Tue Jan 20 2026

Logo

White Logo

...આવી ખોટી માન્યતાથી દૂર રહેશો તો હતાશાથી જરૂર બચી જશો : સુખનો પાસવર્ડ

1 day ago
Author: Mumbaisamachar Team
Video

સુખનો પાસવર્ડ -  આશુ પટેલ

આઈએએસ ઇન્દ્રજીત મહથા

થોડા દિવસ અગાઉ એક યુવાને કોઈના રેફરન્સ સાથે મને કોલ કર્યો. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અભિનેતા તરીકે કામ મેળવવા મથી રહેલા તે યુવાને કહ્યું, ‘મને કોઈ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા અપાવો. હું બહુ દુ:ખી છું. હું બે વર્ષથી અભિનયની તક મેળવવા માટે મથી રહ્યો છું, પણ મને નાના-નાના રોલ મળે છે, કોઈ મોટી તક આપતું નથી. એટલે મારે રહેવા માટે, ખાવાપીવા માટે, જિમની ફી માટે અને મુંબઈમાં ટ્રાવેલિંગ માટે મારા ઘરેથી પૈસા મગાવવા પડે છે.’

તે યુવાનનું કુટુંબ આર્થિક રીતે સદ્ધર છે એટલે તેને મુંબઈમાં ટકી રહેવા માટે તેના ઘરેથી પૈસા મળતા રહે છે, પણ તેને એવું લાગે છે કે તે ઘણાં દુ:ખોનો સામનો કરી રહ્યો છે. મેં તેને એક યુવાનની વાત કરી જેનો ઇન્ટરવ્યૂ મેં એક યુ ટ્યૂબ ચેનલ પર જોયો હતો. ઈન્ટરવ્યૂ કરનારે તે યુવાનને પૂછ્યું કે ‘તમે જીવનમાં ઘણાં દુ:ખો સહન કર્યા, ખરું ને?’ ત્યારે તે યુવાને જવાબ આપ્યો, ‘મેં સંઘર્ષ કર્યો છે, મારા પર કોઈ દુ:ખ નથી પડ્યાં. દુ:ખ તો એ છે કે માણસ પોતાના કુટુંબથી વિખૂટો પડી જાય કે કોઈ નજીકની વ્યક્તિનું અકાળ મૃત્યુ થાય. સંઘર્ષ અને દુ:ખ વચ્ચે ઘણો તફાવત છે!’

ઝારખંડના એક નાનકડા ગામમાં જન્મેલા તે યુવાને પોતાની જિંદગી વિશે એ મુલાકાતમાં વાત કરી હતી. તેના ગરીબ ખેડૂત પિતાની આર્થિક હાલત એવી હતી કે ઘરના સભ્યો માત્ર ગોળ અને રોટી ખાઈને પેટ ભરતા હતા. એક સમય એવો આવ્યો કે તે યુવાનના કુટુંબ પાસે રહેવા માટે ઘર પણ નહોતું. ભાડાના મકાનમાં રહેતું હતું, પણ તેના પિતા ઘણા મહિનાઓ સુધી ભાડું ચૂકવી ન શક્યા એટલે મકાનમાલિકે મકાન ખાલી કરવા કહી દીધું. તેના પરિવારે મકાન ખાલી કરી આપવું પડ્યું. એ પછી તે યુવાનની બે નાની બહેનો સાથે તેની માતાએ પોતાના ભાઈના ઘરે જતાં રહેવું પડ્યું. તે યુવાન એ વખતે પાંચમા ધોરણમાં ભણતો હતો. તે બહુ તેજસ્વી વિદ્યાર્થી હતો. તેના પિતાએ દીકરાની સાથે મળીને ઈંટો અને ગારાનું કાચું મકાન જાતે બાંધ્યું અને બાપ-દીકરો એમાં રહેવા લાગ્યા. તે યુવાને એસ.એસ.સી. સુધી અભ્યાસ કર્યો પછી તેના ગરીબ પિતાએ તેને આગળ ભણાવવાનો નિર્ધાર કર્યો.

દીકરાએ પૂછ્યું : ‘આપણી પાસે પૈસા નથી તો હું કંઈ રીતે ભણીશ?’

ગરીબ પિતાએ જવાબ આપ્યો : ‘જરૂર પડશે તો હું મારી કિડની વેચી દઈશ, પણ તને ખૂબ ભણાવીશ.’

તે છોકરાને આગળ અભ્યાસ માટે શહેરમાં જવું પડ્યું. તેના ખેડૂત પિતાએ પોતાની થોડી જમીન વેચીને તેના અભ્યાસ માટે પૈસા ઊભા કર્યા. ખેડૂતના યુવાન બનેલા છોકરાના મનમાં આઈએએસ બનવાની મહત્ત્વાકાંક્ષા જાગી. તેના પિતાએ કહ્યું, ‘તું પૈસાની ચિંતા ન કરતો, બસ દિલ દઈને ભણતો રહે.’

તે યુવાને ખૂબ તૈયારી કરીને યુપીએસસીની પરીક્ષા આપી. જો કે એમાં તે નિષ્ફળ રહ્યો. એ વખતે તેના પિતાએ કહ્યું કે ‘તું મૂંઝાતો નહીં, તું કોશિશ ચાલુ રાખ. તેમણે તેમની બાકીની જમીન પણ વેચી નાખી અને દીકરાને ભણવા માટે પૈસા મોકલ્યા.
બીજી કોશિશમાં તે સફળ થયો અને આઈએએસ બન્યો. તે યુવાન એટલે આઈએએસ ઈન્દ્રજીત મહથા....

આઈએએસ ઇન્દ્રજીત મહથાએ એ મુલાકાતમાં કહ્યું હતું કે ‘લોકો સંઘર્ષ અને દુ:ખને એક જ ગણતા હોય છે, પરંતુ સંઘર્ષ અલગ છે અને દુ:ખ અલગ છે.’

એ કિસ્સો સાંભળીને હિન્દી ફિલ્મોમાં મોટી તક મેળવવા મથી રહેલા યુવાને કહ્યું, ‘ઓકે, ઓકે. હું દુ:ખી નથી, પણ સંઘર્ષ કરું છું.’

મેં તેને કહ્યું : ‘તું સંઘર્ષ કરે છે એમ પણ ન કહી શકાય.’

તે આશ્ર્ચર્યથી મારી સામે જોઈ રહ્યો. તેને લાગ્યું કે હું મજાક કરું છું એટલે મેં તેને જાણીતા ફિલ્મ અભિનેતા વિજય રાજની એક મુલાકાતની એક નાનકડી રીલ સોશ્યલ મીડિયા પર જોઈ હતી એની વાત કરી. એ રીલમાં વિજય રાજે કહ્યું હતું:  

‘એક ચોકીદાર પોતાના ચાર બાળકનું ભરણપોષણ કરવા માટે ના છૂટકે વોચમેન તરીકે કામ કરે છે અને મહિનાના માત્ર 12 હજાર રૂપિયાની આવકમાં પોતાના ચાર બાળકનું ભરણપોષણ કરે છે એ સંઘર્ષ છે. સંઘર્ષ એ નથી કે કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છા હોય એ કામ કરી રહી હોય અને એ કામમાં તેને સફળતા ન મળે. સંઘર્ષ એ છે કે કોઈ માણસને જે કામ ન કરવું હોય એ કરવું પડે. જેમ કે ચોકીદાર છે તેણે ચોકીદારી કરવી નથી હોતી, પરંતુ આર્થિક સંજોગોને કારણે તેણે એ કામ કરવું પડે છે એ સંઘર્ષ છે. બાકી પોતાને ગમતું કામ કોઈ માણસ કોઈ વ્યક્તિ કરતી હોય તો એ સંઘર્ષ નથી એ તેનો પ્રિવીલેજ - વિશેષ અધિકાર છે, જે એક ટકા જેટલી વ્યક્તિઓને પણ મળતો નથી હોતો. આપણે ત્યાં લોકો સંઘર્ષની વ્યાખ્યા અલગ રીતે કરતા હોય છે. કોઈ વ્યક્તિને જે સંઘર્ષ લાગતો હોય એ બીજી વ્યક્તિ માટે સંઘર્ષ ન હોઈ શકે. કોઈ વ્યક્તિ પોતાની ઇચ્છા ન હોય એ કામ કરતી હોય. પોતાની ઇચ્છાથી વિપરીત તેણે એ કામ કરવું પડતું હોય તો એ સંઘર્ષ છે.’

પેલા યુવાને કહ્યું : ‘એમ તો મને કોઈ આર્થિક તકલીફ નથી, પણ સાચું કહું તો મોટો બ્રેક ન મળે એ વાતથી હું ડિપ્રેશન અનુભવું છું.’

મેં તેને સમજાવ્યો : ધીરજ રાખ. અપવાદરૂપ કિસ્સાઓ સિવાય રાતોરાત સફળતા નથી મળી જતી. તારે હતાશાથી બચવું હોય તો સંઘર્ષ અને દુ:ખની ખોટી માન્યતાથી દૂર રહેવું જોઈએ.’

તે યુવાન જેવો કોઈ ઉચ્ચ મધ્યમવર્ગીય કુટુંબ કે શ્રીમંત કુટુંબનો યુવક મુંબઈ આવીને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનયની તક મેળવવા માટે કોશિશ કરતો હોય. એ સમયમાં તેની પાસે રહેવા માટે સારી સુવિધા હોય, તેની પાસે સારી કાર હોય, પરંતુ છતાં તે માનતો હોય છે કે હું સંઘર્ષ કરી રહ્યો છું. તે લક્ઝૂરીયસ કારમાં મીટિંગ્સ માટે જતો હોય, કોઈ ફિલ્મ પ્રોડક્શન ઓફિસમાં પ્રોડ્યુસરને મળવા જતો હોય તેને અભિનયની તક ન મળે અથવા તો અભિનયની તક મળે, પણ ફિલ્મમાં હીરો બનવાની તક ન મળે તો તે એવું માનતો હોય છે કે હું સંઘર્ષ કરી રહ્યો છું.

બીજી બાજુ કોઈ યુવાન કુટુંબને અત્યંત વિષમ આર્થિક સ્થિતિમાંથી બહાર કાઢવા માટે કોઈ દેશના કોઈ ગામડામાંથી કે નાનકડા શહેરમાંથી મુંબઈ કામ શોધવા આવ્યો હોય અને તેને સારા પગારની નોકરી ન મળે અથવા તો નોકરી જ ન મળે અને તેણે એક નાનકડી ઓરડીમાં સાત આઠ યુવાનો સાથે રહેવું પડતું હોય, તે પૈસા બચાવવા માટે દિવસમાં એક જ વખત ખાતો હોય અથવા તો માત્ર બિસ્કીટનું એક પેકેટ ખાઈને ઉપર પાણી પીને દિવસો વિતાવતો હોય તો એ સંઘર્ષ છે... માટે દુ:ખ અને સંઘર્ષ વચ્ચનો તફાવત સમજો અને હતાશામાં ના અટવાઈ જાવ ...