મુંબઈ: બોલીવુડની લોકપ્રિય સિંગર નેહા કક્કડ હાલમાં તેની એક સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ભારે ચર્ચામાં છે. હંમેશા હસતી અને એનર્જીથી ભરપૂર દેખાતી નેહાએ અચાનક પોતાની પોસ્ટમાં જીવનની જવાબદારીઓ અને કામથી દૂરી બનાવવાની વાત કરતા સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે. નેહાની આ પોસ્ટ જોઈને તેના લાખો ચાહકો ચિંતામાં મુકાઈ ગયા છે અને તેના માનસિક સ્વાસ્થ્યને લઈને વિવિધ અટકળો લગાવી રહ્યા છે.
નેહાએ 19 જાન્યુઆરીના રોજ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક અત્યંત ભાવુક સંદેશ લખ્યો હતો. તેણે લખ્યું કે, "હવે સમય આવી ગયો છે કે હું મારી જવાબદારીઓ, સંબંધો અને કામમાંથી થોડો સમય માટે વિરામ લઉં.” આ પોસ્ટમાં તેણે ઉમેર્યું કે હું મારા કામ પર પરત ફરીશ કે નહીં એ મને નથી ખબર આભાર” આ પોસ્ટની સાથે તેણે હાથ જોડતી ઇમોજી પણ મૂકી હતી. આટલું જ નહીં, તેણે પોતાના શોસિયલ મીડિયા પર બીજી પોસ્ટ મુકતા પેપરાઝી (મીડિયા ફોટોગ્રાફર્સ) ને પણ વિનંતી કરી હતી કે તેને કેમેરામાં કેદ ન કરવામાં આવે અને તેની પ્રાઈવસીનું સન્માન કરવામાં આવે જેથી તે શાંતિથી જીવી શકે.
ઉલ્લેખનીય છે કે આ પોસ્ટ શેર કર્યાના અડધા કલાકની અંદર જ નેહાએ તેને ડિલીટ કરી દીધી હતી. જોકે, ત્યાં સુધીમાં તેના સ્ક્રીનશોટ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યા હતા. નેહાએ ભલે પોસ્ટ હટાવી દીધી હોય, પણ તેના મનમાં ચાલી રહેલી કશ્મકશ અને ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. ચાહકોનું માનવું છે કે નેહા કદાચ કોઈ અંગત કે વ્યાવસાયિક તણાવમાંથી પસાર થઈ રહી છે, જેને કારણે તેણે આટલું મોટું પગલું ભરવાની વાત કરી છે.
છેલ્લા કેટલાક સમયથી નેહા કક્કડ સતત ટ્રોલ્સના નિશાના પર રહી છે. તાજેતરમાં તેના 'લોલીપોપ' ગીતને કારણે સોશિયલ મીડિયા પર ખૂબ જ નેગેટિવિટીનો સામનો કરવો પડ્યો હતો. ગીતોની પસંદગી અને તેની સિંગિંગ સ્ટાઈલને લઈને અવારનવાર થતી ટીકાઓ કદાચ તેના પર માનસિક બોજ બની હોઈ શકે છે. જોકે, આ પોસ્ટ પાછળનું સાચું કારણ શું છે તે તો નેહા પોતે જ જણાવી શકે છે.
નેહા કક્કડના કરિયરની વાત કરીએ તો તે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીનું ખૂબ જ મોટું નામ છે. તેણે 'ઈન્ડિયન આઈડલ' જેવી રિયાલિટી શોથી શરૂઆત કરી હતી. ભલે તે શો ન જીતી શકી, પરંતુ આજે તે એ જ શોમાં જજની ખુરશી પર જોવા મળે છે. તેણે 'કાલા ચશ્મા', 'મિલે હો તુમ હમકો', 'દિલબર' અને 'આંખ મારે' જેવા અનેક સુપરહિટ ગીતો આપીને દેશભરમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. આજે તેના કરોડો ફેન્સ તેની સલામતી અને જલ્દી પરત ફરવાની પ્રાર્થના કરી રહ્યા છે.