મુંબઈઃ મુંબઈ મહાનગર પાલિકામાં ભાજપને સૌથી વધુ સીટ સાથે મહાયુતિને બહુમતી મળી છે, પરંતુ મુંબઈમાં હજુ મેયર મુદ્દે કોકડું ઉકેલાયું નથી, ત્યાં રાજ્યના મુખ્ય પ્રધાન વિદેશ જવા રવાના થયા છે. એકનાથ શિંદે પણ પોતાના નગરસેવકોને લઈ હોટેલમાં રાખ્યા છે, ત્યારે રાજકારણ ગરમાયું છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આજે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (ડબ્લ્યુઇએફ) માં હાજરી આપવા માટે દાવોસ પહોંચ્યા છે. તેમણે રાજ્યને વૈશ્વિકસ્તરે ભારતના વિકાસ એન્જિન તરીકે સ્થાન આપવાનો સંકલ્પ કર્યો. મુખ્ય પ્રધાન ૨૪ જાન્યુઆરી સુધી આ કાર્યક્રમમાં રહેશે.
"મહારાષ્ટ્રના આશીર્વાદથી ડબ્લ્યુઇએફ 2026 માટે સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસની યાત્રા કરી રહ્યા છીએ. મેગ્નેટિક મહારાષ્ટ્રને વિશ્વ મંચ પર ભારતના વિકાસ એન્જિન તરીકે મજબૂત બનાવવા માટે કટિબદ્ધ," ફડણવીસે એક્સ પર પોસ્ટ કર્યું હતું.
ડબ્લ્યુઇએફ મીટિંગ વિશ્વાસ-આધારિત જોડાણ, મજબૂત ચર્ચા અને જાહેર સંવાદ માટે વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડે છે, અને તેનો હેતુ રોકાણ અને આર્થિક સહયોગને પ્રોત્સાહન આપવાનો છે.
ભારત સરકારનો ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગ દેશમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે આ બેઠકમાં ભાગ લઈ રહ્યો છે, જ્યારે ભારતીય ઉદ્યોગ સંઘ (સીઆઈઆઈ) ને ઈન્ડિયા પેવેલિયન સંબંધિત પ્રવૃત્તિઓના સંકલન માટે નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે. સીઆઈઆઈએ મહારાષ્ટ્ર સરકારને ઈન્ડિયા પેવેલિયનમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું હતું, જેને રાજ્યએ સ્વીકાર્યું અને ભાગ લેવા માટે બુક કરાવ્યું.
2025માં દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમની બેઠક દરમિયાન ફડણવીસે કુલ 15.7 લાખ કરોડ રૂપિયાના રોકાણ પ્રતિબદ્ધતાની જાહેરાત કરી હતી. આ પ્રતિબદ્ધતાઓ સ્થાનિક અને વિદેશી રોકાણકારો સાથે હસ્તાક્ષર કરાયેલા 54 સમજૂતી કરાર (એમઓયુ) દ્વારા કરવામાં આવી હતી.
(પીટીઆઈ)