મુંબઈ: ઓલમ્પિક મેડલ વિજેતા ભારતની સ્ટાર બેડમિન્ટન પ્લેયર સાઇના નેહવાલે નિવૃત્તિ જાહેર કરી છે. સાઈના છેલ્લે વર્ષ 2023માં સિંગાપોર ઓપનમાં રમી હતી, ત્યાર બાદ તેણે નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો, પરંતુ તેણે કોઈ સત્તાવાર રીતે નિર્ણયની જાહેરાત કરી ન હતી.
એક પોડકાસ્ટ દરમિયાન નિવૃત્તિ અંગેનો નિર્ણય જાહેર કરતા સાઇનાએ કહ્યું, "મેં બે વર્ષ પહેલાં જ રમવાનું બંધ કરી દીધું હતું. મેં મારી પોતાની શરતો પર આ રમતમાં પ્રવેશ કર્યો અને મારી શરતો પર રમત છોડી હતી, તેથી તેની જાહેરાત કરવાની કોઈ જરૂર નહતી."
આ કારણે લીધો નિર્ણય:
નોંધનીય છે કે સાઈના લાંબા સમયથી ઘૂંટણની ઈજાથી પીડાતી હતી, જેના કારણે તે પહેલાની માફક બેડમિન્ટન રમવા સક્ષમ ન હતી. સાઈનાએ પોડકાસ્ટ દરમિયાન કહ્યું, "જો તમે હવે રમવા માટે સક્ષમ નથી, તો કોઈ વાંધો નથી."
વધુ વિગતો આપતા સાઈનાએ જણાવ્યું કે, "મારું કાર્ટીલેજ સંપૂર્ણપણે ખતમ થઇ ગયું છે, મને સંધિવા છે, મારા માતાપિતાને, મારા કોચને મેં ફક્ત એટલું જ કહ્યું, હવે કદાચ હું નહીં રમી શકું. ધીમે ધીમે લોકોને પણ ખ્યાલ આવી ગયો કે સાઇના હવે નથી રમી રહી. મને નિવૃત્તિની જાહેરાત કરવાની જરૂર ન લાગી. મને લાગ્યું કે મારો સમય પૂરો થઈ ગયો છે.”
બે કલાક પ્રેક્ટીસ કરવી પણ મુશ્કેલ:
સાઇનાએ તેની શારીરિક સ્થિતિ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું, "દુનિયામાં બેસ્ટ બનવા માટે મેં આઠથી નવ કલાક તાલીમ લીધી, હવે મારા ઘૂંટણ એક કે બે કલાકમાં દુખવા લાગે છે, ઘૂંટણ સોજી જાય છે. હવે વધુ બળ લગાવવું ખૂબ મુશ્કેલ છે."
સાઈના દેશનું ગૌરવ:
લંડન ઓલિમ્પિક 2012માં બ્રોન્ઝ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું હતું. રિયો ઓલિમ્પિક 2016 સાઈનાને ઘૂંટણની ઈજા થઇ હતી, જેને કારણે તેની કારકિર્દી વધુ અસર પડી હતી. ઈજા બાદ તેને વર્ષ 2017 માં વર્લ્ડ ચેમ્પિયનશિપ બ્રોન્ઝ અને 2018 માં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને કમબેક કર્યું, પરંતુ આ દરમિયાન પણ તેને ઘૂંટણમાં વારંવાર સમસ્યા થઇ હતી.
વર્ષ 2024 માં સાઈનાએ ખુલાસો કર્યો હતો કે તેને સંધિવા છે અને તેના કાર્ટીલેજમાં સોજાની સમસ્યા છે.