ઇન્દોરઃ માઇકલ બ્રેસવેલના સુકાનમાં ન્યૂ ઝીલૅન્ડ (New Zealand)ની ટીમે અહીં રવિવારે ભારત (India) સામેની ત્રીજી અને નિર્ણાયક વન-ડેમાં 50 ઓવરમાં આઠ વિકેટે 337 રન કરીને ભારતને 338 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો જેને લીધે ભારતે હવે સિરીઝથી બચવું થોડું મુશ્કેલ થઈ ગયું છે. કિવીઓની ટીમના એવરગ્રીન પ્લેયર અને ભારત માટે હંમેશાં માથાનો દુખાવો બની રહેતા ડેરિલ મિચલે (137 રન, 131 બૉલ, 198 મિનિટ, ત્રણ સિક્સર, પંદર ફોર) અને ગ્લેન ફિલિપ્સ (106 રન, 88 બૉલ, 139 મિનિટ, ત્રણ સિક્સર, નવ ફોર) સદી ફટકારીને ટીમ ઇન્ડિયા સામે મોટો પડકાર ફેંક્યો હતો.
અર્શદીપ સિંહ (10-1-63-3) અને હર્ષિત રાણા (10-0-84-3)એ ઇનિંગ્સની શરૂઆતમાં કિવીઓની ટીમને ઉપરાઉપરી ઝટકા આપ્યા હતા છતાં મિચલ-ફિલિપ્સની જોડીએ ચોથી વિકેટ માટે 219 રનની ભાગીદારી કરીને પોતાની ટીમને મોટા ટોટલની દિશામાં આગળ વધારી હતી.
આ બે સિવાય બીજો કોઈ બૅટ્સમૅન 30 રનનો આંકડો પણ પાર નહોતો કરી શક્યો. સિરીઝની બીજી મૅચના હીરો ડેરિલ મિચલે મગજ શાંત રાખીને તેમ જ ભારતીય બોલર્સ પર વર્ચસ્વ જમાવી રાખીને રનમશીન આગળ વધાર્યું હતું, જ્યારે સામા છેડેથી ગ્લેન ફિલિપ્સે દમદાર ઇનિંગ્સથી તેને સારો સાથ આપ્યો હતો.

એક તબક્કે ભારતીય ટીમનો મૅચ પર કાબૂ હતો, કારણકે કિવીઓએ 58 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે મિચલ-ફિલિપ્સની જોડીએ મૅચમાં સ્પર્ધાત્મક ખૂબ વધારી દીધી હતી.
એ પહેલાં, કૅપ્ટન શુભમન ગિલે આ નિર્ણાયક વન-ડેમાં ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી એની ફળશ્રુતિ તરત જ જોવા મળી. ન્યૂ ઝીલૅન્ડે પહેલા સાત બૉલમાં બે વિકેટ ગુમાવી દીધી હતી.
લેફ્ટ-આર્મ પેસ બોલર અર્શદીપ સિંહને પ્રસિદ્ધ ક્રિષ્નાને બદલે પ્લેઇંગ-ઇલેવનમાં લેવામાં આવ્યો એ નિર્ણય અર્શદીપે સાચો ઠરાવ્યો હતો, કારણકે તેણે ચોથા બૉલમાં કુલ પાંચ રનના સ્કોર પર હેન્રી નિકલ્સને ક્લીન બોલ્ડ કર્યો હતો.

નિકલ્સનો એ પહેલો જ બૉલ હતો. એ ઓવરના છેલ્લા બે બૉલ નખાયા ત્યાં તો નવી ઓવરના પહેલા જ બૉલમાં ડેવૉન કૉન્વેએ પણ વિકેટ ગુમાવી દીધી હતી. તેને હર્ષિત રાણાએ રોહિત શર્માના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.
કૉન્વેની વિકેટ વખતે પણ કુલ સ્કોર પાંચ રન હતો. સૌથી ડેન્જરસ બૅટ્સમૅન ડેરિલ મિચલ અને વિલ યંગે બાજી સંભાળી લીધી હતી અને છઠ્ઠી ઓવરને અંતે ટીમનો સ્કોર 2/27 ઉપર પહોંચ્યો હતો. વિલ યંગે પોતાના 30મા રને હર્ષિત રાણાના બૉલમાં જાડેજાના હાથમાં કૅચ આપી દીધો ત્યાર બાદ ભારતીય ટીમે લાંબા સમય સુધી મિચલ-ફિલિપ્સનો ધમાકેદાર શૉ જોવો પડ્યો હતો. મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવને એક-એક વિકેટ મળી હતી, પરંતુ નીતીશ કુમાર રેડ્ડીને 53 રન અને જાડેજાને 41 રનના ખર્ચ છતાં વિકેટ નહોતી મળી શકી.