નવી દિલ્હીઃ ભારતીય રેલ્વે તેની પ્રિમિયમ સેવાઓ વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 ટ્રેનો માટે ટિકિટ કેન્સલેશન અને રિફંડના નિયમોમાં ફેરફાર કર્યો છે. મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા રેલવે પેસેન્જર્સ સંશોધન નિયમ 2026 હેઠળ હવે મુસાફરોએ રિફંડ મેળવવા માટે વધારે સચેત રહેવું પડશે. જો ટિકિટ કેન્સલ કરાવતા સમયે સાવચેત ન રહ્યા તો નુકસાની ભોગવવી પડશે.
વંદે ભારત સ્લીપર એક્સપ્રેસના રિફંડના નવા નિયમો
વંદે ભારત સ્લીપર એક્સપ્રેસના રિફંડના નવા નિયમોની વાત કરવામાં આવે તો જો તમે ટ્રેન ઉપડવાના 72 કલાકથી વધુ સમય પહેલા ટિકિટ કેન્સલ કરો છો, તો 25% ભાડું કાપીને બાકીની રકમ પરત મળશે. ટ્રેન ઉપડવાના 72 કલાકથી 8 કલાકની વચ્ચે ટિકિટ રદ કરવા પર 50% ભાડું કાપવામાં આવશે. પરંતુ જો ટ્રેન ઉપડવામાં 8 કલાકથી ઓછો સમય બાકી હોય અને તમે ટિકિટ કેન્સલ કરો છો, તો કોઈ રિફન્ડ આપવામાં આવશે નહીં.
અમૃત ભારત-II અને અન્ય ટ્રેનોની સ્થિતિ
અમૃત ભારત-II એક્સપ્રેસની આરક્ષિત ટિકિટો (Reserved Tickets) પર પણ એ જ નિયમો લાગુ થશે જે વંદે ભારત સ્લીપર માટે નક્કી કરવામાં આવ્યા છે. જોકે, અમૃત ભારત-II ની અનારક્ષિત ટિકિટો (Unreserved Tickets) માટે જૂના નિયમો (નિયમ 5) જ અમલી રહેશે. વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત-II માટે ટિકિટ કેન્સલેશનની મર્યાદા 72 કલાક નક્કી કરવામાં આવી છે, જ્યારે અન્ય સામાન્ય ટ્રેનો માટે આ મર્યાદા હજુ પણ 48 કલાક જ છે. જો મુસાફર ટ્રેન ઉપડવાના 8 કલાક પહેલા સુધી ટિકિટ કેન્સલ ન કરે અથવા ઓનલાઈન TDR (Ticket Deposit Receipt) ફાઈલ ન કરે, તો તે રિફન્ડ માટે હકદાર ગણાશે નહીં.