હાસ્ય વિનોદ - વિનોદ ભટ્ટ
તારીખ 24મી ડિસેમ્બર 1503માં જન્મેલ ડો. માઈકલ નોસ્ટ્રાડેમસ અત્યંત ચાલાક, શાણો અને સલામતીપ્રિય જ્યોતિષી હતો. આ કારણે આજથી લગભગ 500 થી વધુ વર્ષ પૂર્વે તેણે જે કોઈ આગાહીઓ કરેલી તે અતિ ગૂઢ, રહસ્યમય અને માત્ર તેને જ સમજાય એવી હતી.
આ ભવિષ્યવાણી તેણે તળપદી ફ્રેન્ચ, લેટિન જર્મન તેમ જ યિડિસ્ટ વગેરે ભાષાઓની ભેળસેળ સાથે કરી છે. ચાર લીટીના ઉખાણા જેવી અટપટી આ આગમવાણી છે, જે ઉકેલવામાં ભલભલા સ્કોલર્સ પણ ગોથાં ખાઈ જાય, છતાં ઉકેલી ન શકે એટલે પછી કોઈ મહત્ત્વની ઐતિહાસિક ઘટના બન્યા બાદ તેની ભવિષ્યવાણીઓના ઢગલામાંથી અનુકૂળ જણાતી કોઈ એક લીટીની આગહી સાથે એ ઘટનાને જોડી દઈને જાહેર કરાય કે જોયું, આ પ્રખર જ્યોતિષીએ કેટલી સચોટ આગાહી કરી છે! એ પછી તો નોસ્ટ્રાડેમસના પ્રભાવનો પ્રચાર એટલો બધો થઈ ગયો છે કે જ્યોતિષીમાં નહીં માનનારાઓ પણ તેણે ભાખેલા ભવિષ્યકથન રસપૂર્વક વાંચે છે. કહે છે કે, આ આર્ષદ્રષ્ટા પાસે કાચનો એક મોટો ગોળો હતો. તેમાં તેને જે કાંઈ દેખાતું એ બધું તેણે અપદ્યાગદ્ય શૈલીનાં કાવ્યો લખવાની પ્રેરણા નોસ્ટ્રાડેમસમાંથી મળી હોય.
તે રાણીનો પ્રિય જ્યોતિષી હતો. એટલે શાહી પરિવારની અને તેમના સ્વજનોને લગતા પ્રશ્ર્નોની આગાહીઓ કરતો. જેમકે ...
ક્યો રાજકુમાર રાજા નહિ થઈ શકે, ક્યો રાજા નવી રાણી લાવશે? પછી એ જૂની રાણીનું શું થશે? ક્યો ઉમરાવ તેને ભગાડી જશે? વગેરે. ઘણી રાણીઓ નોસ્ટ્રાડેમસને ખાનગીમાં મહામૂલી ભેટ-સોગાદો આપીને તેને પૂછી લેતી કે તેનો વર-રાજા આજકાલ કઈ કઈ કાળમુખીઓ સાથે રાસ ખેલી રહ્યો છે! બ્રિટનના રાજા અને ફ્રાન્સની રાણી વિએની વચ્ચેનો ગાઢ ગુપ્ત પ્રેમ ઉદ્ભવ્યા પહેલાં જ આ જ્યોતિષીએ પોતાની અલૌકિક શક્તિથી શોધી કાઢ્યો હતો. રાણીનો નવલખો હાર ખોવાઈ જશે ને પછી કેવી રીતે જડી જશે એની ભવિષ્યવાણી પણ તેણે ભાખી હતી. જોકે તેણે એવી આગાહી નહોતી કરી કે આ પ્રસંગના અનુસંધાને એલેકઝાન્ડર ડ્યૂમા એક ઐતિહાસિક નવલકથા ઢસડી મારશેને ઘણી પ્રતિષ્ઠા મેળવશે.
આ નોસ્ટ્રાડેમસ ડોક્ટર હતો ને તેય પાછો શરીરનો, શબ્દોનો (પીએચ.ડી.) ડોક્ટર નહીં. એના નગરમાં પ્લેગ ફાટી નીકળ્યો. તેની પત્ની તથા બન્ને સંતાનો પ્લેગમાં સપડાયાં. તબીબીશાસ્ત્રમાં કહેવાયું છે કે શાણો ડોક્ટર ક્યારેય પોતાના પરિવારની વ્યક્તિઓની સારવાર નથી કરતો, અન્ય હોંશિયાર ડોક્ટર પાસે સારવાર કરાવે છે, પણ ડોક્ટર તરીકે તેણે જ ટ્રિટમેન્ટ આપી છતાં, અથવા તો એ જ કારણે પત્ની તથા બાળકો પાછાં થયાં. એ વખતે એક જ્યોતિષી લેખે તે જાણી શકેલો નહીં કે તે (ધુરા વગરનો) વિધૂર થવાનો છે. આમ પોતાના કુટુંબ વિશેની આગાહીમાં જ તે નિષ્ફળ નીવડે લો.
વિખ્યાત જાસૂસી લેખક સર આર્થર કોનલ ડોઈલ માટે કહેવાય છે કે તે ડોક્ટર હતા. પણ તેમની પ્રેક્ટિસ બરાબર ચાલી નહીં એટલે તે શેરલોક હોમ્સ પરની વાર્તાઓ લખવાના કામે લાગી ગયા. એજ રીતે નોસ્ટ્રાડેમસની દાક્તરી જોઈએ એવી ચાલી નહીં હોય એ કારણે તે ઓછા જોખમી એવા જ્યોતિષીના વ્યવસાયમાં કૂદી પડ્યો હશે!
પોતાની આગમવાણીનો પ્રથમ ગ્રંથ તેણે ઈ.સ. 1568માં ‘લે પ્રોફેતિઝ દે એમ. માઈકલ દે નોસ્ટ્રાડેમસ’ના શીર્ષક હેઠળ પ્રગટ કર્યો. તેની ‘લે પ્રોફેતિઝ’ એટલે કે આગમવાણી દસ ભાગમાં વહેંચાયેલી છે. એ દરેક ખંડને તેણે ‘સેન્ચુરી’ નામ આપ્યું છે. દરેક પુસ્તકમાં 100 ચોપાઈ લખી છે. તેણે એક આગાહી એવી કરી હતી કે રાણી કેથેરિનનો પતિ ફ્રાન્સનો કિંગ હેન્રી બીજો પોતાની બેતાળીસમી બર્થ-ડે કેક નહીં કાપી શકે. પહેલા શતકની 35 નંબરની ચોપાઈમાં નીચે મુજબ લખ્યું છે:
‘યુવાન સિંહ પ્રૌઢને હરાવશે,
દ્વંદ્વયુદ્ધના મેદાનમાં,
સોનાના પિંજરમાં આંખ વીંધાશે
એક ઘામાં બે ઈજા - એનું ક્રૂર મોત થશે.’
આ આગાહી જાણીને રાણી કેથેરિને જ્યોતિષીને જણાવી દીધું હતું કે જો તારી આગાહી ખોટી પડશે તો તારું ડોકું કપાશે. તારી કહેલી તારીખે મારો પતિ નહીં મરે તો તારે મરવું પડશે. અને બીજું, ત્યાં સુધી તું પેરિસ છોડીને નહીં જઈ શકે. નોસ્ટ્રાડેમસ માટે તો આ ધંધો દાક્તરીના ધંધા કરતાં ય વધારે ખતરનાક કહેવાય. જ્યોતિષીના શરીરમાંથી કદાચ ભયનું લખલખુંય એ ક્ષણે પસાર થઈ ગયું હશે. તેની જગ્યાએ અમે હોત તો આ રાણીને મોઢામોઢ કહી દેત કે ‘મને તો કાચના ગોળામાં જે દેખાયું એ મેં તને જણાવ્યું. માનવું હોય તો માન, નહીં તો તારા વરની સાથે તુંય જહન્નમમાં જા... ’
પછી તો રાણીએ જ્યોતિષી મરે ને રાજાનો વાળ પણ વાંકો ન થાય એ માટે સખત સાવધાની રાખવા માંડી. રાજા પોતે રાજા હોવા છતાં તેને મહેલની બહાર જવા દેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. અંગરક્ષકો જ હુમલો ન કરી દે એ વાસ્તે એ અંગરક્ષકો ઉપર ચાંપતી નજર રાખવા બીજા અંગરક્ષકો રાખવામાં આવ્યા. રાજા ઘોડા પર બેઠો હોય ત્યારે તેને ઈજા થવાની આગાહી હતી એટલે તેને ઘોડેસવારી કરવાની પણ મનાઈ ફરમાવી દેવામાં આવી. તે લગ્ન કરવાના બહાના હેઠળ પણ ઘોડા પર સવાર ના થઈ જાય એની ખાસ તકેદારી રાખવામાં આવી. તેમ છતાં જે થવાનું હતું તે થઈને જ રહ્યું.
જ્યોતિષીને હજી ઘણી બધી આગાહીઓ કરવાની હોવાથી જ્યોતિષી બચી ગયો, રાજા ઊકલી ગયો. આથી, એટલે કે આ આગાહી સાચી પડવાથી ખુશ થઈને ઘણા લોકોએ જ્યોતિષી મનોમન કલ્પી શકે એ કરતાંય બહુ જ મોટી ફેન્ટાસ્ટિક કહી શકાય એટલી મોટી રકમ તેને ભેટસ્વરૂપે આપી. આ નોસ્ટ્રાડેમસ જો છાપામાં જ્યોતિષની કોલમ લખતો હોત તો પોતાની આ ભવિષ્યવાણી અંગે તેની કોલમમાં વચ્ચોવચ્ચ બોક્સ મુકાવત કે ‘ફલાણી તારીખ અંકમાં અમે એવી આગમવાણી ઉચ્ચારી હતી કે ફ્રાન્સના રાજા હેનરી બીજાનું આકસ્મિક અને કરુણ અવસાન થશે. (શતક એક: પાંત્રીસ) અમને જણાવતાં આનંદ અને ગર્વ થાય છે કે અમારી આ આગાહી સોએ સો ટકા સાચી પડી છે...! ’
નેપોલિયન બોનાપાર્ટ વિશે તેણે લખ્યું છે કે :
‘એના જેવું નામ કોઈ જ ફ્રેન્ચ નેતાનું નથી,
પ્રચંડ ભયાનક વાવાઝોડાની પેઠે તે આવશે,
ઈટાલી, સ્પેન, બ્રિટન એનાથી ધ્રૂજશે,
તેને વિદેશી સ્ત્રીઓનું ખૂબ આકર્ષણ હશે...
આપણે ત્યાં મુખ્યમંત્રીઓનાં નામ પણ બાબુભાઈ, ચીમનભાઈ, છબિલદાસ, કેશુભાઈ જેવાં હોય છે એ રીતે ફ્રાન્સના ઈતિહાસમાં રાજાઓનાં નામ એવાં પાડવામાં આવતાં જે પ્રજા સહેલાઈથી યાદ રાખી શકે,જેમકે લ્યૂઈ, ચાર્લ્સ, હેનરી વગેરે, પરંતુ નેપોલિયન નામ એ સમયની રૈયત માટે નવું ને અટપટું હતું. આ રાજાને સુંદરતા તરફ ઘણો પક્ષપાત રહેશે એ આગાહી પણ નેપોલિયનની મદદ મળવાથી સાચી પડી હતી. જેને માટે તે યુદ્ધના મેદાનમાંથી ભાગી આવતો હતો ને તેનાથી થાકી જતો ત્યારે ફરી પાછો યુદ્ધના મેદાનમાં ધસી જતો, એ સ્ત્રી જોસેફાઈન હતી. ખરેખર તે ફાઈન હતી. જોસેફાઈન પહેલાં તેની પ્રિયતમા હતી અને પછી પત્ની બની. તેની બીજી એક પત્ની મેરી લૂઈસા ઑસ્ટ્રેલિયન હતી. પોલેન્ડની અત્યંત સ્વરૂપવાન લલનાનું નામ પણ મેરી હતું એટલે એક જ નામની બબ્બે પત્ની એક જ ઘરમાં રહેતી હોય તો અનેક ગોટાળા થાય. આ કારણે એ મેરી વાલા વાસ્કાને તેણે મિસિસને બદલે મિસ્ટ્રેસનો દરજ્જો આપ્યો. નોસ્ટ્રાડેમસે નેપોલિયન વિશે બીજી પણ એવી કેટલીક આગાહીઓ કરી હતી અને એ કારણે આ જ્યોતિષી માટે તેના મનમાં ધૃણા હતી. નેપુ.માં પ્રેમ-પ્રકરણો વિશેય સાંકેતિક ભાષામાં તે ઘણું બધું ભાખી ગયો હતો એટલે જ્યોતિષીને એ ગૂઢ ભાષા તેમજ પતિના ચરિતર ઉકેલવાના હેતુથી નેપોલિયનની પત્ની જોસેફાઈન પોતાના ઓશીકાની નીચે (પતિથી છુપાવીને) ‘ધ પ્રોફેસીઝ’ પુસ્તક રાખતી, કારણ એ જ કે તેને તેના પતિના ભવિષ્ય કરતાં વર્તમાનમાં વધારે રસ હતો.
એમ તો અમેરિકન પ્રેસિડેન્ટ જ્હોન કેનેડીનું ખૂન થઈ જશે એવી આગાહી પણ તેણે કરી હતી. એટલું વળી સારું થયું કે નોસ્ટ્રાડેમસ કેનેડીના ખૂનની તેણે કરેલી ભવિષ્યવાણી સાચી પડી એ જાણવા તે પૃથ્વી પર રોકાયો નહીં. જો તે હયાત હોત ને દુનિયાના કોઈ પણ છેડે વસતો હોત તો પણ કેનેડીના ખૂન સબબ, તેની ધરપકડ નહીં તો છેવટે આપણી પોલીસ કરે છે એવી વિશિષ્ટ પ્રકારની પૂછપરછ તો ચોક્કસ થઈ હોત.
હિટલર વિશે તેણે જે ભવિષ્યકથન કરેલું એ પણ અક્ષરશ: સાચું પડ્યાનું કહેવાય છે. 1923માં હિટલરનો ઈન્ટરવ્યૂ લેનાર પત્રકાર જ્યોર્જ સીલ્વિસ્ટર વિયરેકે એ વખતે નોંધ્યું હતું કે ‘ધિસ મેન, ઈફ હિ લિવ્સ, વિલ મેઈક હિસ્ટ્રી ફોર બેટર ઑર ફોર વર્સ’ હિટલરે તે પત્રકારને સંપૂર્ણ સાચા પાડ્યો. જર્મનીનો જ નહીં, વિશ્ર્વનો ઈતિહાસ પોતાની રીતે ઘડવા તેણે ‘સન્નિષ્ઠ’ પ્રયાસ કર્યો હતો.
વિશ્ર્વયુદ્ધની સચોટ આગાહી નોસ્ટ્રાડેમસે કરી હતી, એટલે પછી ગોબેલ્સની દોરવણીથી ક્રાફ્ટ નામના જ્યોતિષીએ, તેની આગાહીઓને મરડીને એવું અર્થઘટન કાઢ્યું હતું કે હિટલર ક્યારેય હારશે નહીં, અજેય રહેશે. બાકી તેને એ સાચી આગાહીની પૂરી જાણ હોત તો કદાચ બીજું વિશ્ર્વયુદ્ધ ન થયું હોત ને હવે પછી ગમે ત્યારે ફાટી નીકળનાર યુદ્ધ ક્રમમાં ત્રીજું નહીં, બીજું વિશ્ર્વયુદ્ધ ગણાત.
જાપાનમાં હિરોશીમા અને નાગાસાકી પર અમેરિકાએ ઍટમબોમ્બ ઝીંક્યો તે અંગેની આગાહી આ પ્રમાણે છે: ‘સમુદ્ર કિનારાનાં બે શહેરો પર આગના ભડાકા તૂટી પડશે. ભૂખમરો, પ્લેગ અને રોગચાળામાં ફસાયેલા લોકો બચવા માટે પ્રભુને પ્રાર્થના કરશે.
સમુદ્રના કિનારા પર તો સેંકડો નગરો વસેલાં છે. એટલે હિરોશીમા અને નાગાસાકીના લોકોએ આ આગાહી અગાઉ જાણી હોત તો પણ એ તો એવું જ માનત કે આ કોઈ બીજા શહેરોની વાત હશે - આપણાં નગરોનો નામોલ્લેખ ક્યાં છે આગાહીમાં?
કેટલીક વાર બને છે એવું કે કવિને ખુદને એની કવિતામાં જે અર્થ અભિપ્રેત ન હોય તેવા અર્થો તેની કવિતામાંથી વિવેચકો પોતાના સામર્થ્યથી શોધી કાઢતા હોય છે. નોસ્ટ્રાડેમસના કિસ્સામાંય આવું જ થયું છે. તેની જાણ બહારના આજના કેટલાક જ્યોતિષીઓએ શોધી કાઢ્યું હતું કે હિટલરની જેમ શ્રીમતી ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી વિશેની આગાહીઓ પણ તેણે કરી છે. આમ તો ભારતે એ ભવિષ્યવેત્તાનું કશું જ બગાડ્યું નથી છતાં તેણે ઈસવી સન 1555માં એવી એક ભડકાવનારી આગાહી કર્યાનું જ્યોતિષીઓએ જાહેર કર્યું હતું કે ઈ.સ. 1999માં ઈટાલીની આ સ્ત્રી અર્થાત્ શ્રીમતી સોનિયા ગાંધી ભારતનાં વડા પ્રધાન બનશે. તેને પ્રાઈમમિનિસ્ટર બનતી કોઈ જ રોકી નહીં શકે, એટલું જ નહીં, તેણે તો એવી ધમકી પણ ઉચ્ચારી છે કે આ સબળા (તેની સાસુની જેમ) ઘણા લાંબા સમય સુધી સત્તા પર રહેશે. સાતમા શતકની ત્રેસઠમી કાવ્ય-પંકિતમાં તેણે ચોખ્ખું લખ્યું છે: ‘(પતિના ગુજરી ગયા બાદ) બીચારી એકલી પડી જશે. સાત સાત વર્ષ તે દુ:ખ અને આંસુઓમાં કાઢશે. ત્યાર બાદ તે સત્તા પર આવશે.’ (અને ત્યાર પછી તેનાં દુ:ખ અને આંસુ પ્રજામાં ટ્રાન્સફર થશે - ના, આ કૌંસવાળી આગાહી નોસ્ટ્રાડેમસે નથી કરી, કોઈ અવળચંડાની આ અવળીવાણી છે) આ પરથી કહી શકાય કે આ જ્યોતિષી રાજીવ ગાંધી કરતાંય પહેલાં સોનિયાજીને ઓળખતો હોવો જોઈએ. 1999ના વર્ષમાં ચૂંટણીઓ આવતી હતી એવામાં જ નોસ્ટ્રાડેમસના હવાલા સાથે સોનિયાજીના પ્રાઈમ-મિનિસ્ટર થવા અંગેની આગાહી અખબારોમાં પ્રગટ થઈ ત્યારે વિરોધપક્ષના જ નહીં, તેમના પક્ષના લોકોય ચોંકી ગયા હતા, ફફડી ગયા હતા. પણ પછી આ ભવિષ્યવાણી ખોટી પડી એટલે આખા દેશે હાશકારો અનુભવ્યો હતો, ઈશ્ર્વરમાં પ્રજાની શ્રદ્ધા વધી ગઈ હતી.
એમ તો નોસ્ટ્રાડેમસે છાતી ઠોકીને ભવિષ્યવાણી ભાખ્યાનું કહેવાય છે કે 1999માં ત્રીજું વિશ્ર્વયુદ્ધ સોએ સો ટકા થઈને જ રહેશે. આ આગાહી આ પ્રમાણે લખાઈ છે: ‘1999ના વર્ષમાં સાતમા મહિને, આકાશમાંથી ભયાનક ત્રાસવાદી રાજા ઊતરશે, જેની સાથે મોંગોલના રજાઓ હશે, આ ઘટના પહેલાં ભયાનક યુદ્ધ ચાલુ જ હશે.’ આના અનુસંધાને બીજી આગાહી આમ છે: ‘દુનિયા એના અંત નજીકના તબક્કામાં પ્રવેશે, શનિદેવ પાછો ફરતાં મોડો પડશે. વિશ્ર્વનું સામ્રાજ્ય કાળા રાષ્ટ્ર તરફ ખસે છે.’
નોસ્ટ્રાડેમસ ઉપરાંત જીન ડિક્સને પણ ભારપૂર્વક ભાખ્યું હતું કે 1999ના વર્ષમાં ત્રીજું વિશ્ર્વયુદ્ધ ફાટી નીકળશે. એમાં કોઈ મીનમેખ થનાર નથી. એ આગાહી સાચી પડી હોત તો? તો આ લેખ વાંચવામાંથી તમે બચી ગયા હોત... 1999ના વર્ષમાં ત્રીજું વિશ્ર્વયુદ્ધ ફાટી નીકળવાની નોસ્ટ્રાડેમસની આગાહી સદંતર ખોટી પડી એ તો જાણે સમજ્યા મારા ભૈ, બાકી તે ત્રિકાળજ્ઞાની આજે જીવિત હોત તો તેની આવી સચોટ આગાહી ખોટી કેમ પડી એનાં સચોટ કારણો આપવા તે અવશ્ય મથ્યો હોત...