(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજઃ પૂર્વ કચ્છના આદિપુર ખાતે આવેલી પી.એમ. આંગડિયા પેઢીના શિણાય રહેતા સંચાલક એવા દિલીપ ઊર્ફે ઘનશ્યામ રતિલાલ ઠક્કર (૫૨)એ ભેદી સંજોગોમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં કચ્છ સહીત બૃહદ કચ્છના લોહાણા સમાજમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
ઘરેથી ઓફિસે જવા નીકળ્યા હતા
આ ભેદી ઘટના અંગે કંડલા મરીન પોલીસ મથકે મૃતકના નાના ભાઈ દિનેશ ઠક્કરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત શનિવારે બપોરે અઢી વાગ્યે નિત્યકર્મ મુજબ દિલીપભાઈ ભોજન કરીને શિણાય ખાતેની અરાવલ્લી સોસાયટીમાં સ્થિત ઘરેથી તેમની પી.એમ આંગડિયા પેઢીની ઓફિસે જવા માટે નીકળ્યાં હતા. મોડી રાત્રી સુધી ઘરે પરત ન ફરતાં અઘટિત બન્યું હોવાની આશંકા સાથે મિત્રો અને પરિવારજનોએ તેમની ભાળ મેળવવા પ્રયાસો આદર્યા હતા.
શેલ્ટર હોમમાં તપાસ કરતા મળી લાશ
આ દરમ્યાન મોડી રાત્રે સંઘડ નજીક જોગણીનાર સોલ્ટ તરફ જતાં સુમસામ રસ્તા પરના એક અવાવરુ શેલ્ટર હોમ બહાર તેમની મર્સિડીઝ કાર જોવા મળી હતી. દિલીપભાઈના મોબાઈલ ફોનની રણકતી રીંગના અવાજના આધારે શેલ્ટર હોમની અંદર તપાસ કરવા મિત્રો અને પરિવારજનો ગયા ત્યારે બીમના સળિયામાં દોરી વડે ફાંસો ખાધેલી હાલતમાં લટકતો તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
પોલીસે તપાસ શરૂ કરી
દરમ્યાન, અવાવરું જગ્યાએ આપઘાત કરવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પી.એમ આંગડિયા પેઢીના આર્થિક વ્યવહારોને ખંગાળવામાં આવી રહ્યા હોવાનું આ ઘટનાના તપાસકર્તા એવા કંડલા મરીનના પોલીસ સબ ઇન્સ્પેકટર વાય.પી. ગોહિલે જણાવ્યું હતું.