(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજઃ મહા નવરાત્રીના ચાલી રહેલાં પર્વ વચ્ચે સરહદી કચ્છના બંદરીય શહેર માંડવીના લાખાસર ચોક ખાતેના મહિલા સ્નાનઘાટ નજીક આવેલા ત્રણ સદી પુરાણા વૈંકુઠરાયજીના મંદિરમાં ધોળા દિવસે ત્રાટકેલા તસ્કરો રાધાકૃષ્ણજીની ઐતિહાસિક મૂર્તિ, ઠાકુરજી પરના છત્રોની ચોરી થઇ જતાં ભાવિકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે.
પોલીસે તસ્કરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા
દિવસમાં બે વાર દર્શન માટે ખુલતા આ પુરાણા મંદિરમાં સવારે ૭થી ૧૦ દરમ્યાન ભક્તોએ દર્શન-વંદનનો લાભ લીધા બાદ સાંજના ચારેક વાગ્યે મંદિરના કમાડ ખોલતાં, વેરણ-છેરણ પડેલા સમાન વચ્ચે ગર્ભગૃહમાં બિરાજતી રાધાકૃષ્ણજીની પ્રતિમા શ્રદ્ધાળુઓને જોવા મળી નહોતી. ઘટનાની જાણ થયે ડોગ સ્ક્વોડ સાથે તાત્કાલિક માંડવી પોલીસ મંદિરે દોડી ગઈ હતી અને માત્ર ત્રણ કલાકમાં ચોરીને અંજામ આપનારા અજ્ઞાત તસ્કરોની ભાળ મેળવવા કવાયત આદરી હતી.
તસ્કરોએ રાપરમાં પણ મંદિરને બનાવ્યું હતું નિશાન
અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છમાં ફરી દેવસ્થાનોમાં ઉપરા-ઉપરી તસ્કરીના બનાવો વધતાં શ્રદ્ધાળુઓમાં ચકચાર સાથે રોષની લાગણી પ્રસરી છે. આ પહેલા રાપરના સેલારીમાં સ્થિત મેટાસરી મહાદેવનાં મંદિરમાંથી ૧.૧૫ લાખના આભૂષણો ચોરાયાં હતા. મેટાસરી તળાવના કિનારે આવેલાં, ચૌધરી પરિવારના મેટાસરી મહાદેવ મંદિરમાં સેવા-પૂજા કરતા પૂજારી મોહનનાથ ભીખાનાથ ગોસ્વામીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.૭-૧ના રાત્રે મંદિરને નિત્યકર્મ મુજબ તાળું મારી દેવામાં આવ્યું હતું. પ્રાતઃકાળે પૂજા કરવા આવતાં ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું. રાત્રિ દરમ્યાન મંદિર પરિસરમાં ઘુસી આવેલા તસ્કરો શિવલિંગ પરની પંચધાતુની ચાંદીની (જર્મનસિલ્વર)ની નાગની મૂર્તિ બે મૂર્તિ કિંમત રૂા.૧,૧૫,૦૦૦ની ચોરી કરી ગયા હોવાનું બહાર આવ્યું હતું.