Tue Jan 20 2026

Logo

White Logo

ન્યૂઝીલેન્ડના વિઝાના બહાને ગાંધીનગરના : વેપારી સાથે ₹ 70 લાખની છેતરપિંડી...

1 day ago
Author: Devayat Khatana
Video

infocity police station gandhinagar gujarat


મકરબા અને દુબઈના બે ભાઈઓએ વર્ક પરમિટના નામે આચર્યું મોટું કૌભાંડ

(અમારા પ્રતિનિધિ તરફથી) 
અમદાવાદ
: વિદેશ જવાની ઘેલછામાં અનેક લોકોને ચૂનો લાગી ચૂક્યો છે તેમ છતાં આ લાલચ ઠગો માટે કમાણીનું સાધન બની ગઈ છે. ગાંધીનગર શહેરના કુડાસણ વિસ્તારમાં રહેતા અને ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો વ્યવસાય કરતા પ્રધ્યુમનસિંહ વાઘેલા સાથે ન્યુઝીલેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને રૂ. ૭૦ લાખની છેતરપિંડી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. અમદાવાદના મકરબા ખાતે ઓફિસ ધરાવતા અવધ જીતેન્દ્રભાઈ રાજગોર અને દુબઈ સ્થિત તેના ભાઈ સિધ્ધાર્થ જીતેન્દ્રભાઈ રાજગોરે ભેગા મળીને આ આખું કૌભાંડ આચર્યું હોવાની ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

એફઆઈઆરની વિગતો અનુસાર ફેબ્રુઆરી ૨૦૨૫માં પ્રધ્યુમનસિંહનો પરિચય તેમના સીએ દ્વારા અવધ રાજગોર સાથે થયો હતો. અવધે પોતે વિઝા કન્સલ્ટન્સીનું કામ કરતો હોવાનું જણાવી વિશ્વાસ જીતીને દુબઈમાં રહેતા તેના ભાઈ સિધ્ધાર્થ સાથે ફોન પર વાત કરાવી હતી. પ્રધ્યુમનસિંહના ભાઈના મિત્રો શુભમ પટેલ, ચેતન પટેલ, રાજ પટેલ અને મિતેષ પટેલને ન્યૂ ઝીલેન્ડ જવું હોવાથી આ બંને ભાઈઓએ માથાદીઠ રૂ. ૨૦ લાખ લેખે કુલ રૂ. ૮૦ લાખમાં વર્ક પરમિટ વિઝા કરી આપવાનો સોદો નક્કી કર્યો હતો.

ભોગ બનનાર પ્રધ્યુમનસિંહે એપ્રિલ ૨૦૨૫ થી સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ટુકડે-ટુકડે રોકડા તેમજ બેંક ટ્રાન્સફર દ્વારા કુલ રૂ. ૭૦,૦૦,૦૦૦ આ બંને ભાઈઓને ચૂકવ્યા હતા. વિશ્વાસ કેળવવા માટે આરોપીઓએ ન્યુઝીલેન્ડના ખોટા વિઝા લેટર્સ મોકલ્યા હતા અને ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૫ની કમ્બોડિયા થઈ ન્યુઝીલેન્ડ જવાની એર ટિકિટો પણ વોટ્સએપ પર મોકલી હતી. જોકે, જ્યારે ફરિયાદીએ અસલ દસ્તાવેજોની માંગણી કરી ત્યારે આરોપીઓએ વિઝામાં સમસ્યા હોવાનું કહી વાયદા શરૂ કર્યા હતા.

અંતે શંકા જતાં પ્રધ્યુમનસિંહે તપાસ કરાવી તો જાણવા મળ્યું કે એર ટિકિટો અને વિઝા લેટર્સ સંપૂર્ણપણે નકલી હતા. પોતાના પૈસા પરત માંગવા છતાં આરોપીઓએ રકમ પરત ન કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતા, પ્રધ્યુમનસિંહે અવધ રાજગોર અને સિધ્ધાર્થ રાજગોર વિરુદ્ધ કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.