(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભારત દેશનું સંચાલન જયાં સુધી ધર્મ દ્વારા થશે ત્યાં સુધી ભારત વિશ્વગુરુ રહેશે એવું રાષ્ટ્રીય સ્વયમ્ સેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે રવિવારે એક કાર્યક્રમ દરમ્યાન કહ્યું હતું. ભાગવતે કહ્યું હતું કે ભારતને તેના પૂર્વજો પાસેથી સમૃદ્ધ આધ્યાત્મિક વારસો મળ્યો છે અને સંતો પાસેથી માર્ગદર્શન મળતું રહ્યું છે. ધર્મ ફક્ત ધર્મ પૂરતો મર્યાદિત નથી પણ તે બધી સૃષ્ટિનો માર્ગદર્શન સિદ્ધાંત હોવાનું પણ તેમણે આ સમયે ભારપૂર્વક કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે જયાં સુધી આ પ્રકારનો ધર્મ ભારતને ચલાવે છે ત્યાં સુધી તે વિશ્ર્વગુરુ રહેશે અને તેમણે ઉમેર્યું હતું કે દુનિયા પાસે આ પ્રકારનું જ્ઞાન નથી કારણકે તેમનામાં આધ્યાત્મિકતાનો અભાવ છે. આ આપણા પૂર્વજોનો વારસો છે. આરએસએસના વડાએ એવું પણ કહ્યું હતું કે નરેન્દ્રભાઈ હોય, હું હોવ, તમે હો કે બીજું કોઈ હોય એક જ શક્તિ આપણા બધાને ચલાવે છે. જો વાહન એ શક્તિથી ચાલે છે તો કયારેય અકસ્માત નહીં થાય, કારણકે ડ્રાઈવર ધર્મ છે.
ભાગવતે એવું પણ કહ્યું હતું કે ભારતે સમય સમય પર વિશ્ર્વને ધર્મ આપ્યો છે. આપણી પાસે પુસ્તકો અને વક્તાઓ છે પણ ધર્મ ખરેખર તે બધાને જીવનમાં અમલમાં મુકાવવાની સાથે જ તેનું પાલન કરાવે છે.આ દરમ્યાન ભાગવતે એવી ચેતવણી પણ આપી હતી કે અહીં ઘણા બધા લોકા ‘હું’ માનસિકતામાં રહે છે તેને બદલે ‘આપણે’ આ માનસિકતામાં રહેવું જોઈએ. કેટલાક લોકો આવા કામને બગાડવાનો પ્રયાસ કરશે અને જો તમે સારું કામ કરી રહ્યા છો તો પરિણામની અપેક્ષા રાખશો નહીં પણ તે કરો કારણકે તે સારું કામ છે.
PTI