નવી દિલ્હીઃ વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતાનો માહોલ પ્રવર્તી રહ્યો હોવા છતાં ભારતીય ફાર્માસ્યુટિકલની નિકાસ માટે બ્રાઝિલ અને નાઈજિરિયા મુખ્ય નિકાસ મથક તરીકે ઊભરી રહ્યા હોવાનું વાણિજ્ય મંત્રાલયે એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.
વાણિજ્ય મંત્રાલયની આંકડાકીય માહિતી અનુસાર ભારતીય ફાર્માની નિકાસ માટેના મુખ્ય મથક તરીકે નાઈજિરિયા સૌથી ઝડપથી ઊભરી રહ્યું છે. વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ આઠ મહિનામાં નાઈજિરિયા ખાતેની નિકાસ 14 ટકાના દરે વધીને 17.9 કરોડ ડૉલરના સ્તરે રહી હતી. તે જ પ્રમાણે ગત એપ્રિલથી નવેમ્બર દરમિયાન બ્રાઝિલ ખાતેની નિકાસ પણ વધીને 10 કરોડ ડૉલરની સપાટીએ પહોંચી છે.
આ બજારો વધી રહેલી સ્વાસ્થ્ય સંભાળની પહોંચ, જાહેર ખરીદીના વિસ્તરણ ભારતીય જેનેરિક દવાઓ પરની નિર્ભરતાને પ્રતિબિંબિત કરવાની સાથે સઘન રાષ્ટ્રોમાં પસંદગીના પુરવઠાકાર તરીકે ભારતની ભૂમિકાને પણ મજબૂત બનાવે છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
અત્રે નોંધનીય બાબત એ છે કે વર્તમાન નાણાકીય વર્ષમાં ગત એપ્રિલથી નવેમ્બર દરમિયાન દેશની ફાર્માસ્યુટિકલ નિકાસ 6.5 ટકા વધીને 20.48 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. આ સમયગાળા દરમિયાન સૌથી મોટા નિકાસ મથક તરીકે 31 ટકાના હિસ્સા સાથે અમેરિકા રહ્યું હતું, જ્યારે એકંદર વૃદ્ધિ પ્રોફાઈલ ઘણાં ભૌગોલિક વિસ્તારોમાં માગ વિસ્તરણ દર્શાવે છે જે ભારતના નિકાસ બાસ્કેટની સ્થિરતાને વધુ મજબૂત બનાવે છે, એમ અધિકારીએ ઉમેર્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમેરિકાની સાથે સાથે ફ્રાન્સ, નેધરલેન્ડ, કેનેડા, જર્મની અને દક્ષિણ આફ્રિકા ખાતેની નિકાસમાં પણ મક્કમ વૃદ્ધિ સાથે બજાર હિસ્સો પણ જળવાઈ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે નેધરલેન્ડ ખાતેની નિકાસમાં 5.8 કરોડ ડૉલર જેટલો વધારો થયો છે જે યુરોપિયન ફાર્માસ્યુટિકલ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક સાથે ભારતનું જોડાણ મજબૂત થઈ રહ્યું હોય તેવું દર્શાવે છે, એમ તેમણે ઉમેર્યું હતું.