રાજકોટ: મહાનગરપાલિકા (RMC) ના જનરલ બોર્ડ પૂર્વે આજે વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયા, મકબૂલ દાઉદાણી સહિતના કોંગી કોર્પોરેટરોએ શાસક પક્ષ વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના નેતાઓ હાથમાં "રાજકોટ મહાનગર પાલિકાની મિલકત વેચવાનું બંધ કરો", "ફ્લેટ ધારકોને ન્યાય આપો", "બિલ્ડરો પાસે નાણાં વસુલો" અને "બિલ્ડરોને છાવરવાનું બંધ કરો" જેવા લખાણવાળા પોસ્ટરો લઈને મેદાનમાં ઉતર્યા હતા. વિરોધ પક્ષે ભાજપ શાસિત મનપા પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે તંત્ર દ્વારા સામાન્ય જનતાના હિતને બદલે બિલ્ડરોને છાવરવામાં આવી રહ્યા છે.
આ આખા વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસી કોર્પોરેટર મકબૂલ દાઉદાણી સૌના આકર્ષણનું અને ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. તેઓ કોઈ સામાન્ય વાહનમાં નહીં પરંતુ અંદાજે રૂ. 15 લાખની કિંમતના આલીશાન BMW બાઈક પર સવાર થઈને જનરલ બોર્ડમાં પહોંચ્યા હતા. બાઈકના જબરદસ્ત શોખીન એવા મકબૂલભાઈએ આ બાઈક માટે પોતાની પસંદગીનો '2' નંબર મેળવવા માટે પણ અધધ રૂ. 1.85 લાખ ચૂકવ્યા છે. ટાઉન હોલની બહાર જ્યારે આ લક્ઝુરિયસ બાઈક સાથે કોર્પોરેટરે પોસ્ટરો દેખાડી વિરોધ કર્યો, ત્યારે લોકો અને અન્ય નેતાઓ પણ જોતા રહી ગયા હતા.
પોતાના આ અનોખા વિરોધ અંગે મીડિયા સાથે વાત કરતા કોર્પોરેટર મકબૂલ દાઉદાણીએ જણાવ્યું હતું કે, "બાઈક ચલાવવો એ મારો વ્યક્તિગત શોખ છે, પરંતુ જનતાના પ્રશ્નો માટે અવાજ ઉઠાવવો અને વિરોધ કરવો એ મારી નૈતિક ફરજ છે." તેમણે વધુમાં ઉમેર્યું કે વિરોધ પક્ષની ભૂમિકા તેઓ ખૂબ જ સારી રીતે નિભાવી રહ્યા છે અને જ્યાં સુધી પ્રજાને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે.