અમદાવાદઃ ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા વિક્રમ ઠાકોરેએ રાજકારણમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અંબાજી ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના એક મેળાવડામાં વિક્રર્મ ઠાકોરે આ એલાન કર્યું હતું. અભિજિતિસિંહ બારડની આગેવાની હેઠળ શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રા નીકળી હતી. આ વિશાળ યાત્રામાં કલાકાર વિક્રમ ઠાકોરે જાહેરાત કરી હતી કે તેઓ આજે નહીં તો કાલે રાજકારણમાં જોડાશે. જોકે કયા પક્ષ સાથે અને ક્યારે જોડાશે, તે મામલે તેમણે કોઈ સ્પષ્ટતા કરી ન હતી. અભિનેતાએ જણાવ્યું હતું કે તેઓ દરેક પક્ષ સાથે સારા સંબંધો ધરાવે છે આથી ક્યા પક્ષ સાથે જોડાવું તે આવનાર સમયમાં નક્કી કરશે.
તેમણે અંબાજી ખાતે જાહેર મંચ પરથી કહ્યું હતું કે રાજકારણમાં આજે પણ ઘણા સારા આગેવાનો રાજકારણમાં સક્રિય છે, હું પણ આજે નહીં તો કાલે રાજકારણમાં જોડાઈશ. દરેક પાર્ટી સાથે સંબંધો ધરાવું છું એટલે કઈ પાર્ટીમાં જોડાઈશ તે સમય આવ્યે નક્કી કરી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આવનારી વિધાનસભાની 2027ની ચૂંટણીમાં અમારા સમાજનો વ્યક્તિ મુખ્ય પ્રધાન બને તેવી આશા સમાજને છે અને દરેક સમાજ આવું ઈચ્છતો હોય છે.
સમાજમાં એકતા આવે અને સમાજના યુવક-યુવતી શિક્ષણ મેળવી આગળ આવે તેવા પ્રયત્ન અમારે કરવા છે.
વિક્રમ ઠાકોર ઉત્તર ગુજરાતનું ઘણું જ પ્રસિદ્ધ નામ છે. ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ પણ પ્રભત્વ ધરાવે છે. બહુ બહોળો ચાહકવર્ગ ધરાવતા વિક્રમ ઠાકોરનું રાજકારણમાં સંભવિત પદાર્પણ મહત્વનું સાબિત થઈ શકે તેમ છે, તેમ રાજકીય નિષ્ણાતો ધરાવે છે.
Vikram Thakor