Tue Jan 20 2026

Logo

White Logo

મંત્રીએ કેમ એ ઉદ્ઘાટન કરવાની ના પાડી? : -

1 day ago
Author: Mumbai Samachar Team
Video

ઊડતી વાત - ભરત વૈષ્ણવ

‘સાહેબ, મત વિસ્તારમાંથી અધિકારી આગેવાનો આપને મળવા આવ્યા છે.’ લળી લળીને પર્સનલ સેક્રેટરીએ મંત્રી ઉમંગ ઉદઘાટનિયાના કાનમાં કહ્યું. મંત્રીશ્રીનું નામ ઉમંગભાઇ. તેમને એક અટક હતી. પરંતુ, મંત્રીશ્રીના ઉદઘાટન કરવાના ઉત્સાહને લીધે ઉદઘાટનિયા અટક બની ગઈ.

‘બધાને બોલાવી લો.’ મંત્રીએ પર્સનલ સેક્રેટરીને સૂચના આપી.

‘આવો, આવો બધા કેમ રાવણું લઇને આવ્યા છો?’ મંત્રીએ આગેવાન-અધિકારીને ચેમ્બરમાં આવકાર આપ્યો.

‘આ તો અમને થયું કે સાહેબને ત્યાં ઘૂમરો એટલે કે આંટો મારતા જાય.’ તાલુકા પંચાયત પ્રમુખ કરસને વાતનો દોર આગળ વધાર્યો.

‘કોઇ કામ બામ ફામ લઇને આવ્યો છો?’

‘સાહેબ, કોઇ કામે આવ્યા નથી. ખાલી વાતોના તડાકા કરવા આવ્યા છીએ.’ જિલ્લા પંચાયત સભ્ય આભાબહેને મુલાકાતનો હેતુ સ્પષ્ટ કર્યોં.

‘રોડનો જોબ નંબર જોઇએ છે?’ 

મંત્રીએ પૂછયું.

મોટેભાગે રોડના કામની જ માથાકૂટ હોય. મંત્રી રોડનો જોબ નંબર ફાળવે પછી જ રોડ બનાવવાની વહીવટી, ટેક્નિકલ મંજૂરી મળે અને રોડના ટેન્ડર બહાર પડે.

‘ના સાહેબ, તમે છો પછી અમારે શેની ચંત્યા કરવાની?’ આભાબહેન આંખ નચાવતાં મીઠું હસીને બોલ્યાં. મંત્રી શ્રીના કોઠે બત્રીસ દીવા થઇ ગયા.

‘આરોગ્ય કેન્દ્ર, સેવા સદન કે આંગણવાડી જોઇએ છે? મોસાળમાં જમવાનું અને મંત્રી પીરસનાર છે. કોઇ ક્ષોભ કે સંકોચ રાખશો નહીં’ મંત્રી.

‘ના એટલે ના.’ રાવણું એક અવાજે માથું નકારમાં હલાવી બોલ્યું.

‘તો પછી તમારે તમારી સમસ્યા માટે મુખ્ય મંત્રી સાહેબને રજૂઆત કરવી છે? મારે તમને સીએમ સાહેબ પાસે લઇ જવાના છે?’ મંત્રીનું આશ્ર્ચર્ય શમતું ન હતું. 

‘અમારા માટે તો તમે જ સીએમ સાહેબ છો.’

‘સાહેબ, આજે તમે રાજીના રેડ થઇ જાવ એવી દરખાસ્ત લઇને આવ્યા છીએ.’ સૌ બોલ્યા.

‘હું સમજ્યો નહીં. તમે ફોડ પાડીને કહો.’

‘તમારે રવિવારે પાટડી આવવાનું છે.’

 મંત્રી પાટડી તાલુકાના ઇનચાર્જ એટલે કે પ્રભારી મંત્રી હતા.

‘શેના માટે પાટડી આવવાનું છે?’ મંત્રીનું કૂતુહલ શમતું ન હતું.

‘સાહેબ, આપના વરદ હસ્તે એક ઉદઘાટન કરાવવાનું છે.’ સૌ લોકોએ કહ્યું. ઉદઘાટનનું નામ સાંભળીને મંત્રીનો સૂતેલો આત્મા સડપ દઇને ઊભો થયો.

‘ઉદઘાટન કરવા માટે સાતે કામ પડતા મુકીને આવીશ.’ મંત્રીએ ઉદઘાટનવિષા પ્રગટ કરી.

મંત્રીજી ઉદઘાટન કરવાની પ્રવૃત્તિને અતિ પ્રિય પ્રવૃત્તિ ગણે છે. મંત્રીજી મંગળ ગ્રહ પર પણ ઉદઘાટન કરવા માટે લાંબાલસ થવા તત્પર હોય છે. રાત્રે બે વાગ્યે ઉદઘાટન કરવા તત્પર જ હોય. યજમાનને તકલીફ ન પડે તેટલે કાતર, રીબીન, તકતી, મીણબતી સાથે જ ફેરવે છે.

‘શેનું ઉદઘાટન કરવાનું છે? પ્રાથમિક શાળાના મકાનનું મારે ઉદઘાટન કરવાનું છે?’ મંત્રીએ સંભવિત ઉદધાટન વિશે પૂંછયું. 

‘તમારા હાથ આવું ઉદધાટન કરાવીને ખરાબ થોડા કરાય?’ કરસને પ્રાથમિક શાળાના ઉદઘાટનનો છેદ ઉડાડ્યો.

‘તો એસટી બસ છાપરીનું મારે ઉદઘાટન કરવાનું છે?’ મંત્રીએ પૃચ્છા કરી.

‘ના સાહેબ ના.’ આભાબહેન બોલ્યાં. 

‘ડેરીના શીતાગાર પ્લાંટનું મારે ઉદધાટન કરવાનું છે?’

‘એનું તો મામલતદાર સાહેબના હાથે ગયા વરસે ઉદઘાટન થઇ ગયું.’

‘તાલુકા પંચાયત કે મામલતદાર કચેરી એટલે કે તાલુકા સેવા સદનનું મારે ઉદઘાટન કરવાનું છે?’ મંત્રીએ ઉત્સાહમાં પૂછયું.

‘ના...’

‘તો ગ્રામ પંચાયત દ્વારા સ્ટ્રીટ લાઇટ યોજનાનું મારે ઉદઘાટન કરવાનું છે?’ મંત્રીએ અંધારામાં તીર માર્યું.

‘સાહેબ એવાં કામનાં ઉદઘાટન થોડાં કરવાના હોય?’

‘તો તો ફિટનેસ સેન્ટરનું મારે ઉદઘાટન કરવાનું હશે, ખરું કે નહીં?’ મંત્રીએ આવું કહીને હાથ ઉપર નીચે કરીને એકસરસાઇઝ કરી.

‘સાહેબ, તમારા હાથે ફિટનેસ સેન્ટરનું ઉદઘાટન કરાવીએ તો કોઇ માણસ એકસરસાઇઝ કરવા આવે જ નહીં.’ તાલુકા વિકાસ અધિકારી પરમારે ડરતાં ડરતાં કહ્યું. મંત્રીજીએ ખેલદિલી દાખવી.

‘હવે હું કલ્પના કરીને થાક્યો. તમે લોકો જ કહી દો કે મારા કરકમળ વડે શેનું ઉદઘાટન કરવાનું છે.’

‘સાહેબ, પાટડીમાં આપણી પાર્ટીની નગરપાલિકાએ એક યુનિક કામ કર્યું છે. તેનું તમારે ઉદઘાટન કરવું જ પડશે. સાહેબ ના પાડવાની ગુંજાયેશ જ નથી. આપણા લોકોનું નામ રાજ્યના વિકાસના ઇતિહાસમાં સુવર્ણ અને એ પણ સુગંધિત સોનાના અક્ષરે કાયમ માટે પથ્યર કી લકીરની માફક અંકિત થઇ જશે.’ તાલુકા પાર્ટી પ્રમુખ પશાલાલે પહેલી વાર મોઢું ખોલ્યું.

‘એવું તે કેવું વિકાસકામ?’ મંત્રી પણ છક્કડ ખાઇ ગયા.

‘આપણે પાટડીમાં એકવીસ કરોડના ખર્ચે તળાવનું રિનોવેશન, બ્યુટિફિકેશન અને રિવરફ્રન્ટના કામ હાથ ધરેલું.’ નગરપાલિકાના પ્રમુખ ભ્રષ્ટાચારકાંત બોલ્યા.

‘એક મિનિટ એક મિનિટ...પાટડીમાં નદી છે? પાટડીમાં કયાં કોઇ નદી આવેલ છે? નદી હોય તો રિવરફ્રન્ટનું કામ થાય ને?’ મંત્રીજીના પર્સનલ સેક્રેટરીએ કવેરી કાઢી.

હકીકતમાં આ કામ ભ્રષ્ટાચારનો અડો બની ગયેલ. આના પર ઢાંક પિછોડો કરવા આ કામને રિવરફ્રન્ટનું નામ આપવામાં આવે તો સૌની વાહવાહી થઇ જાય. મંત્રીને ઉદઘાટન કરવા માટે ભાગબટાઈમાં પાંચ ખોખાં એટલે કે પાંચ કરોડ રૂપિયા આપવાની ઓફર કરી. મંત્રીએ ધુમાડો જોઇ વિવાદના વડવાનલમાં કેરિયર ખત્મ થવાની શક્યતા જોઈને...

-ને મંત્રી ઉમંગ ઉદઘાટનિયાએ બે હાથ જોડી નદી વિનાના રિવરફ્રન્ટનું ઉદઘાટન કરવાની ધરાર મનાઇ કરી દીધી.