ગૌરવ મશરૂવાળા
શાંતિલાલ સવારથી ચિંતામાં છે. અદાલતમાં એમના પર ચાલી રહેલા કરચોરીના કેસની આજે સુનાવણી થવાની છે. તેઓ સ્ટેનલેસ સ્ટીલ અને અન્ય ધાતુના સફળ વેપારી છે. ઈન્કમ-ટૅક્સ કમિશનરની ઑફિસના અધિકારીઓનું કહેવું છે કે શાંતિલાલે બહુ મોટી રકમની કરચોરી કરી છે.
ગઈ રાતે એમને એક સપનું આવેલું. સપનામાં શાંતિલાલ ભગવાનને વિનવણી કરી રહ્યા હતા...
શાંતિલાલ: ‘હે ભગવાન, મને બચાવી લે. ઈન્કમ-ટૅક્સવાળાઓ તોતિંગ રકમનો ટૅક્સ ભરવાની માગણી કરે છે. વ્યાજ અને દંડ અલગ. એટલું જ નહીં, સરકારને મારી વિરુદ્ધ કાયદેસર કામ ચલાવવા પણ કહ્યું છે. જો આમ થશે તો મારી આબરૂ ધૂળધાણી થઈ જશે...’
ભગવાન: ‘તેં આના વિશે પહેલાં કેમ ન વિચાર્યું?’
શાંતિલાલ: ‘મેં તો બધી ગોઠવણી કરી રાખેલી. હિસાબના ચોપડાઓમાં ઍકાઉન્ટન્ટ્સ પાસે બરાબર ઘાલમેલ કરાવી હતી. ઈન્કમ ટૅક્સના અધિકારીઓને પૈસા પણ ખવડાવ્યા હતા.’
ભગવાન: ‘તો પછી ક્યાં ગડબડ થઈ?’
શાંતિલાલ: ‘અરે મારો ઍકાઉન્ટન્ટ કાળાં નાણાંનો રેકર્ડ સગેવગે કરવાનું જ ભૂલી ગયો. એમાં આ ઉપાધિ થઈ.’
ભગવાન: ‘કાળું નાણું એટલે? મેં તો ક્યારેય કાળા રંગના પૈસા જોયા નથી.’
શાંતિલાલ: ‘ના ના, આ તો કોડવર્ડ છે. જે આવક સરકાર સામે જાહેર કરવામાં ન આવે એને કાળું નાણું કહેવાય.’
ભગવાન: ‘ઓહો, હવે સમજ્યો, પણ મારો એક સવાલ છે.’
શાંતિલાલ: ‘શું ભગવાન?’
ભગવાન: ‘તેં મને મારો ભાગ તો આપ્યો જ નથી. એના માટે શું કોડવર્ડ રાખ્યો છે?’
શાંતિલાલ: ‘આ તમે શું કહો છો, ભગવાન? મેં તો તમને નિયમિતપણે તમારો હિસ્સો આપ્યો છે. મેં કેટલા બધા રૂપિયા દાનમાં આપ્યા છે એ તો જુઓ. સ્કૂલો, હૉસ્પિટલો, મંદિરો... મેં છૂટા હાથે દાન કર્યાં છે. અરે, આ બધી જગ્યાએ મારાં નામની તકતીઓ પણ મુકાવી છે.’
ભગવાન: ‘એ જ તો હું કહું છું. તકતીઓ પર તારું નામ છે. મારું નામ ક્યાં છે? જો તેં મારા વતી દાન કર્યાં હોય તો મારું નામ હોવું જોઈએને?’
શાંતિલાલ: ‘અચ્છા, એટલે તમે કહો છો કે બધે તમારું નામ હોવું જોઈએ. મને ખબર નહીં કે તમને પણ નામનો આટલો મોહ હશે. ઠીક છે. એક કામ કરો. મને આ કોર્ટ કેસના બખેડામાંથી હેમખેમ બહાર કાઢો. હું તમારા નામે મસમોટાં દાન કરીશ, એટલું જ નહીં, તમને પાંચસો ગ્રામ સોનું પણ ચડાવીશ. બસ?’
ભગવાન: ‘તારે મારા પર ભરોસો મૂકવો પડશે.’
શાંતિલાલ: ‘મને તમારા પર પૂરો ભરોસો છે.’
ભગવાન: ‘તો પહેલાં મારા નામ મોટી રકમનું દાન કર... અને હા, એમાં ક્યાંય તારો ઉલ્લેખ ન થવો જોઈએ. આ ઉપરાંત મને 500 ગ્રામ સોનું પણ ચડાવ. આ બેય કામ થઈ જાય પછી હું તારું કામ કરી આપીશ.’
શાંતિલાલ: ‘ઓહ, એટલે તમને ઍડવાન્સ જોઈએ છે, એમને? તમારે પણ મારા પર ભરોસો મૂકવો પડશે.’
ભગવાન: ‘મેં તો તારા પર પહેલેથી ભરોસો મૂક્યો છે. તને ધનદોલત આપી, પણ તેં દાનધર્માદા તારા નામે કર્યાં. આ વખતે મારા પર વિશ્વાસ મૂક્યા વગર તારો છૂટકો નથી. ચાલ, લાવ મારું ઍડવાન્સ.’
બરાબર એ જ વખતે શાંતિલાલની પત્નીએ એમને ઊંઘમાંથી જગાડ્યા. સપનું અધૂરું રહી ગયું.
આપણું અસ્તિત્વ ઈશ્વરને કારણે છે. આપણી પાસે જે કંઈ છે તે સઘળું ઈશ્વરે જ આપેલું છે. તેથી આપણે સામો બદલો ચૂકવવો પડે. તે પણ કૃતજ્ઞતાના ભાવ સાથે. દાનધર્માદા સાથે આપણું નામ ન જોડીએ. અલબત્ત, હિસાબ-કિતાબ માટે અને ઈન્કમ-ટૅક્સની જરૂરિયાત પ્રમાણે આપ-લેની નોંધ જરૂર કરવી પડશે. ઔપચારિકતા ખાતર આ બધું કરવું પડે તે સમજી શકાય એવું છે, પણ મુદ્દો એ છે કે સમાજમાં પોતાનું નામ થાય તે માટે કે પોતાને બદલામાં કશુંક મળે તેવી અપેક્ષા સાથે દાન કરવાથી ઈશ્વર ખુશ થતો નથી.
ભગવાન તો ક્યારેય આપણને ધનદોલત આપતી વખતે ઉપર પોતાનું નામ કોતરાવતો નથી. અરે, પૈસા આવે ત્યારે ભગવાનને યાદ સુદ્ધાં ન કરીએ તો પણ એ આપણને આપતો જ રહે છે. કલ્પના કરો કે ઈશ્વર આપણને કંઈ પણ આપતાં પહેલાં તે વસ્તુ પર પોતાનું નામ કોતરાવતો હોત તો? ક્યારેક મને લાગે છે કે ભગવાને ખરેખર આ પ્રમાણે કરવું જોઈએ. એમનું નામ અત્ર તત્ર સર્વત્ર દૃશ્યમાન હોવું જોઈએ. કમસે કમ આ રીતે આપણે એમને યાદ તો કરત. સંપત્તિની ભૂખ રાખીશું તો ભિખારી બનીશું,
યોગિક વેલ્થ
॥ યોગિક વેલ્થ: કામ અને જીવન વચ્ચે સંતુલન લાવવા માટે દિવસના 8 કલાક કામ પાછળ ગાળો, 8 કલાક નિદ્રા, આરામ અને પોતાની જાતની સંભાળ લેવા પાછળ ગાળો તથા બાકીના 8 કલાક પરિવારસાથે ગાળો. ॥