(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં બહુમતી મેળવીને નંબર વન બની રહેલી ભાજપનો સ્ટ્રાઈક રેટ પણ સૌથી વધુ રહ્યો છે. તો ભાજપ બાદ સૌથી વધુ બેઠકો મેળવનારી શિવસેના (યુબીટી) નો સ્ટ્રાઈક રેટ બીજા નંબર રહ્યો છે. તો અજિત પવારની રાષ્ટ્રવાદી કરતા પણ વધુ મત મનસેને મળ્યા છે.
મુંબઈ મહાનગરપાલિકામાં ૨૫ વર્ષ સુધી શાસન કરનારા ઠાકરે પરિવારના એકહથ્થુ શાસનને ખતમ કરીને ભાજપે પાલિકા પર વર્ચસ્વ સ્થાપી દીધું છે. ચૂંટણીમાં ૮૯ સીટ મેળવનારી ભાજપની તરફેણમાં ૨૧.૫૮ ટકા મતદાન થયું છે. તો ૬૫ સીટ સાથે બીજા નંબરે રહેલી ઉદ્ધવની શિવસેનાને ચૂંટણીમાં ૧૩.૧૩ ટકા મત મળ્યા છે.
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં સત્તા મેળવવા માટે દરેક પક્ષે પોતાનું જોર લગાવ્યું હતું. મુંબઈ મહાનગરપાલિકામાં સત્તા મેળવવામાં પણ ભાજપ સફળ રહી છે. ભાજપ શિંદેની શિવસેના સાથે મેદાનમાં ઉતરી હતી. તો મહાવિકાસ આઘાડીમાં ઉદ્ધવની સેનાએ મનસે સાથે જોડાણ કરતા કૉંગ્રેસે તેમની સાથે જવાને બદલે મેદાનમાં એકલા ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો. તેથી ચૂંટણીમાં ભાજપ, બંને શિવસેના અને કૉંગ્રેસ વચ્ચે લડત જોવા મળી હતી, જેમાં મતોનું વિભાજન થવાનથી સરવાળે ફાયદો ભાજપને થયો અને ૮૯ સીટ સાથે ભવ્ય જીત મેળવી હતી.
પાલિકાની ચૂંટણીમાં ભાજપનો સ્ટ્રાઈક રેટ વધુ રહ્યો છે. બીજા નંબરે ઉદ્ધવની સેનાનો રહ્યો છે. તો સૌથી ઓછો સ્ટ્રાઈક રેટ અજિત પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસનો રહ્યો હતો.
ભાજપ ૨૨૭માંથી ૧૩૫ સીટ પર ચૂંટણી લડીને ૮૯ બેઠકો જીતતા તેનો સ્ટ્રાઈક રેટ ૬૬ ટકા રહ્યો હતો અને તેમને ૨૧.૫૮ ટકા મત મળ્યા છે. ઉદ્ધવની સેના ૧૬૦ બેઠકો પર ચૂંટણી લડીને ૬૫ બેઠક જીતતા તેમનો સ્ટ્રાઈક રેટ ૪૦.૬૨ હોઈ તેમને ચૂંટણીમાં ૧૩.૧૩ ટકા મત મળ્યા છે. શિંદેસેના ૯૦ બેઠકોમાંથી ૨૯ બેઠકો જીતી છે. તેમનો સ્ટ્રાઈક રેટ ૩૨.૨૨ ટકા હોઈ તેમને પાંચ ટકા મત મળ્યા છે.
કૉંગ્રેસ ૧૫૧ બેઠક પર ચૂંટણી લડીને ૨૪ બેઠક જીતતા તેનો સ્ટ્રાઈક રેટ ૧૫.૮૯ ટકા હોઈ તેને ચૂંટણીમાં ૪.૪૪ ટકા મત મળ્યા છે. જયારે શરદ પવારની રાષ્ટ્રવાદી ૧૧ બેઠકો પર ચૂંટણી લડીને માત્ર એક બેઠક જીતતા તેનો સ્ટ્રાઈક રેટ ૦.૯૦ ટકા રહ્યો હતો. જયારે મનસે ૫૩ બેઠક પર ચૂંટણી લડીને માત્ર છ બેઠક જીત્યું હતું. તેનો સ્ટ્રાઈક રેટ ૦.૮૬ ટકા હોઈ તેને ૧.૩૭ ટકા મત મળ્યા છે. જયારે અજિત પવારની રાષ્ટ્રવાદી ૩૭ બેઠકો પર ચૂંટણી લડીને ૩ બેઠો પર જીતી હતી અને તેનો સ્ટ્રાઈક રેટ મનસે કરતા પણ ઓછો એટલે કે ૦.૮૧ ટકા રહ્યો અને તેને ૦.૪૫ ટકા મત મળ્યા છે.