Tue Jan 20 2026

Logo

White Logo

ભારતનો યુવાવર્ગ: સંખ્યાની દ્રષ્ટિએ વિશાળ પણ યોગ્ય દિશાનો અભાવ : -

1 day ago
Author: Mumbai Samachar Team
Video

ફોકસ - શૈલેન્દ્ર સિંહ

દર વર્ષે દેશમાં 12 જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ તારીખ માત્ર એક ઔપચારિક કેલેન્ડર એન્ટ્રી નથી, પરંતુ સ્વામી વિવેકાનંદે યુવા શક્તિના રૂપમાં ચિન્હિત કરેલા વૈચારિક વારસાની યાદ અપાવે છે. સ્વામી વિવેકાનંદની દ્રષ્ટિએ યુવા એ વ્યક્તિ છે, જે સાહસી હોય, પ્રશ્ન પૂછનાર હોય અને રાષ્ટ્રના ભવિષ્ય માટે જવાબદારીઓનું વહન કરવા માટે તૈયાર હોય. પરંતુ વર્ષ 2026માં આવી પહોંચેલા ભારત સામે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ભારતીય યુવાનો માત્ર સંખ્યાની દ્રષ્ટિએ જ વિશ્વમાં સૌથી વધુ છે કે પછી તેમની પાસે ભવિષ્ય માટે યોગ્ય દિશા પણ છે? અત્રે નોંધનીય છે કે આજે ભારત વિશ્વનો સૌથી યુવાન દેશ છે. આપણી વસ્તીના 65 ટકાથી વધુ લોકો 35 વર્ષથી ઓછી વયના છે. દેશમાં લગભગ 40 કરોડ યુવાનો છે. આ આંકડો વિશ્વના કેટલાક દેશોની કુલ વસ્તી કરતાં પણ વધારે છે. આ યુવાનો ભારત માટે ડેમોગ્રાફિક ડિવિડન્ટ છે અને જો ચૂક થઇ તો ડેમોગ્રાફિક ડિઝાસ્ટર પણ બની શકે છે.

ભારતીય યુવાનોની વાસ્તવિક તસવીર

ભારતીય યુવાનો આજે એક સાથે અનેક વિરોધાભાસોમાં જીવી રહ્યા છે. એક બાજુ સ્ટાર્ટઅપ, ડિજિટલ પ્લેટફોર્મ, વૈશ્વિક તકો અને સોશ્યલ મીડિયાએ તેમને અવાજ આપ્યો છે. તો બીજી તરફ બેરોજગારી, સ્પર્ધાત્મક પરીક્ષાઓનું દબાણ, માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ અને ઓળખની અસુરક્ષાથી ઘેરાયેલા છે. છેલ્લા એક દાયકામાં ભારતમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને ડિગ્રી ધારકોની સંખ્યા ઝડપથી વધી છે, પરંતુ ડિગ્રી અને રોજગાર વચ્ચેનું અંતર પણ એટલું જ વધ્યું છે. આજનો યુવાન શિક્ષિત તો છે પણ આધુનિક રોજગારને લાયક નથી અથવા તો તેની સંખ્યા ખૂબ જ ઓછી છે. કારણ કે ટેક્નિકલ શિક્ષણ કે જે યુવાનોને આધુનિક નોકરીઓ માટે તૈયાર કરે છે તે ભારતમાં ખૂબ ખર્ચાળ છે. વળી તેમાં રોજગાર માટે જરૂરી ગુણવત્તાનો અભાવ છે. આ જ કારણ છે કે દેશમાં લાખો યુવાનો સરકારી નોકરીઓ માટે પરીક્ષાઓ આપવામાં અટવાયેલા રહે છે. જેના કારણે જરૂરી ઔદ્યોગિક ક્ષેત્રોમાં લાયક કામદારોનો અભાવ રહે છે.

યુવાનોને જરૂર છે સુરક્ષિત રોજગારની

આજનો યુવાન માત્ર નોકરી નથી ઇચ્છતો, તે સ્થિરતા અને સન્માન પણ ઇચ્છે છે, પરંતુ ભારતમાં વેગ પકડી રહેલી ગીગ ઇકોનોમી, કોન્ટ્રાક્ટ જોબ અને કામચલાઉ કામે એક નવા પ્રકારની અસુરક્ષા પેદા કરી છે કે તમે નોકરીમાં હોવા છતાં પણ પળેપળ અસુરક્ષિત અનુભવો છો. ભારતમાં લાખો યુવાનો ડિલિવરી બોયથી લઇને ક્ધટેન્ટ ક્રિએટિવના કામમાં લાગેલા છે અને પૈસા પણ કમાઇ રહ્યા છે. જોકે તેમનું ભવિષ્ય સુરક્ષિત નથી. ગ્રામીણ યુવાનો મોટા પ્રમાણમાં શહેરો તરફ પલાયન કરી રહ્યા છે, પરંતુ ન તો શહેરો પાસે તેને સમાવવાની ક્ષમતા છે અને ન તો ગ્રામીણ યુવાનો પાસે તેમને મૂલ્યવાન કામદારો બનાવી શકે તેવું જરૂરી કૌશલ્ય અને યોગ્યતા છે. આ કારણે માત્ર આર્થિક જ નહીં પરંતુ સામાજિક તણાવ પણ વધ્યો છે.

માનસિક સ્વાસ્થ્યનું ઘેરાતું સંકટ

આજે ભારતીય યુવાનો ગંભીર માનસિક સ્વાસ્થ્ય સંકટનો સામનો કરી રહ્યા છે. કારણ કે તેઓ પહેલા કરતાં વધુ એકલા પડી ગયા છે. સોશ્યલ મીડિયા સાથે સૌથી વધુ જોડાયેલા હોવા છતાં વાસ્તવિક જીવનમાં તેમના સપોર્ટ સિસ્ટમ બનવા માટે વિશ્વાસપાત્ર લોકો બહુ ઓછા છે. આ સિવાય- પરીક્ષામાં નિષ્ફળતા મળવી, અનિશ્ર્ચિત કારકિર્દી, કૌટુંબિક અપેક્ષાઓનો ભાર અને સરખામણી કરવાની જડ સંસ્કૃતિએ યુવાનોમાં ચિંતા, હતાશા અને આત્મ-શંકાના વલણમાં વધારો કર્યો છે.

દુર્ભાગ્યવશ માનસિક સ્વાસ્થ્યને નબળાઇ માનવામાં આવે છે. આજે ભારતીય યુવાનો પહેલા કરતાં વધુ રાજકીય રીતે જાગૃત બન્યા છે. આજનો યુવાન પ્રશ્ન કરે છે, દલીલ કરે છે અને વિરોધ પણ કરે છે. એવામાં સમસ્યા એ છે કે માહિતી અને અફવા તથા વિચાર અને ઉશ્કેરણી વચ્ચેનો તફાવત ઝાંખો પડી ગયો છે. સોશ્યલ મીડિયાએ યુવાનોને પ્લેટફોર્મ આપ્યું છે, પરંતુ ઊંડાણ શીખવ્યું નથી. પરિણામ એક ઝડપી પ્રક્રિયા, જેમાં લાંબાગાળાની વિચારસરણીનો અભાવ છે. જે ભારતીય યુવાનોની સમસ્યાને વધુ વિકટ બનાવે છે. આ તમામ વચ્ચે ભારતીય યુવાનોને સ્ટાર્ટઅપ અને નવીનતાની સંસ્કૃતિમાં આશાનું કિરણ દેખાઇ રહ્યું છે. તમામ પડકારો છતાં ભારતીય યુવાનો માત્ર નોકરીઓ શોધવાનું કામ નથી કરતાં પરંતુ મોટી સંખ્યામાં નોકરી પૂરી પાડતાં સ્ટાર્ટઅપ્સ વિશે પણ ઊંડાણપૂર્વક વિચારે છે. જેના કારણે આજે ભારત અમેરિકા પછી વિશ્વનું સૌથી મોટું સ્ટાર્ટઅપ હબ બન્યું છે.

વિવેકાનંદની કસોટી પર આજના યુવાનો ક્યાં છે?

સ્વામી વિવેકાનંદનું સૂત્ર છે કે ઊઠો, જાગો અને લક્ષ્ય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. પરંતુ પ્રશ્ન એ છે કે શું આજનો યુવાન વિચારસરણી અને દ્રઢતામાં વિવેકાનંદની આ કસોટી પર ખરો ઉતરે છે? જવાબ સંપૂર્ણપણે સંતોષકારક નથી. આજનો યુવાન જાગૃત અને સજાગ છે, પરંતુ તેમનું લક્ષ્ય મૂંઝવણભર્યું છે. વિવેકાનંદનો યુવાન ચરિત્ર, સાહસ અને સેવાની વાત કરતો હતો. જ્યારે આજનો યુવાન કારકિર્દી, સુરક્ષા અને ઓળખની મૂંઝવણમાં અટવાયેલો છે. આ દોષ નહીં પણ સમયની કસોટી છે. પરંતુ સવાલ એ છે કે આજના યુવાનો સમયની કસોટી પર ખરા ઉતરે છે? જવાબ છે ના. તો પછી આગળ પ્રશ્ન એ થાય કે સમાધાન ક્યાં છે? હકીકતમાં સમાધાન અહીં છે- શિક્ષણને કૌશલ્ય સાથે સાંકળવું પડશે. માનસિક સ્વાસ્થ્યને નીતિનો ભાગ બનાવવું પડશે. ગ્રામીણ યુવાનો માટે સ્થાનિક તકોનું સર્જન કરવું પડશે. રાજકીય ભાગીદારીને ભાવનાત્મક નહીં પણ તર્કસંગત બનાવવી પડશે.    

આંકડામાં ભારતીય યુવા

*ભારતની કુલ યુવા વસ્તી લગભગ 65 ટકા છે, જેમાં 15 થી 35 વર્ષ વયના લોકોનો સમાવેશ થાય છે.
*દર વર્ષે 1.2 કરોડ ભારતીય યુવાનો શ્રમ બજારમાં પ્રવેશ કરે છે.
*ઉચ્ચ શિક્ષણમાં ભારતીય યુવાનોનો પ્રવેશ દર લગભગ 28 ટકા છે.
*સ્કિલ ટ્રેનિંગ પ્રાપ્ત યુવાનોનું પ્રમાણ 20 ટકા કરતાં પણ ઓછું છે.
*શહેરી વિસ્તારોમાં બેરોજગારી દર ગ્રામીણ વિસ્તારો કરતાં સતત ઊંચો રહે છે.
તેથી રાષ્ટ્રીય યુવા દિવસ માત્ર ભાષણો અને ઘોષણાઓનો દિવસ ન રહેવો જોઇએ, પરંતુ નક્કર રણનીતિઓનો દિવસ હોવો જોઇએ. આજે ભારતના નીતિ ઘડવૈયાઓએ વિચારવું પડશે.
*શું આપણું શિક્ષણ રોજગાર સાથે સારી રીતે જોડાયેલું છે?
*શું યુવાનો માત્ર સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જ જન્મ્યા છે?
*શું માનસિક સ્વાસ્થ્ય હજુ પણ ‘ટેબુ’ બનીને જ રહેશે?
*શું સોશ્યલ મીડિયા યુવાનોમાં જાગૃતિ લાવી રહ્યું છે કે પછી તેને ગેરમાર્ગે દોરી રહ્યું છે? 
ખરેખર નીતિ નિર્માણમાં યુવાનોની ભાગીદારી શું છે? જ્યાં સુધી આપણા નીતિ ઘડવૈયાઓ આ મૂળભૂત પ્રશ્નોના સંતોષકારક જવાબ નહીં આપે ત્યાં સુધી યુવા દિવસની ઉજવણી માત્ર ઔપચારિકતા જ બનીને રહેશે.