કરાંચી : પાકિસ્તાનના કરાચીમાં શનિવારે મોડી રાત્રે એક શોપિંગ મોલમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં છ લોકોના મોત થયા છે, જેમાં એક ફાયર બ્રિગેડ કર્મચારીનો પણ સમાવેશ થાય છે. જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાને 12 કલાકથી વધુ સમય વીતી ગયા પછી પણ કેટલાક લોકો હજુ પણ ઇમારતની અંદર ફસાયેલા હોવાની આશંકા છે. ફાયર વિભાગના કર્મચારીઓ તેમને બચાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.
ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યું હતું
આ અંગે મળતી માહિતી મુજબ કરાચીના વ્યસ્ત એમએ જિન્નાહ રોડ પર સ્થિત બહુમાળી શોપિંગ મોલ ગુલ પ્લાઝામાં શનિવારે મોડી રાત્રે અચાનક આગમાં ભડકી ઉઠી હતી. આ આગ એટલી ભયંકર હતી કે ધુમાડાના ગોટેગોટા માઇલો દૂરથી જોઈ શકાતા હતા. આ ઘટનાની માહિતી મળતાં ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જ્યારે રવિવારે પણ બચાવ કામગીરી ચાલુ રહી હતી.
તાપમાન ઘટતાં જ વધુ બચાવ કામગીરી શરૂ કરવામાં આવશે
સ્થાનિક અહેવાલ મુજબ, ઈમારતમાં આગની ગરમી ઓછી થતાં અને તાપમાન ઘટતાં જ વધુ બચાવ કામગીરી શરૂ કરવામાં આવશે. પરંતુ ઈમારતની જટિલ રચનામાં સેંકડો દુકાનો અને દુકાનો સાથે ભોંયરું અને મેઝેનાઈન ફ્લોર હોવાથી બચાવ કામગીરી હાથ ધરવી ખૂબ જ મુશ્કેલ બની રહી છે.