અલીગઢ: ભારત અને ન્યુઝીલેન્ડની પુરુષ ક્રિકેટ ટીમો વચ્ચેની પાંચ T20 મેચની સિરીઝ આવતી કાલ બુધવારથી શરુ થવાની છે, આ સિરીઝ બાદ ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 શરુ થવાનો છે. એ પહેલા ભારતીય ટીમનો સ્ટાર વિસ્ફોટક બેટર રિંકુ સિંહ મુસીબતમાં ફસાયો છે. ગઈ કાલે સોમવારે ઉત્તરપ્રદેશના અલીગઢના એક પોલીસ સ્ટેશનમાં રિંકુ સિંહ વિરુદ્ધ કરણી સેનાના આગેવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે.
રિંકુએ તેના ફેસબુક એકાઉન્ટ પર શેર કરેલો એક AI-જનરેટેડ વિડીયો ઝડપથી વાયરલ થયો હતો, આ વિડીયોને કારણે કેટલાક લોકોએ ધાર્મિક લાગણીઓ દુભાઈ હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે.
શું છે વિડીયોમાં?
વીડિયોમાં જોવા મળે છે કે રિંકુ સિંહ સિક્સર ફટકારે છે, ત્યાર બાદ AI-જનરેટેડ વિઝ્યુઅલ્સ જોવા મળે છે, જેમાં હિન્દુ દેવતાઓ સનગ્લસીસ પહેરીને કારમાં જતા દેખાય છે અને બેકગ્રાઉન્ડમાં અંગ્રેજી ગીત વાગી રહ્યું છે.
આજકાલ ઇન્ટરનેટ પર આવા ઘણા વિડીયો શેર કરવામાં આવી રહ્યા છે, પરંતુ રિંકુ સ્ટાર ક્રિકેટર હોવાને કારણે હોબાળો મચી ગયો. કેટલાક ધાર્મિક સંગઠનોએ નારજગી વ્યક્ત કરી. કરણી સેના તરફથી આકરી પ્રતિક્રિયા આપવામાં આવી.

રિંકુ સિંહે જાહેરમાં માફી માંગે:
કરણી સેના જિલ્લા અધ્યક્ષ સુમિત તોમરે રિંકુને 'જેહાદી' ગણાવ્યો. તેમણે કહ્યું, “આપણા ભગવાનને ચશ્મા પહેરેલા અને અંગ્રેજી ગીતો પર નાચતા બતાવવાની વાત અમે સહન નહીં કરીએ, રિંકુ સિંહે જાહેરમાં સનાતન ધર્મની માફી માંગવી જોઈએ.”
આ વિડીયોમાં જે લખાણ લખેલું છે એ પરથી જાણવા મળે છે કે રીકુ એવું કહેવાનો પ્રયાસ કરી રહ્યો છે કે તેમને ભગવાનના આશીર્વાદને સફળતા મળી છે. ભગવાન શ્રદ્ધા અને અભાર વ્યક્ત કરવા તેણે આ વિડીયો પોસ્ટ કર્યો હતો. પરંતુ કેટલાક લોકોને આ વિડીયો વાંધાજનક લાગ્યો છે.
પોલીસે તપાસ શરુ કરી:
ફરિયાદને આધારે પોલીસે તપાસ શરુ કરી છે. આ વીડિયો કોણે એડિટ કર્યો એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
રીન્કુ તેની કારકિર્દીના એક મહત્વપૂર્ણ તબક્કામાં છે ત્યારે આ ફરિયાદને કારણે તેની સામે મુશ્કેલી ઉભી થઇ છે. રિંકુની ઓળખ નમ્ર સ્વભાવના વ્યક્તિ તરીકેની છે, આ વિવાદને કારણે ઘણા ચાહકોને આઘાત લાગ્યો છે.
આ ઘટનાએ એ પણ દર્શાવી રહી છે કે AI-જનરેટેડ કન્ટેન્ટ સોશિયલ મીડિયા પોસ્ટ્સ કરવાથી અણધારી મુશ્કેલી સર્જાઈ શકે છે.