પર આવતા ટ્રેડરોનું માનસ ખરડાતા રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું કે આજે સત્રના આરંભે ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના 90.78ના બંધ સામે સુધારાના અન્ડરટોને 90.68ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 91.01 અને ઉપરમાં 90.65ની રેન્જમાં અથડાઈને અંતે નવ પૈસાના ઘટાડા સાથે 90.87ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગત શુક્રવારે ડૉલર સામે રૂપિયો 44 પૈસા તૂટ્યો હતો.
સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની એકતરફી વેચવાલી ઉપરાંત આજે બજારમાં નરમાઈનું વલણ, કોર્પોરેટ ક્ષેત્રની અને હેજરોની ડૉલરમાં વ્યાપક લેવાલી રહેતાં સતત ચોથા સત્રમાં ડૉલર સામે રૂપિયો દબાણ હેઠળ આવ્યો હોવાનું મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતા ઉમેર્યું હતું કે વૈશ્વિક બજારોમાં વધી રહેલાં જોખમો અને ગ્રીનલેન્ડના મુદ્દે અમેરિકા અને યુરોપિયન યુનિયન વચ્ચે ભૂરાજકીય તણાવ વધે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં આગામી ટૂંકા સમયગાળા દરમિયાન રૂપિયો દબાણ હેઠળ રહે તેવી શક્યતા જોતા રૂપિયો 90.60થી 91.30 આસપાસની રેન્જમાં રહેશે.
દરમિયાન આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 324.17 પૉઈન્ટનો અને 108.85 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો. તેમ જ ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 4346.13 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયામાં દબાણ વધ્યું હતું. જોકે, આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે 0.23 ટકા ઘટીને 98.97 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદાના ભાવ 0.94 ટકા ઘટીને બેરલદીઠ 63.53 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયાને અમુક અંશે ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.