નવી દિલ્હીઃ સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હીમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. મળતી વિગતો પ્રમાણે દ્વિપક્ષીય વાટાઘાટો દરમિયાન બંને દેશોના નેતાઓ વચ્ચે વ્યૂહાત્મક સંરક્ષણ ભાગીદારી, અવકાશ માળખાગત સુવિધાઓ અને ઉર્જા સુરક્ષા જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સહયોગ માટે ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો અને કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં છે.
UAE દર વર્ષે ભારતને 0.5 મિલિયન મેટ્રિક ટન LNG સપ્લાય કરશે
વધારે વિગતે વાત કરીએ તો, વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ ભારત અને યુએઈ શિખર સંમેલનને આગામી સમય માટે ખૂબ ખાસ અને મહત્વપૂર્ણ ગણાવ્યું છે. આ સાથે વ્યૂહાત્મક સંરક્ષણ ભાગીદારી માટે ફ્રેમવર્ક કરાર પર કામ કરવા માટે લેટર ઓફ ઇન્ટેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં છે. આમ તો યુએઈ ભારતને મોટા પ્રમાણમાં એલએનજીનું સુપ્લાયર રહ્યું છે. પરંતુ હવે યુએઈ હવે દર વર્ષે ભારતને 0.5 મિલિયન મેટ્રિક ટન LNG સપ્લાય કરશે, જેના કારણે ભારતને મોટા ફાયદો થવાનો છે.
બંને દેશોએ સરહદ પારના આતંકવાદ પર પણ ચર્ચા કરી
આ સાથે UAE ગુજકાતમાં ધોલેરા પ્રોજેક્ટ પર પણ રોકાણ કરશે તેવું આ જાણવા મળ્યું છે. બંને દેશોએ સરહદ પારના આતંકવાદ પર પણ ચર્ચા કરી અને આગળ આકરા પગલા લેવા માટે નિર્ણય કર્યો છે. અવકાશ ક્ષેત્રમાં માળખાગત સુવિધાઓ વિકસાવવામાં આવશે તે માટે સંયુક્ત પહેલ કરવામાં આવશે. ભારત અને યુએઈએ નાગરિક પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં ભાગીદારી શોધવાનું પણ નક્કી કર્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે, પ્રતિનિધિમંડળમાં અબુ ધાબી અને દુબઈના શાહી પરિવારોના સભ્યો તેમજ યુએઈના સંરક્ષણ પ્રધાન શેખ હમદાન પણ હાજર રહ્યાં હતાં.
ખાદ્ય સુરક્ષાના ક્ષેત્રોમાં પણ એમઓયૂ કરવામાં આવ્યાં છે, જેના કારણે ભારતના ખેડૂતોને ઘણો ફાયદો થશે અને ખાદ્ય સુરક્ષા વધારે મજબૂત થવાની છે. આ સાથે UAE એ ભારતમાં ડેટા સેન્ટર ક્ષમતા અને સુપરકોમ્પ્યુટિંગ ક્લસ્ટર ક્ષેત્રમાં પણ રોકાણ કરશે. જેના કારણે એઆઈમાં પણ સારો એવો સહયોગ મળી રહેશે.
UAE માં હવે ‘હાઉસ ઓફ ઈન્ડિયા’ બનાવવામાં આવશે
બંને દેશોના નેતાઓ વચ્ચે થયેલા સમજૂતી કરવામાં આ અન્ય પણ ઘણાં ક્ષેત્રોમાં રોકાણની આશા જોવા મળી છે. ભારતમાંથી અનેક લોકો UAE માં રહેવા માટે જાય છે. જેથી UAE માં રહેતા ભારતીયો માટે અબૂ ધાબીમાં હાઉસ ઓફ ઈન્ડિયા સ્થાપિત કરવાની જાહેતા કરી છે. આ હાઉસ ઓફ ઈન્ડિયામાં બંને દેશોના સહિયારા વારસાને પ્રદર્શિત કરવામાં આવશે. આ સાથે પશ્ચિમ એશિયામાં શાંતિ, સુરક્ષા અને સમુદ્ધિ માટે સાથે કામ કરવામાં આવશે. એટલું જ નહીં પરંતુ પશ્ચિમ એશિયા અને આફ્રિકામાં પણ નિકાસને વધારવા માટે કામ કરવામાં આવશે.
યુએઈના રાષ્ટ્રપતિ માત્ર 1.45 કલાક માટે જ ભારત આવ્યાં
મીડિયા અહેવાલો પ્રમાણે આ સંક્ષિપ્ત મુલાકાત દરમિયાન યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન માત્ર 1.45 કલાક માટે જ ભારત આવ્યાં હતાં, પરંતુ આ બેઠક 3 કલાક સુધી ચાલી હતી. જોકે તેમ છતાં પણ આ વિશ્વની સૌથી નાની વિદેશ યાત્રા કહેવાશે. આટલા ટૂંકા સમય માટે મોટા દેશના રાષ્ટ્રાધ્યક્ષનું આગમન આશ્ચર્યજનક હતું પરંતુ આ દરમિયાન અનેક મુદ્દાઓ પર બંને દેશોએ સમજૂતી કરાર કર્યાં હોવાનું મીડિયા અહેવાલો દ્વારા જાણવા મળ્યું છે.