ભારતીયોમાં કાર્તિક અને સંજીવની ચૅમ્પિયનઃ મૂળ ગુજરાતનાં નિરમાબેન ઠાકોર
મુંબઈઃ ઇથિયોપિયા (Ethiopia)ના સ્પર્ધકોએ 21મી મુંબઈ મૅરથનમાં બન્ને સર્વોચ્ચ ટાઇટલ જીતીને ફરી એક વખત એશિયાની આ સૌથી લોકપ્રિય રેસમાં વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. પુરુષોમાં 41.195 કિલોમીટરની ફુલ મૅરથન ઇથિયોપિયાના ટૅડુ અબેટ ડેમેએ જીતી લીધી હતી. મહિલાઓમાં આ રેસમાં તેના જ દેશની યેશી કલાયુ ચેકોલેએ ટાઇટલ પર કબજો કર્યો હતો.
મુંબઈ મૅરથનમાં પહેલી વાર સ્પર્ધકો કોસ્ટલ રોડ પરથી દોડ્યા હતા. આ રોડ 2024માં તૈયાર થયો હતો.
ડેમેએ ફુલ મૅરથન બે કલાક, નવ મિનિટ, પંચાવન સેક્નડમાં પૂરી કરીને ચૅમ્પિયનપદ મેળવ્યું હતું. મહિલા વર્ગમાં યેશીએ આ સર્વોત્તમ દોડ 2ઃ25ઃ13ના ટાઇમિંગમાં પૂરી કરી હતી જે આ ઇવેન્ટનો પાંચમા નંબરનો ફાસ્ટેસ્ટ ટાઇમ છે. યેશીનું કારકિર્દીની આ પ્રથમ મૅરથન ચૅમ્પિયનપદ છે. બન્નેએ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.

21 મુંબઈ મૅરથન (Mumbai Marathon)માં સાતમી વખત એવું બન્યું જેમાં પુરુષ અને મહિલા, બન્ને વર્ગની સર્વોચ્ચ રેસ ઇથિયોપિયાના સ્પર્ધકોએ જીતી લીધી છે.
ફુલ મૅરથનમાં ભારતીયોમાં આ વખતે નવા વિજેતા મળ્યા. પુરુષોમાં (મુંબઈ મૅરથનમાં પહેલી વખત દોડનાર) કાર્તિક કરકેરા (2ઃ19.55) પ્રથમ સ્થાને આવ્યો હતો, જ્યારે મહિલા વર્ગમાં ભારતીયોમાં સંજીવની જાધવ (2ઃ49ઃ02) પહેલા નંબર પર આવી હતી. મેન્સમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન અનિશ થાપા (2ઃ20ઃ08) આ વખતે બીજા નંબર પર આવ્યો હતો અને રજત ચંદ્રક જીત્યો હતો. એ જ પ્રમાણે, મહિલાઓમાં મૂળ ગુજરાતની નિરમાબેન ઠાકોર (2ઃ49ઃ13) પણ સિલ્વર મેડલ જીતી હતી.

પુરુષોમાં ભારતીયોમાં ત્રીજા નંબરે પ્રદીપ ચૌધરી (2ઃ20ઃ49) હતો અને મહિલાઓમાં એ ક્રમે સોનમ (2ઃ49ઃ24) રહી હતી.
કોને કેટલું ઇનામ મળ્યું?
ફુલ મૅરથન (વિદેશી)
(1) ઇથિયોપિયાના ગોલ્ડ મેડલિસ્ટ ડેમેને 50,000 ડૉલર (45.36 લાખ રૂપિયા)
(1) ઇથિયોપિયાની ગોલ્ડ મેડલિસ્ટ યેશીને 50,000 ડૉલર (45.36 લાખ રૂપિયા)
(2) કેન્યાના સિલ્વર મેડલિસ્ટ લિઓનાર્ડ કિપ્રોટિચને 25,000 ડૉલર (22.67 લાખ રૂપિયા)
(2) ઇથિયોપિયાની સિલ્વર મેડલિસ્ટ કિડસૅન ગેબે્રમેધિનને 25,000 ડૉલર (22.67 લાખ રૂપિયા)
(3) એરિટ્રિયાના બ્રૉન્ઝ મેડલિસ્ટ મેર્હાવી કેસેત વેલ્ડમેરિયમને 15,000 ડૉલર (13.60 લાખ રૂપિયા)
(3) ઇથિયોપિયાની બ્રૉન્ઝ મેડલિસ્ટ ગૉજેમ એન્યેવને 15,000 ડૉલર (13.60 લાખ રૂપિયા)

ફુલ મૅરેથન (ભારતીયો)
(1) ગોલ્ડ મેડલિસ્ટ કાર્તિક કરકેરાને પાંચ લાખ રૂપિયા
(1) ગોલ્ડ મેડલિસ્ટ સંજીવની જાધવને પાંચ લાખ રૂપિયા
(2) સિલ્વર મેડલિસ્ટ અનિલ થાપાને ચાર લાખ રૂપિયા
(2) સિલ્વર મેડલિસ્ટ નિરમાબેન ઠાકોરને ચાર લાખ રૂપિયા
(3) બ્રૉન્ઝ મેડલિસ્ટ પ્રદીપ ચૌધરીને ત્રણ લાખ રૂપિયા
(3) બ્રૉન્ઝ મેડલિસ્ટ સોનમને ત્રણ લાખ રૂપિયા