મુંબઈ: એશિયાની સૌથી શ્રીમંત મુંબઈ મહાનગરપાલિકા પર છેલ્લાં પચીસ વર્ષથી વર્ચસ જમાવનારી ઠાકરેની સત્તાને ભાજપ અને શિંદેસેનાની યુતીએ માત આપી છે. મુંબઈમાં ભાજપનો ભગવો ફરકાવવામાં શિંદેસેનાનો સાથ મહત્ત્વનો સાબિત થયો હોવા છતાં આ ચૂંટણીમાં શિંદેસેના મોટા પક્ષ તરીકે ઊભરી ન હોવાનું ચિત્ર સામે આવી રહ્યું છે. જે મહાપાલિકામાં ભાજપ સાથે યુતીમાં શિંદેસેના લડી છે ત્યાં તેની નોંધપાત્ર કામગીરી રહી છે, પણ જ્યાં એકલી લડી છે ત્યાં શિંદેસેનાના હાંજા ગગડી ગયા હોવાનું નજરે પડે છે.
રાજ્યમાં મુંબઈ સહિત 29 મહાપાલિકાની ચૂંટણી ગુરુવારે થઈ અને શુક્રવારે તેનાં પરિણામ પણ આવી ગયાં. પરિણામ જોતાં શિંદેસેનાનો મતદારો પર કેટલો પ્રભાવ રહ્યો તે પણ સ્પષ્ટ થઈ ગયું છે. આ ચૂંટણીમાં ભાજપ અને શિંદેસેનાની યુતી મુંબઈ, થાણે, કલ્યાણ-ડોમ્બિવલી પૂરતી મર્યાદિત રહી હતી, જ્યારે નવી મુંબઈ, મીરા-ભાયંદર, વસઈ-વિરાર જેવી પ્રમુખ મહાપાલિકામાં ભાજપે શિંદેનો સાથ છોડ્યો હતો. છત્રપતિ સંભાજીનગરમાં તો છેક ચૂંટણી પહેલાં જ ભાજપ-શિંદેસેનાની યુતી તૂટી હતી. ત્યાં પણ શિંદેસેના કંઈ ખાસ ઉકાળી શકી નથી.
મુંબઈ મહાપાલિકામાં ભાજપ-શિંદેસેનાની યુતીએ સત્તાપરિવર્તન કરી નાખ્યું, જેમાં ભાજપને 89 અને શિંદેની શિવસેનાને 29 બેઠક પર વિજય મળ્યો. થાણેમાં ભાજપને 28 અને શિંદેસેનાને 75 તો કલ્યાણ-ડોમ્બિવલીમાં શિંદેસેનાને 54 અને ભાજપે 50 બેઠક પર સમાધાન માનવું પડ્યું. આ ત્રણેય મહાપાલિકામાં બન્ને પક્ષ યુતીમાં ચૂંટણી લડ્યા હતા.
જોકે નવી મુંબઈ મહાપાલિકામાં અલગ અલગ લડનારા ભાજપને 65 અને શિંદેસેનાને 43 સીટ મળી હતી. નાશિક મહાપાલિકામાં પણ ભાજપે સ્વબળે ચૂંટણી લડી અને 76 બેઠક પર વિજય મેળવ્યો, જ્યારે શિંદેસેના 29 સીટ પર જીતી. છત્રપતિ સંભાજીનગરમાં ભાજપ 57 અને શિંદેસેના માત્ર 13 બેઠક કબજે કરી શકી. પિંપરી-ચિંચવડમાં તો શિંદેસેનાની એનાથી જ કપરી સ્થિતિ હતી. અહીં ભાજપની 84 બેઠક સામે શિંદેસેનાને માત્ર છ બેઠક પર વિજય હાંસલ થયો.
સૌથી ચિંતાજનક બાબત પુણે મહાપાલિકામાં હતી. સ્વબળે લડનારા ભાજપે પુણેમાં 119 બેઠક જીતી, જ્યારે શિંદેસેના એકેય બેઠક મેળવી શકી નહોતી. મુંબઈને અડીને આવેલી મીરા-ભાયંદર મહાપાલિકામાં પણ ભાજપને 78, જ્યારે શિંદેસેનાને માત્ર 3 સીટ પર વિજય મળ્યો. આની સામે ઉલ્હાસનગરમાં ભાજપની 37 સામે શિંદેસેનાએ 36 બેઠક જીતી હતી.