મોરારિબાપુ
સાધકે મનથી શું કરવાનું? મનથી અને બુદ્ધિથી ધર્મને સમજવાનો. જ્યારે ધર્મની જિજ્ઞાસા જાગે, ત્યારે ઋષિમુનિઓ ધર્મનું પાણી પાય. એમનેમ ન પકડાવી દે, તમે પકડી લ્યો. એવી ગતાનુગતિ ધર્મમાં ન ચાલે, બાપ! અને ગતાનુગતિ ધર્મે કેટલી વાર પ્રહારો સહન કર્યા છે. તૃષાતુરને પાણી આપો. ભૂખ લાગે ત્યારે ખૂબ જમાડો. પણ પેલો ના પાડે છે તો એને પરાણે જમવાનું ન કહો. બુદ્ધિથી ધર્મ સમજવાનો આ પહેલું સૂત્ર છે ‘માનસ’નું.
अथा तो ब्रह्मजिज्ञासा
अथा तो धर्मजिज्ञासा
अथा तो भक्तिजिज्ञासा
ભૂખ લાગે ત્યારે એને આપો. આપણે શું કરીએ છીએ કે નહિ, તને ખબર ન પડે તોયે તું પાળ અને પરિણામે યુવાન ધર્મથી દૂર થાતો જાય છે. એને છૂટ આપવી જોઈએ અને આ મૂળ મંત્રો છે. એને તમે પરાણે માળા ન આપો. ઘણા મારી પાસે પોતાના છોકરાઓને લઈને આવે, કહે કે બાપુ, તમે આના ગળામાં માળા નાખો ને. હું કહું કે હું કોઈને માળા આપતો જ નથી.
હું કોઈના ગળામાં કંઠી નાખતો જ નથી, મારું હાલે તો એનો કંઠ જ પકડું છું. કંઠી તો તોડી નાખે. ઘણા છોકરાઓને પરાણે પગે લગાડે, પગે લાગ બાપુને, પછી રોવે-નહીં. તમે એનામાં ભૂખ જાગવા દો, તમે એનામાં જિજ્ઞાસા જાગવા દો. પછી તમારું એ બાળક જે ધાર્મિક થશે, એ ક્રાંતિ કરશે. તમે ગતાનુગતિ પકડાવી દો, એનાથી એટલી ક્રાંતિ નહિ થાય.
શ્રી હનુમાનજી મહારાજ રામને કિષ્ક્ધિધામાં મળવા માટે આવ્યા, પણ જ્યાં સુધી કંઈ દેખાયું નહિ, ત્યાં સુધી માથું નથી નમાવ્યું. દંડવત્ તો પછી જ કર્યા છે. એક વ્યક્તિ આવી, મહાપુરુષ છે, એટલે આદર આપી દીધો, મસ્તક ઝુકાવ્યું. પણ ચરણસ્પર્શ-ચરણ પકડાવો વિધિ, તો જ્યારે પૂરેપૂરું જાણી લીધું ત્યારે જ પકડ્યા. આ પાઠથી તમે પરિચિત છો. ધર્મ તત્ત્વ અતિ ગુહ્ય છે.
યુવાન ભાઈ-બહેનો, ભગવાન મહાવીર સ્વામીએ ખાસ કહ્યું છે, મને એનું વાક્ય બહુ ગમે. બુદ્ધ પણ એવું જ બોલ્યા છે. બુદ્ધનાં વાક્યો અતિ સુંદર છે.
म्हणीपरिक्ष्य, भिक्ष्यो ग्राहाः मदवाच न तु गौरवात् |
મને દુનિયામાં લોકો બુદ્ધ કહે છે, આદર આપે છે, જ્યાં જાઉં ત્યાં હજારો લોકો મને ગ્રહે છે. बुद्धं शरणं गच्छामि| નો નારો હિંદુસ્તાન અને એની સરહદની બહાર લાગી ગયો છે. તો પણ હે ભિક્ષુ,તું એમનેમ મને નહીં પકડીશ. ‘परीक्ष्य, भिक्ष्यो ग्राह्य : मदवाच न तु गौरवात् ।- મારા ગૌરવને જોઇને તું મારા પગ ન પકડીશ. મારા મહિમાને જોઇને, મારી વાતને તું એમનેમ ન સ્વીકારી લે. ગતાનુગતિ ન કર. મારી વાણીની તું બુદ્ધિથી પરીક્ષા કર અને તારા અંત:કરણમાં ભૂખ જાગે અને મારી વાણી જો તને ખોરાકનું કામ કરતી હોય, ત્યારે તું એ વાણીને ગ્રહણ કર.
આપણે ત્યાં જે એમનેમ પકડાવી દેવાની વાત વચ્ચે આવી, એણે ઘણું નુકસાન કર્યું. એની બુદ્ધિ પ્રમાણે એને કરવા દો. એટલા માટે તો કૃષ્ણ ગીતામાં કહે છે કે મેં તો તને ઘણું કહ્યું, પણ તું તારી બુદ્ધિ પ્રમાણે કર. મેં તો તને ઘણું કહી દીધું, આખી ગીતા કહી, પણ તું તારી બુદ્ધિ પ્રમાણે નિર્ણય કર. તને પ્રજ્ઞા આપી છે,તું એનો ઉપયોગ કર. યુવાન ભાઈ-બહેનો માટે આ સૂત્ર જરૂરી છે. નિંદા ન કરો ધર્મની, ઉપેક્ષા પણ ન કરો ધર્મની, પણ ધર્મનું ચરણ ત્યારે જ પકડો, જ્યારે તમારામાં ભૂખ જાગે. પછી તમે જે પકડશો, એ વાત કંઈક જુદી જ હશે. એ સ્વરૂપ કંઈક જુદું જ હશે.
મુંબઈમાં સચિવાલયમાં એક હાજરીપત્રક-કોઈના પ્રવચનમાં સાંભળેલું, બન્યું હશે કે નહિ એ ખબર નહિ, જોકે આજકાલ આવું બનતું જ હોય છે કે આ હાજરીપત્રકમાં મોડા પડવાનું કારણ જે કર્મચારી મોડો આવે તે લખે કે ટ્રાફિક જામ હોવાથી, ને પછી ટૂંકી સહી કરે. પછી બીજો કર્મચારી જે આવે એ કંઈ જુએ નહિ, સદર ‘કરે ને સહી કરે.’ એક દિવસ એક સત્સંગી માણસ મોડો પડ્યો, ખોટું બોલે નહિ. એટલે એણે સાચું કારણ લખ્યું કે મારી પત્નીને પ્રસૂતિ કાળ નજીક હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવા ગયો હતો તેથી મોડો પડ્યો, આમ કરીને સહી કરી. એના પછી જેટલા આવ્યા, એ બધાએ સદર કર્યું. મૂઢ-વ્યવહારમાં આવું થાય, ત્યાં સુધી વાંધો નહિ. ધર્મમાં ન થવું જોઈએ. ધર્મ તો બધાનું પોતાનું આગવું ફૂલ છે બાપ!
બધા દેવતાઓએ પોતપોતાની રીતે સ્વતંત્રતાથી ફૂલો પસંદ કર્યા છે. કોઈએ દૂર્વા, કોઈ આંકડો, કોઈ ગુલાબ, કોઈ કમળ તો કોઈ મોરપીંછ પસંદ કરે, ક્યાંય ગતાનુગતિ નહીં. સૌની પોતપોતાની નિજતા અને સ્વતંત્રતા હોય છે. ‘મારી વાતને પરીક્ષા કરીને હે ભિક્ષુ તું પસંદ કર’. ન તું ગૌરવાત...મારા ગૌરવને જોઈને આંધળી દોટ ન મૂકીશ. મારો તો લોકો જયજયકાર કરે છે તેથી મારી વાત એમને એમ માની લેવાની જરૂર નથી.
તેમ મારે તમને પણ કહેવું છે કે રામાયણનાં સૂત્રોને તમે બરાબર પરીક્ષા કરી, કસોટી કરીને અને એ બરાબર છે એમ ન લાગે ત્યાં સુધી એમ ને એમ ન પકડશો. એને બરાબર પકડજો. મહાવીર સ્વામીએ પણ આવી જ ભાષામાં કહ્યું છે કે તમે મારું આંધળું અનુસરણ ન કરો. મને બરાબર જોજો. ભગવાન કૃષ્ણે તો આવી છૂટ આપી જ છે.
જેટલા જેટલા મહાપુરુષો થયા તેમણે આ વાતને બળ આપ્યું છે. શ્રી હનુમાનજીના જીવનમાં મન અને બુદ્ધિ દ્વારા ધર્મનો સ્વીકાર છે. એમણે ધર્મ સ્વરૂપ રામનાં ચરણો બુદ્ધિપૂર્વક પકડ્યા છે. આપણી અંદરના ધર્મને જ્યારે ભૂખ લાગે ત્યારે બુદ્ધિપૂર્વક એના પગ પકડો, એમ ને એમ નહીં. તરસ લાગે ત્યારે પાણી આપો. મારાં ભાઈ-બહેનો,આ ઉપદેશ નથી. હું તમારી સાથે ચર્ચા કરું છું અને એ પણ બુદ્ધના શબ્દોમાં ફરી ફરીને કહેવા માગું છું કે પરીક્ષ્ય ભીક્ષવો...ધર્મને તમે તમારી રીતે સમજજો અને પછી ગ્રહણ કરજો. યોગ્ય લાગે તો તમારું છે.
(સંકલન: જયદેવ માંકડ)