અમદાવાદ: અમદાવાદ કોર્પોરેશન શહેરમાં ગંદકી ફેલાવનાર લોકો વિરુદ્ધ એકશન મોડમાં આવ્યું છે. જેમાં શહેરમાં જાહેર રોડ ઉપર કચરો ફેંકી ગંદકી કરનારા વેપારીઓ દુકાનદારો સામે મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત શહેરના ગુરુકુળ રોડ, ઘાટલોડિયા સુરધારા સર્કલ, વસ્ત્રાપુર સહિત અલગ અલગ જગ્યા ઉપર ગંદકી કરનાર 9 દુકાનો અને રેસ્ટોરન્ટને મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર-પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સીલ કરી દેવામાં આવી હતી.
145 દુકાનો અને રેસ્ટોરન્ટને નોટિસ ઈશ્યૂ
ઉત્તર પશ્ચિમ ઝોન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ઘાટલોડિયા, ચાંદલોડિયા, ગોતા, થલતેજ, બોડકદેવ, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં ગંદકી કરનારા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવે છે. છેલ્લા બે દિવસમાં કુલ 100 જેટલી જગ્યા ઉપર તપાસ કરી ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ બદલ 145 દુકાનો અને રેસ્ટોરન્ટને નોટિસ ઈશ્યૂ કરી 28 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો હતો. 1.42 લાખ રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
વેપારીઓને સફાઈ રાખવા તાકીદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ અને સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા તમામ ઝોનમાં વેપારીઓને સફાઈ રાખવા તાકીદ કરવામાં આવી છે. તેમજ રોડ ને હોટલ રેસ્ટોરન્ટના રસોડામાં પણ ગંદકી ના કરવા સુચના આપવામાં આવી છે. જે અંગે સમયાંતરે તપાસ પણ હાથ ધરવામાં આવે છે. આ અંતર્ગત હેલ્થ વિભાગ દ્વારા દુકાનદારો અને વેપારીઓ પાસેથી વહીવટી ચાર્જ પણ વસુલ કરવામાં આવે છે.