Tue Jan 20 2026

Logo

White Logo

સુરતમાં 6 કરોડનુ કોબ્રાનું ઝેર વેચવા આવેલા : 7 ઝડપાયા, માસ્ટર માઈન્ડ અમદાવાદી ફરાર

3 hours from now
Author: Mayurkumar Patel
Video

સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં ગુજરાતના ઈતિહાસમાં કદાચ પ્રથમ કહી શકાય તેવા પ્રતિબંધિત કોબ્રા સાપનું ઝેર વેચવા આવેલા 7 યુવકો પકડાયા હતા. જ્યારે માસ્ટર માઈન્ડ અમદાવાદી ફરાર થઈ ગયો હતો. લસકાણા ખાતે નવજીવન સર્કલ પાસેના સહજાનંદ હબમાં પહેલા માળે આવેલા પટેલ લાઈફ પાર્ટનર નામની મેરેજ બ્યુરોની ઓફિસમાં રેડ પાડીને પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા. વડોદરાથી  એક વકીલ સહિત પાંચ જણા ઝેરનો સોદો કરવા આવ્યા હતા. મેરેજ બ્યુરોના સંચાલક તથા તેના સાઢુ ભાઈએ ઝેરનો 9.10 કરોડમાં સોદો નક્કી કર્યો હતો. ડીલ ચાલતી હતી તે સમયે પોલીસ ત્રાટકી હતી. અમદાવાદના વ્યક્તિ પાસેથી આ ઝેર વેચવા લાવવામાં આવ્યું હતું તે ફરાર થઈ ગયો હતો.

કાચની બોટલમાંથી કેટલું ઝેર મળ્યું

 એસઓજી મળેલી બાતમીના આધારે નવજીવન સર્કલની પાસે આવેલા સહજાનંદ હબમાં પહેલા માળે આવેલા પટેલ લાઈફ પાર્ટનર મેરેજ બ્યુરોમાં રેડ કરી હતી. જેમાં પ્રતિબંધિત કોબ્રા સાપનાં ઝેર (વેનમ)નો સોદો કરી રહેલા 7 જણાને ઝડપી લીધા હતા. એક કાચની બોટલમાં 6.5 મિલી લીટર સાપનું ઝેર જેની કિંમત  રૂ.5.85 કરોડ ગણી શકાય તે પોલીસે કબજે કર્યું હતું. 

ડીલ ડન થાય તે પહેલાં જ પોલીસ ત્રાટકી

સુરત SOG ટીમને બાતમી મળી હતી કે કોબ્રા સાપના ઝેરને વેચવા કેટલાક શખ્સો પૂછપરછ કરી રહ્યા છે. આ ગેંગ સુરતમાં મેરેજ બ્યુરો ચલાવી રહેલા મનસુખ ઘીનૈયા સાથે સંપર્કમાં હતી. જ્યાં ડીલ  ડન થઈ હતી. આરોપીઓ રકમના સોદામાં દરેકના ટકાવારી પ્રમાણે કમિશન નક્કી હતા. પણ ડીલ ડન થાય તે જ પહેલા ચોક્કસ વોચ ગોઠવી દરોડા પાડવામાં આવ્યા હતા.  સાતેય આરોપીની પૂછપરછ કરતાં બહાર આવ્યું કે, અમદાવાદના આરટીઓ સર્કલ પાસે રહેતા મુખ્ય સૂત્રધાર ઘનશ્યામ સોનીએ વડોદરાના પ્રશાંત અને મકરંદને આ ઝેર વેચવા માટે આપ્યું હતું. તેઓ કિંમતી ઝેરના વેચાણ માટે નેટવર્કનો વિસ્તાર કરી રહ્યા હતા.  માસ્ટર માઈન્ડ અમદાવાદીઘનશ્યામ સોનીને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.
 
સૂત્રોએ જણાવ્યું હતુ કે સુરત એસ.ઓ.જી દ્વારા પકડી પાડવામાં આવેલા ઝેરનું પરિક્ષણ કરવા માટે વન વિભાગ તરફથી હૈદરાબાદ, અથવા પુણે ખાતે આવેલી એડવાન્સ્ડ સ્નેક રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવશે. જયાં ખરેખર કઈ પ્રજાતિનાં સાપનું ઝેર છે, તેની ગુણવત્તા સહિતની બાબતોનું પરીક્ષણ અને રિપોર્ટ તૈયાર થશે. ત્યારબાદ આરોપીઓ સામે વન વિભાગ તરફથી પણ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી આગળ વધારવામાં આવશે.