Tue Jan 20 2026

Logo

White Logo

ફૂલોને ફૂલદાનીમાં ગોઠવવાનો આપણો જૂનો શોખ છે! : -

1 day ago
Author: Mumbai Samachar Purty
Video

કેનવાસ -અભિમન્યુ મોદી

ભલે દરેક દેશની સંસ્કૃતિ અલગ હોય પણ અમુક બાબત દરેક સંસ્કૃતિમાં એકસરખી હોય છે, જેમકે દરેક  સંસ્કૃતિમાં બાળકોને ફૂલ જેવા નિર્દોષ ગણવામાં આવે છે, પણ આધુનિક બાળઉછેર એ ફૂલો સાથે શું કરી રહ્યું છે?

પર્ફોર્મિંગ આર્ટ્સ કે દૃશ્ય શ્રાવ્ય કલા આપણને સૌને ગમે છે. એટલે તો આખું ભારત રોજના કલાકો રીલ જોવામાં કાઢે છે. ડાન્સ, મ્યુઝિક, નાટક, સિનેમા, રસ્તા પરનો ઝઘડો, ચિત્ર-વિચિત્ર વર્તન કરીને ધ્યાન ખેંચવું વગેરે હવે પરફોર્મન્સમાં ગણાય છે. બીજાની દિનચર્યા રેકોર્ડ થયેલી હોય તો એ જોવામાં પણ લાખો લોકોને રસ છે. પર્ફોર્મિંગ આર્ટ એટલે એવી કોઈ પણ કલા જેમાં કલાકારે પોતાના જ શરીરનો ઉપયોગ કરીને પરફોર્મન્સ આપવું પડે. વોઇસ રેકોર્ડિંગ કે એક્ટિંગ એ પર્ફોર્મિંગ આર્ટ થઈ, પણ ચિત્રકલા એ ખાનામાં ન આવે. ચિત્રકામ ફાઇન આર્ટ્સમાં આવે. એવી એક પ્રવૃત્તિ કે જરૂરિયાત જેને એક સમયે કલા ગણવામાં આવતી ન હતી એ હવે પર્ફોર્મિંગ આર્ટમાં આવી છે. તે કલા છે પેરેન્ટિંગ એટલે કે બાળઉછેર. 

એ જમાનો ગયો કે બાળકનો ઉછેર ઘરેલુ પ્રવૃત્તિ હતી. મોટા ફળિયામાં કે ચાલીમાં કે વસ્તારી કુટુંબમાં છોકરાઓ કેમ મોટા થઈ જતા એ ખબર ન રહેતી. બાજુબાજુમાં ઘરો હોય ને બધા પરિવારો વચ્ચે સુમેળભર્યો સંબંધ હોય તો છોકરાઓ ક્યાં જમી લે ને આખો દિવસ પસાર કરી લે એ એના સગા મા-બાપને ખબર ન પડે. જૂના સમયમાં ભાંડરડાં પણ વધુ રહેતાં. એટલે નાના- મોટા પ્રશ્નો તો ભાઈઓ-બહેનો વચ્ચે જ સોલ્વ થઈ જતા. મોટો પ્રશ્ન કે મુશ્કેલ સ્થિતિ આવે તો જ પિતાશ્રીને જાણ કરવાની રહેતી. આ પેરેન્ટિંગ ભારતીય સંસ્કૃતિએ જોયેલું છે. જો કે આ પેરેન્ટિંગ શબ્દ જ આજથી પચાસ વર્ષ પહેલાં ન હતો. 1970 પછી બાળઉછેર એક અલગ વિષય બન્યો અને એની ઉપર ચર્ચા થવા લાગી, પુસ્તકો લખાવા લાગ્યા અને વ્યાખ્યાનો થવા લાગ્યા. બાકી તો બાળકને ઉછેરવા વિશેની ચર્ચા પણ કરી શકાય એ કોઈને કલ્પના ન હતી. રડતા- બાખડતા- લડતા- ઝઘડતા, સારું -ખરાબ શીખતાં, ડહાપણના પાઠ ભણતાં બાળકો મોટાં થતાં. લગભગ દરેક બાળક પોતાનો રસ્તો જાતે કંડારતું. પણ એ સમય ગયો. પત્યો- ફિનિશ. બાળઉછેર હવે પ્રદર્શન માન્ય કલા થઈ ગઈ છે. 

હવે બાળકનો ઉછેર જ નથી થતો, એને પ્રસ્તુત કરવામાં આવે છે. બાળકના દરેક અચિવમેન્ટનું દસ્તાવેજીકરણ થાય છે. તેની દરેક સિદ્ધિને ગાઈ વગાડીને જાહેરમાં કહેવામાં આવે છે. બાળક ચાલતા શીખે તો પણ તેની પહેલી પા-પા-પગલી અનુભવવાને બદલે એની મા વીડિયો રેકોર્ડ કરીને ઇન્સ્ટાગ્રામમાં મૂકવા માટે અધીરી બની હોય છે. પહેલા મહેમાનો આવે તો એની સામે બાળકને ઊભું રાખીને એની પાસે પોએમનું પઠન થતું, હવે એ જ કામ રીલ થકી થાય છે. બાળક આંગણવાડીમાં જતું થાય કે ટેકવાન્ડો શીખવા જાય, બધું જ એના મા-બાપ માટે પરફોર્મન્સ છે. બાળક જન્મ્યું ન હોય ત્યારથી કરીને બાળક મોટું થઈ રહ્યું હોય એ બધી જ પ્રોસેસ સોસાયટીને બતાવવા માટે હોય છે. આમાં આપણને અંગત રીતે કોઈ વાંધો નથી  આ તો જસ્ટ, અત્યારની પ્રવર્તમાન પરિસ્થિતિનું સાક્ષીભાવે નિરીક્ષણ માત્ર છે. 

ઐતિહાસિક રીતે જોઈએ તો બાળઉછેર જરૂરિયાત જ હતી. જ્યારે માણસ ફક્ત ખેતી કરતો ત્યારે એવું માનવામાં આવતું કે જેટલાં વધુ બાળકો એટલા વધુ મજૂરો ખેતરમાં કામ કરી શકશે! માટે ધન એટલે જોરૂની સાથે બાળકને પણ ગણવામાં આવતા. માટે તો એ સમયમાં સાત-આઠ ભાઈ બહેન હોવા બહુ કોમન ટેંડેન્સી હતી. ગાંધીજીના ચાર દીકરા તો ઓછા કહેવાય. હવે આટલાં બધાં બાળકો ઘરમાં ફરતા, રમતા કે ભાખોડીયા ભરતા હોય તો એમને ‘મોટા કરવામાં’ ખાસ સમય ન ફાળવે. ભૂખ લાગે ત્યારે જમી લે, તરસ લાગે ત્યારે પાણી પી લે, જાતે ચાલતા ને બોલતા શીખી જાય. યુરોપ-ચાઇના-ભારતમાં ઔદ્યોગિકીકરણ શરૂ થયું એ પહેલાં તો બાળકો બીજાનું જોઈ જોઈને શીખી જતા, બાળકોને શીખવાડવા માટે ખાસ સમય ફાળવવામાં આવતો નહીં. આદતો કે આવડતો વારસામાં જ મળતા. 

 પણ પછી ઔદ્યોગિક ક્રાંતિ આવી. બાળકો મોટાં થઈને ખેતરોમાંથી કારખાને જવા લાગ્યાં. એ શીખવા માટે કલાસરૂમમાં જવું પડે. મોટી મોટી સ્કૂલો બનવા લાગી. અલગ અલગ એજ્યુકેશન બોર્ડ આવ્યા. બાળઉછેર ચોક્કસ સૂચનાઓ સાથે થવા લાગ્યું. શિસ્ત કેન્દ્રવર્તી વિચાર બન્યો. આજ્ઞાપાલન ગુણ ગણાવવા લાગ્યો. શાળાઓ શિક્ષાના કારખાના બનવા લાગી. તે સમયે પણ પેરેન્ટિંગ તો પ્રાઇવેટ જ હતું. 

આ બાળઉછેરના વૈશ્વિક ક્રમમાં આડો રસ્તો વીસમી સદીના અંતમાં ફંટાયો. વ્યક્તિગત સફળતાનું સ્થાન સામૂહિક પ્રશસ્તિ અને અનુજીવને લીધું. પહેલા બાળક પાસે એકમાત્ર જવાબદારી એ હતી કે ઘર-પરિવાર સંભાળી લેવા. હવે તો બાળક પાસેથી અપેક્ષા રાખવામાં આવી કે તે ખૂબ આગળ વધે, એના ફેમિલીનું અને દેશનું નામ રોશન કરે. માટે સરખામણીઓ થવા લાગી. ગળાકાપ સ્પર્ધાનો યુગ શરૂ થયો. નેક ટુ નેક કોમ્પિટિશનનો જમાનો શરૂ થયો અને બાળકના ગળા જ દુ:ખવા લાગ્યા કારણ કે આખો દિવસ નીચી મૂંડી કરીને ભણવાનું ને ગોખવાનું પ્રેશર આવ્યું. બાળકોની માર્કશીટ ગુણપત્રક ન રહેતા, શેરબજારનો પોર્ટફોલિયો બની ગયો. નેવું ટકાની વેલ્યૂ તો નેવુંના દાયકામાં જ રહી ન હતી. હવે પરસેન્ટાઇલના સમયમાં નવ્વાણું પોઇન્ટ નવ્વાણું ગુણ લાવનારા નવ્વાણું લાખ છોકરાં આખા દેશમાં મળી આવે. જાહેરાતોના તેજસ્વી તારલાઓની હારમાળામાં ચમકતા આ બાળકો શો-કેસની આઈટમ બની ગયા. બાળકની ઓળખ નામ અને અટકથી થતી, હવે એના રેન્કથી થવા લાગી. 

જોકે  અહીં સુધી હજુ કંઈક અંશે સારું હતું. સોશ્યલ મીડિયા આવ્યું એ ભેગું તો માનવજાત પેરેન્ટિંગમાં બધી સીમાઓને ઓળંગી રહી છે. સોશ્યલ મીડિયા આવ્યા પછીનું પેરેન્ટિંગ કેવું બન્યુ છે એની વાતો તો પછી કરીશું , પણ ત્યાં સુધી એટલું વિચારવાનું કે આપણે આપણાં બાળકોનો ખરો ઉછેર કરી રહ્યા છીએ ખરા? ઓર્ગેનિક શાકભાજીનો આગ્રહ રાખતા આપણે સૌ આપણા પેટને ઓર્ગેનિક પદ્ધતિથી મોટા કરી રહ્યા છીએ ખરા? આપણે ફૂલોને આપણી રીતે કટ કરીને બુકેમાં સજાવી રહ્યા છીએ  આ કેટલા અંશે યોગ્ય છે  એ પણ આપણે જ વિચારવાનું છે.