નવસારીઃ ગુજરાતીઓનો વિદેશ જવાનો ક્રેઝ ઘણો જાણીતો છે. વિદેશ જવા લોકો અનેક રીતે અપનાવતા હોય છે. જોકે ક્યારેક એજન્ટની માયાજાળમાં સપડાતા હોય છે. આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. નવસારીની મહિલા નોકરીની લાલચે બેલારુસમાં લઈ જવાઈ હતી. જ્યાં તેને તબેલામાં પૂરી દેવામાં આવી હતી.
80 હજાર પગારની આપી હતી લાલચ
મળતી વિગત પ્રમાણે, મહિલાને બેલારુસમાં ફ્રૂટ પેકિંગમાં નોકરી અને 80 હજાર પગાર મળશે તેમ કહીને મોકલવામાં આવી હતી. ઉપરાંત જો ઓવરટાઈમ કરે તો 90 હજારથી એક લાખ રૂપિયા પણ કમાશે તેમ કહ્યું હતું. તેને જે પ્રકારનું કામ અને પગારની લાલચ આપવામાં આવી હતી તે મળ્યા નથી. તેની સ્થિતિ એવી છે કે હાલ રિટર્ન ટિકિટના પણ પૈસા નથી. મહિલાના કહેવા પ્રમાણે તે વિધવા છે અને દેવું કરીને બેલારુસ આવી છે. અહીંયા તેને ગાયના તબેલામાં રહેવા મુકી હતી. બેલારુસની રાજધાનીથી તેને 400 કિમી દૂર રાખવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું.
વડોદરાના એજન્ટ પર લગાવ્યો આરોપ
મહિલાએ એજન્ટ પર આરોપ લગાવતાં કહ્યું, વડોદરાના એજન્ટે તેને બેલારુસ મોકલવા 5.50 લાખ રૂપિયા લીધા હતા. તેણે જે પ્રકારનું કામ અને પગાર કહ્યો હતો તેવું મળ્યું નથી. મારી સાથે છેતરપિંડી થઈ છે. મારી પાસે ભારત આવવાના પૈસા નથી. મારા ત્રણ સંતાનો ત્યાં રહે છે, તેમને હું એકલા મૂકીને આવી છું. તેણે સરકારને બેલારુસથી પરત લાવવાની વિનંતી કરી હતી.
મહેસાણામાં પણ આવો કિસ્સો આવ્યો હતો સામે
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા મહેસાણામાં પણ આવો જ કિસ્સો સામે આવ્યો હતો. યુરોપ જવા નીકળેલા મહેસાણાના બદલપુરા (મેઉ) ગામના એક જ પરિવારના ત્રણ સભ્યો લિબિયામાં મરતા મરચા બચ્યા હતા. એજન્ટોની છેતરપિંડીને કારણે આ પરિવાર લિબિયાના અપહરણકારોના સકંજામાં ફસાઈ ગયો હતો, જેઓ હવે લાખો રૂપિયાની ખંડણી ચૂકવીને હેમખેમ વતન પરત ફર્યા હતા. આ પરિવાર દુબઈથી પોર્ટુગલ જવા માટે નીકળ્યો હતો. જો કે, કબૂતરબાજ એજન્ટોએ વિશ્વાસઘાત કરીને આ પરિવારને પોર્ટુગલને બદલે લિબિયા ઉતારી દીધો હતો. લિબિયા પહોંચતા જ સ્થાનિક અપહરણકારોએ દંપતી અને તેમની માત્ર ત્રણ વર્ષની માસૂમ બાળકીને બંધક બનાવી લીધા હતા.
લિબિયામાં અપહરણકારોએ પરિવારને મુક્ત કરવા માટે શરૂઆતમાં 2 કરોડ રૂપિયાની માતબર રકમની ખંડણી માંગી હતી. અપહરણકારો વીડિયો કોલ મારફતે ભારતમાં રહેલા તેમના સ્વજનોને ધમકાવતા હતા અને પરિવારને મારી નાખવાની ધમકી આપતા હતા. અંતે, યુરોપમાં રહેતા પરિવારના ભાઈએ અપહરણકારો સાથે મધ્યસ્થી કરી અને રકમ બાબતે સમજૂતી કરી હતી.
અપહરણકારો અને એજન્ટોની ઉઘાડી લૂંટ વચ્ચે, પરિવારે કુલ 54 હજાર ડોલરની રકમ ઓનલાઈન માધ્યમથી ચૂકવી હતી. ઉપરાંત, દુબઈ સ્થિત એજન્ટોએ પણ એક કરોડ રૂપિયાની માંગણી કરી હોવાનું સામે આવ્યું હતું. નાણાં ચૂકવાયા બાદ અપહરણકારોએ પરિવારને મુક્ત કર્યો હતો અને હવે આ પરિવાર સુરક્ષિત રીતે ભારત પરત ફર્યો હતો.
મોતના મુખમાંથી પરત ફરેલા પરિવારે નક્કી કર્યું છે કે તેઓ આ છેતરપિંડી કરનાર એજન્ટો સામે કડક પોલીસ ફરિયાદ નોંધાવશે. આ મામલે મહેસાણા પોલીસ પણ પરિવારના નિવેદન નોંધીને આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરીના રેકેટમાં સંડોવાયેલા એજન્ટો સુધી પહોંચવા તપાસ હાથ ધરી શકે છે.