વડોદરાઃ અમદાવાદ બાદ વડોદરામાં પણ આજે ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું હતું. તંત્ર દ્વારા શહેરના યાકુતપુરા મદાર મહોલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. અહીં મકાનો તોડવા માટે નોટિસ અપાઈ હતી, તેમ છતાં સ્વેચ્છાએ ખાલી કર્યા નહોતા. આ અંગે સ્થાનિકો દ્વારા સોમવારે કલેકટરને આવેદનપત્ર આપીને વૈકલ્પિક વ્યવસ્થા કરવા પણ જણાવાયું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં અનેક ગેરકાયદે દબાણો હતા. 1995થી પ્રોસેસ ચાલતી હતી. ભૂતકાળમાં પણ અનેક હુકમો થયા હતા પરંતુ કોઈ અમલ થયો નહોતા. હાલ કોમર્શિયલ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. જે બાદ રહેણાંક મકાનો દૂર કરાશે. આ જગ્યા કોઈ ખાનગી માલિકીની નથી પરંતુ સરકારી સર્વે નંબર છે. અહીં કેટલાક ધાર્મિક સ્થાનો પણ બની ગયા છે, જે તમામને તોડી પાડવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા વાંદરવટ તળાવમાં આવેલા 420 રહેણાંક અને 30 કોમર્શિયલ દબાણ દૂર કરવાની કામગીરી આજથી શરૂ થઈ છે. કુલ ચાર તબક્કામાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવશે. વર્ષ 2010 પહેલા વસતા લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાશે. ઉપરાંત ધાર્મિક સિવાયના દબાણો હટાવાશે.
કામગીરી જોવા સ્થાનિકો ટોળે વળ્યા
દબાણ હટાવાની કામગીરીમાં 300 અધિકારીઓ-કર્મચારીઓ અને 500 પોલીસ જવાનો જોડાયા છે. 12 હિટાચી મશીન અને 4 જેસીબી મશીનની મદદથી દબાણ હટાવવામાં આવી રહ્યા છે. ડિમોલિશન કામગીરી જોવા માટે સ્થાનિકો ભેગા થયા છે, જેથી તમામને ઘરમાં રહેવા માટે જણાવાયું છે. ગેરકાયદેસર બાંધકામોની સાથે તળાવની બાજુમાં આવેલા ટીપી રોડને ખોલવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે. તળાવની બાજુમાંથી 18 અને 24 મીટરના રોડ પસાર થાય છે જે હાલમાં હયાત 8 મીટર જેટલા છે. જેથી રોડ ઉપર આવેલા આ તમામ ગેરકાયદેસર બાંધકામો ડિમોલિશન કરવામાં આવી રહ્યા છે.