અમદાવાદ: શહેરની હાઈ-સિક્યોરિટી ગણાતી સાબરમતી સેન્ટ્રલ જેલમાં શનિવારે વહેલી સવારે એક કેદીએ આત્મહત્યા કરી લેતા જેલ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. પંજાબના વતની એવા આ કાચા કામના કેદીએ જેલના બાથરૂમમાં જઈ ગળાફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાને પગલે જેલની સુરક્ષા અને કેદીઓની માનસિક સ્થિતિ પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે. જેલ સત્તાવાળાઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતક કેદીની ઓળખ 31 વર્ષીય નિશાનસિંહ લોહાર તરીકે થઈ છે, જે મૂળ પંજાબનો રહેવાસી હતો. વિરમગામ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના એક ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને ગત 8 જાન્યુઆરીના રોજ જ તેને સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે જેલમાં આવ્યાના 9 દિવસમાં શાંતિનિકેતન યાર્ડના બેરેક નંબર 4ના બાથરૂમમાં પોતાની પાઘડીના કપડાનો ઉપયોગ કરી ફાંસો ખાઈ લીધો હતો.
ઘટનાની જાણ થતા જ જેલના તબીબો ત્યાં પહોંચી ગયા હતા, પરંતુ તપાસ બાદ નિશાનસિંહને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જેલ પ્રશાસન દ્વારા આ મામલે રાણીપ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. પોલીસે જેલ પરિસરમાં પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને મૃતક પાસેથી કોઈ પણ પ્રકારની સ્યુસાઈડ નોટ મળી આવી નથી.
આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે કે શું કેદી માનસિક તણાવમાં હતો કે પછી અન્ય કોઈ કારણ હતું. માત્ર નવ દિવસ પહેલા જ જેલમાં આવેલા કેદીએ આવું અંતિમ પગલું કેમ ભર્યું તે એક મોટો પ્રશ્ન છે. રાણીપ પોલીસે જેલના અન્ય કેદીઓ અને ફરજ પરના કર્મચારીઓના નિવેદન લેવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે જેથી ઘટનાની કડીઓ જોડી શકાય