ચૂંટણીના પરિણામથી બે પક્ષના કાર્યકરો વચ્ચે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હતી: સોડા બૉટલ, પથ્થરમારો અને તોડફોડ: પોલીસનો લાઠીચાર્જ
થાણે: મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ બાદથી ભિવંડીમાં તણાવભર્યો માહોલ હતો, જેમાં રવિવારની રાતે અચાનક ભડકો થયો હતો. બન્ને પક્ષના કાર્યકરોએ ભારે તોફાન મચાવી સોડા બૉટલ છૂટી ફેંકી હતી તો પથ્થરમારો કરી રાજકીય પક્ષની કચેરીમાં તોડફોડ કરી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ દંગલમાં બે પોલીસ સહિત છ જણ ઘવાયા હતા.
ભિવંડી-નિઝામપુર મહાપાલિકાના વૉર્ડ નંબર એકની ચૂંટણી પ્રતિષ્ઠાની બની ગઈ હતી. આ ચૂંટણીમાં સ્થાનિક રાજકીય પક્ષ કોણાર્ક વિકાસ આઘાડી (કેવીએ)ના વિલાસ પાટીલના દીકરા મયૂરેશ પાટીલે ભાજપના વિધાનસભ્ય મહેશ ચૌગુલેના પુત્ર મિત ચૌઘુલેને પરાસ્ત કર્યો હતો. પરિણામે ચૂંટણી પરિણામથી જ આ પરિસરમાં તંગદિલીભર્યું વાતાવરણ હતું.
કહેવાય છે કે દીકરાની જીત પછી ભૂતપૂર્વ મેયર વિલાસ પાટીલે રૅલી કાઢી હતી. રૅલી દરમિયાન કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો હતો, જેને પગલે ભાજપના કાર્યકરોમાં રોષ ફેલાયો હતો.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પાટીલના બંગલો પર પથ્થરમારો કરી તોડફોડ કરવામાં આવી હતી. આ કૃત્ય ચૌગુલેના સમર્થકો દ્વારા કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરી પાટીલના સમર્થકો કાનૂની કાર્યવાહીની માગણી સાથે રસ્તા પર ઊતર્યા હતા. કહેવાય છે કે કાર્યકરો પર સોડા બૉટલ અને પથ્થર ફેંકવામાં આવ્યા હતા, જેને પગલે મામલો બીચક્યો હતો.
કેવીએના કાર્યકરોએ પણ સામો પથ્થરમારો કરી તોફાન મચાવ્યું હતું. ભાજપની ઑફિસમાં ઘૂસી તોડફોડ કરવામાં આવી હતી. જોતજોતાંમાં શિવાજી ચોક પરિસરમાં બન્ને પક્ષના કાર્યકરો સામસામે આવી ગયા હતા, જેને પગલે સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ ઊભો થયો હતો.
રસ્તા પર ભારે હંગામા અને પથ્થરમારા તેમ જ પોલીસની મધ્યસ્થીના વીડિયો સોશ્યલ મીડિયા પર ખાસ્સા વાયરલ થયા હતા. ભાજપના વિધાનસભ્ય મહેશ ચૌગુલેએ તેમના વિરોધીઓએ ઘાતકી હુમલો કર્યો હોવાનું કહ્યું હતું. તેમણે ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.
જોકે કેવીએના વિલાસ પાટીલે આક્ષેપોને નકારી કાઢી ભાજપના કાર્યકરોએ હિંસાની શરૂઆત કરી હોવાનું જણાવ્યું હતું. ઝોન-2ના ડેપ્યુટી પોલીસ કમિશનર શશિકાંત બોરાટેએ જણાવ્યું હતું કે ટોળાએ પોલીસ સાથે પણ ધક્કામુક્કી કરી હતી. આ ઘટનામાં છ જણ ઘવાયા હતા, જેમાં એક પોલીસ અધિકારી અને એક કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. અન્ય ચારમાં બન્ને પક્ષના બે-બે કાર્યકર જખમી થયા હતા. સારવાર માટે તેમને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ટોળાને વીખેરવા પોલીસ લાઠીચાર્જ કરવો પડ્યો હતો. હાલમાં પરિસ્થિત કાબૂમાં છે છતાં વાતાવરણ તણાવભર્યું હોવાનું કહેવાય છે. ઘટનાસ્થળ આસપાસના પરિસરમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. નિઝામપુર પોલીસે આ પ્રકરણે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.